અભિનેત્રી દીપિકા પદુકોણે ફરી એક વાર ભારતીય ફિલ્મઉદ્યોગને ગૌરવ અપાવ્યું છે. પ્રતિષ્ઠિત ‘હોલિવૂડ વોક ઓફ ફેમ 2026’માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. દીપિકાએ આ ઉપલબ્ધિ તાજેતરમાં માતા બન્યા પછી મેળવી હોવાથી તેના માટે આ ઉપલબ્ધિનું વિશેષ મહત્ત્વ છે.
વર્ષ 2026 માટે જાહેર થયેલી હોલિવૂડ વોક ઓફ ફેમ યાદીમાં વિશ્વના દિગ્ગજ 35 કલાકારોનો સમાવેશ થાય છે. તે તમામની પસંદગી મોશન પિક્ચર કેટેગરીમાં થઈ છે. હોલિવૂડના સુપર સ્ટાર ટિમોથી, ડેમી મૂર, રાશેલ મેકએડમ્સ તેમ જ રામી માલેકના નામ પણ યાદીમાં જોવા મળે છે. દીપિકા પદુકોણે આ ઉપલબ્ધિ મેળવીને આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાના, કિયારા અડવાણી જેવી નવી પેઢીની અભિનત્રીઓને પાછળ રાખી દીધી છે. પ્રિયંકા ચોપરા જેવી ગ્લોબલી સ્થાપિત સ્ટારને પણ પાછળ રાખીને દીપિકા નવા મુકામ સુધી પહોંચી છે. દીપિકાએ પોતાને બોલિવૂડ સુધી મર્યાદિત નથી રાખી, હોલિવૂડની ફિલ્મોમાં કામ કરીને ત્યાં પણ પોતાના અભિનયનો પરિચય આપ્યો છે. હવે હોલિવૂડ વોક ઓફ ફેમ 2026 યાદીમાં સામેલ થઈને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ પહેલાં પણ દીપિકા ગ્લોબલ સન્માન હાંસલ કરી ચૂકી છે. વર્ષ 2018માં ‘ટાઈમ’ મેગેઝિને દીપિકાને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં સામેલ કરી હતી.