કાન ફેસ્ટિવલ દુનિયાના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાંનો એક છે. આ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવા જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને પસંદ કરવામાં આવી છે.
આ ફિલ્મનું દિગ્દર્શન નીરજ ઘેવાને કર્યું છે. 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘હોમબાઉન્ડ’ને ‘અનસર્ટેઈન રિગાર્ડ’ કેટેગરીમાં દર્શાવામાં આવશે. ઈશાન ખટ્ટર અન વિશાલ જેઠવા આ ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળ્યા છે. આ ફેસ્ટિવલ 13 મેથી 24 મે સુધી ચાલવાનો છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે પોતાની ફિલ્મની પસંદગી બાબતે જ્હાન્વી કપૂરે સોશયલ મીડિયા પર ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે. જ્યારે ઈશાન ખટ્ટરે પણ આ ફિલ્મની કાન ફેસ્ટિવલમાંની પસંદગી બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો.
ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને કરણ જોહરે કો-પ્રોડયુસ કરી છે. કરણ જોહરે સોશયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરીને લખ્યું હતુંઃ ‘નીરજ ઘેવાન દ્વારા દિગ્દર્શિત ‘હોમબાઉન્ડ’ને પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ કાન માટે પસંદ કરવામાં આવી છે. હું હંમેશાથી ઈચ્છતો હતો કે અમારી કોઈ ફિલ્મ આ પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ પર પહોંચે અને આજે આપણે અહીં આવી ગયા છીએ.’