બોલિવૂડમાં બે નવા ચહેરા સાથેની કોઈ ફિલ્મ હિટ બને તેવું વારંવાર બનતું નથી. ‘કહો ના પ્યાર હૈ’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘ધડક’ જેવી બહુ ઓછી ફિલ્મો છે જેણે આ સિદ્ધિ મેળવી છે. જોકે 18 જુલાઈના રોજ રિલીઝ થયેલી ‘સૈયારા’એ ઇતિહાસ રચ્યો છે. અહાન પાંડે અને અનીત પડ્ડાને મુખ્ય ભૂમિકામાં ચમકવાતી અને મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ફિલ્મે પહેલા જ સપ્તાહમાં 172.50 કરોડની કમાણી કરી હતી. અને પહેલાં દસ દિવસની કમાણીનો આંકડો રૂ, 219.24 કરોડના આંકને વટાવી ગયો છે.
અત્યાર સુધીની સૌથી મોટી શરૂઆત
સૈયારાએ તેના પહેલા સપ્તાહના અંતે રૂ. 83 કરોડની કમાણી કરી, જે ડેબ્યુ કલાકારો અભિનીત કોઈ પણ હિન્દી ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે. તેણે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (રૂ. 70 કરોડ) અને ‘કહો ના... પ્યાર હૈ’ (રૂ. 44.28કરોડ) જેવી સુપરહિટ ડેબ્યુ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. • ‘સૈયારા’એ સલમાનની ‘સિકંદર’ને 5 દિવસમાં પછાડી છે. રિલીઝના પાંચમા દિવસે ફિલ્મનું નેટ કલેક્શન રૂ. 132 કરોડ સુધી પહોંચી ગયું. જે સલમાન ખાનની ‘સિકંદર’ના રૂ. 129.95 કરોડના કલેક્શન કરતાં વધુ છે. • દિગ્દર્શક મોહિત સૂરીનું શ્રેષ્ઠ ઓપનિંગ: પહેલા દિવસના રૂ. 21 કરોડના કલેક્શને મોહિત સૂરીની પાછલી ફિલ્મો ‘એક વિલન’ અને ‘આશિકી-ટુ’ને પણ પાછળ છોડી દીધી. • ‘સૈયારા’ ફિલ્મે જ નહીં, તેનાં સંગીતે પણ રેકોર્ડ તોડયા છે. ટાઇટલ ટ્રેક ‘સૈયારા’એ સ્પોટીફાઇ ઇન્ડિયા પર 24 કલાકમાં 36.1 લાખ સ્ટ્રીમ્સ સાથે નવો રેકોર્ડ બનાવ્યો. સ્પોટીફાઇ ગ્લોબલ ટોપ-50માં 5માં સ્થાને પહોંચ્યું છે.