નાનું બજેટ અને નબળી કમાણી સાથે સિનેમાઘરોમાં રજૂ થયેલી ભક્તિપ્રધાન ફિલ્મ ‘હનુમાન અંશ’ હવે બોક્સ ઓફિસ પર મોટી સફળતા તરફ આગળ વધી રહી છે. ફિલ્મે 60 જ દિવસમાં વિશ્વભરમાં 325 કરોડ કરતાં પણ વધુ કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ખાસ વાત એ છે કે સાતમા-આઠ્મા સપ્તાહે પણ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર નવી રિલીઝ થયેલી ફિલ્મો કરતાં વધુ કમાણી કરી રહી છે.
‘હનુમાન અંશ’ને શરૂઆતમાં માત્ર 10 લાખની કમાણી થઈ હતી અને પહેલા બે સપ્તાહમાં ફિલ્મની કમાણી માંડ 1.50 કરોડ સુધી પહોંચી હતી. જોકે, દર્શકોના સારા પ્રતિસાદ બાદ ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો થતો રહ્યો હતો. ચોથા સપ્તાહથી ફિલ્મે ભારતમાં દર સપ્તાહે 60 કરોડથી વધુ કમાણી કરી છે. 41મા દિવસે એટલે કે બુધવારે ફિલ્મે ભારતમાં 6 કરોડનો ઉમેરો કર્યો છે. આ સાથે તેની ભારતમાં કમાણી 325 કરોડને ઓળંગી થઈ છે.
વિદેશમાં ફિલ્મનું પ્રદર્શન મોડેથી શરૂ થયું હતું. હોમ્બલે ફિલ્મ્સે આ મહિનાની શરૂઆતમાં ફિલ્મના વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ મેળવ્યા બાદ વિદેશમાં તેને રિલીઝ કરવામાં આવી હતી. બે સપ્તાહમાં ફિલ્મે વિદેશી માર્કેટમાં આશરે 2 મિલિયન ડોલરની અંદાજિત કમાણી કરી છે.
આ સાથે ‘હનુમાન અંશ’ 2026ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે. તે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની 250 કરોડથી વધુની લાઇફટાઇમ વર્લ્ડવાઇડ કમાણી પણ પાછળ છોડી ચૂકી છે. જોકે, ફિલ્મ ટોપ-5 કે ટોપ-3માં પહોંચશે કે નહીં તે આગામી દિવસોની કમાણી પર નિર્ભર રહેશે. વિશાલ ચતુર્વેદીના લેખન અને દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં લક્ષ્મીનારાયણ નામના એક યુવાનની કહાણી છે, જે માતાના અવસાન બાદ ઈશ્વરની શોધમાં આધ્યાત્મિક યાત્રા શરૂ કરે છે. ઉત્તર ભારતની આ યાત્રા દરમિયાન જીવન, મૃત્યુ અને માનવીય પીડા અંગેના જવાબો શોધતો લક્ષ્મીનારાયણ આગળ જતાં સંત નીમ કરોલી બાબા તરીકે ઓળખાય છે. ફિલ્મમાં શોભિનવ સત્ય, વિહાન શેડગે, ચંદન કે. આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ રસ્તોગી અને ગુલશન પાંડે સહિતના કલાકારો છે.


