‘હોમ બાઉન્ડ’ ઓસ્કારની રેસમાંથી બહાર

Saturday 31st January 2026 08:22 EST
 
 

વિશાલ જેઠવા, ઇશાન ખટ્ટર અને જાહન્વી કપૂરની ફિલ્મ ‘હોમ બાઉન્ડ’ 98મા ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી ઓફિશ્યલ એન્ટ્રી હતી. પરંતુ ફિલ્મ ઓસ્કારના ફાઇનલ નોમિનેશનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. આ અંગે વિશાલ જેઠવાએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં પ્રતિષ્ઠા અપાવનાર આ ફિલ્મ તેના દિલથી હંમેશા નજીક જ રહેશે. ગયા ગુરુવારે સાંજે ઓસ્કારના ફાઇનલ નોમિનેશનલ જાહેર થયાં હતાં ત્યારે વિશાલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, ‘અમને ફાઇનલ નોમિનેશનમાં ભલે સ્થાન ન મળ્યું, પરંતુ ટોપ-15માં પહોંચ્યા એ પણ અમારા માટે સન્માનજનક વાત છે.’ વિશાલ જેઠવા આ ફિલ્મમાં ચંદનકુમાર વાલ્મિકીનો રોલ કરે છે, જે ઇશાન ખટ્ટરનો મિત્ર છે. વિશાલે કહ્યું, ‘આ ફિલ્મનો હિસ્સો બની શક્યો એ બાબતે હું હંમેશા ટીમનો આભારી રહીશ.’

વિશાલે થોડી નિઃરાશા પણ વ્યક્ત કરી, તેણે કબૂલ્યું કે તેને આશા હતી કે ફિલ્મ નોમિનેશનમાં આગળ વધશે એવી આશા હતી. વિશાલ કહે છે, ‘આપણે ભલે એવું કહીએ કે આપણે બહુ અપેક્ષાઓ ન રાખવી જોઈએ તો પણ જ્યારે આટલા આગળ વધી જઈએ તો થોડી તો અપેક્ષા પણ વધે જ છે. ભલે ગમેતેટલા લોકોએ ફિલ્મ જોઈ હોય પણ જેમણે જોઈ છે એમણે ફિલ્મ વખાણી છે અને વાર્તાને મજબુત ગણાવી છે, એ જ વાત અમને એક સિદ્ધિ જેવી લાગે છે.’ વિશાલે પ્રોડ્યુસર કરણ જોહર અને ડિરેક્ટર નીરજ ઘેવાન અને એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર માર્ટીન સ્કોરસીસ સહીતના લોકોનો આભાર માન્યો હતો. વિશાલે કહ્યું કે આ સફરમાંથી તેને ઘણું શીખવા મળ્યું છે.
આ મુદ્દે વિશાલે કહ્યું, ‘આ ફિલ્મના સમગ્ર અનુભવે, પછી તે શૂટિંગ હોય, ઓસ્કારનું કેમ્પેનિંગ હોય કે પછી ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં ફિલ્મ સાથે જવાનું હોય, આ પ્રક્રિયાએ મને ઘણો બદલ્યો છે. મારા માટે આ અનુભવ ઘણો આઝાદીનો અનુભવ કરાવનારો મળ્યો છે. હું મારી જાતને વધુ સારી રીતે સમજી શક્યો છું અને મને ઘણો આત્મવિશ્વાસ પણ મળ્યો છે. ઘણી વખત મને ડર લાગે છે કે આ બધું ખતમ થાય પછી હું આ બધું શીખ્યો છું એ અને આ આત્મવિશ્વાસ ગુમાવી ન દઉં, એક વ્યક્તિ તરીકે હું તે ગુમાવી ન શકું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter