માદક સ્વર અને સંગીતના તાલે સુનિધી ચૌહાણ યુકેમાં ધૂમ મચાવશે

Friday 03rd March 2017 01:45 EST
 
 

ગયા અઠવાડિયે દિલ્હી યુનિવર્સિટીમાં ધૂમ મચાવ્યા પછી બોલિવુડની ટોચની ગાયિકા સુનિધી ચોહાણ ખીચોખીચ ભરેલા હોલમાં પોતાના માદક સ્વરે પ્રેક્ષકોને ડોલાવવા માટે યુકે આવી રહી છે. દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાર્ષિક મહોત્સવ ‘એન્જીફેસ્ટ’માં ઈલેક્ટ્રીફાઈંગ પર્ફોર્મન્સ આપીને વિખ્યાત ગાયિકાએ પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુનિધીએ યુવા દર્શકોને તેની સાથે સાથે ગાવામાં સતત વ્યસ્ત રાખ્યા હતા. તેણે ઉમેર્યું હતું,‘ તમે શ્રેષ્ઠ છો. મને આટલો સ્નેહ આપવા બદલ તમારો આભાર. આજની આ નાઈટ અત્યાર સુધીની શ્રેષ્ઠ બની રહેશે તેની હું તમને સૌને ખાતરી આપું છું.
સુનિધી ચૌહાણ એક નહીં પરંતુ, બે શાનદાર શોની પ્રસ્તુતિ માટે યુકે આવી રહી છે. ફિલ્મફેર એવોર્ડ વિજેતા સુનિધી હાલ કંગના રણૌતને ચમકાવતી ‘રંગૂન’ના પ્રમોશન માટે ક્લાઉડ-૯ પર છે. સીધી સાદી ભાષા બોલતી અને સહજ કંઠ ધરાવતી સુનિધી તાજેતરમાં જ રણૌતની સાથે ‘દિલ હૈ હિન્દુસ્તાની’ શોમાં ટીવીના પરદે ચમકી હતી. બોલિવુડ સ્ટાઈલમાં મનોરંજન પૂરું પાડનાર સુનિધીએ ‘બીડી’, ‘શીલા કી જવાની’, ‘મહેબૂબ મેરે’, ‘દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ’, ‘યે જવાની હૈ દિવાની’ સહિત ઘણાં હીટ ગીતો ગાયા છે. પાર્શ્વગાયન માટે સુનિધીને કેટલાક એવોર્ડ પણ મળ્યા છે. આઈટમ સોંગ્સમાં તેનો અવાજ હંમેશા એક સરખો રહ્યો છે. ભારતના શાસ્ત્રીય સંગીતકાર રાહુલ શર્માએ એક વખત સુનિધીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું, ‘સુનિધીના અવાજમાં માદકતાનું તત્વ છે, જે ખૂબ ચંચળ છે. હું તેના અવાજની ક્વોલિટીની અને તે જે રીતે લાગણીઓ વ્યક્ત કરી શકે છે તેની હું પ્રશંસા કરું છું.’ ગણેશ અનંતરામને તેમના પુસ્તક ‘બોલિવુડ મેલડીઝઃ હિસ્ટ્રી ઓફ ધ હિંદી ફિલ્મ સોંગ’માં સુનિધીના અવાજને સુંદર અને અર્થસભર ગણાવ્યો હતો.
સુનિધી માટે ભારતીય સિને ઉદ્યોગમાં બ્રેક મેળવવાનું સહેલું ન હતું. જોકે, ગાયક સોનુ નિગમે આ ઉદ્યોગમાં પહેલો બ્રેક અપાવવામાં તેને મદદ કરી હતી. સુનિધી હંમેશા સોનુ નિગમને પોતાની કારકિર્દીને પ્રેરક બળ પૂરું પાડનાર વ્યક્તિ ગણાવે છે. શ્રેયા ઘોષાલ જેવી સમકાલીન ગાયિકાઓ સાથે તેની સરખામણી કરવામાં આવતા સુનિધીએ જણાવ્યું હતું કે હાલની સંગીતની દુનિયામાં મારા પોતાના લોકો છે તેનાથી મને ખૂબ સંતોષ છે. તેવી જ રીતે શ્રેયા ઘોષાલને પણ પોતાનું સર્કલ છે. શ્રેયાના ગીતોને લોકો મારા માટે પડકારજનક ગણાવે છે તે સુંદર ગીતો અને શ્રેયાની કલાનો હું વ્યક્તિગત રીતે આદર કરું છું.
આયોજકો ‘રોક ઓન’ દ્વારા આ મહિને લંડન અને લેસ્ટર માં સુનિધી ચૌહાણના બે શો રજૂ થશે. સુનિધી તા.૨૫-૨-૧૭ના રોજ SSE એરેના, વેમ્બલી અને તા.૨૬-૨-૧૭ના રોજ લેસ્ટરના ડી’ મોન્ટફોર્ટ હોલ, લેસ્ટર ખાતે પોતાના સૂરીલા અવાજમાં ધમાકેદાર ગીતો દ્વારા પ્રેક્ષકોને સંગીતના તાલે ડોલાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter