મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત

Wednesday 08th January 2020 05:58 EST
 
 

નવી દિલ્હી: નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ૨૯મી ડિસેમ્બરે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમા યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડનું સ્વર્ણ કમળ ચંદ્રક, રૂ. દસ લાખનું કેશ પ્રાઇઝ આપીને અને શાલ ઓઢાડી અમિતાભનું સન્માન કર્યું હતું.
‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારા વિશ્વપ્રસિદ્ધ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ૭૭ વર્ષની ઉંમરે ભારતીય ફિલ્મ જગતના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા હતા. આ સમારોહમાં અમિતાભ સાથે તેમનાં સાંસદ પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નેશનલ એવોર્ડના વિજેતાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.સમારોહ બાદ અમિતાભ સહિતના મહેમાનો માટે રાષ્ટ્રપતિ તરફથી હાઇ-ટીનું આયોજન કરાયું હતું. એવોર્ડ સ્વીકારતા સમયે અમિતાભે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે મારી કામગીરીને યોગ્ય ગણવા માટે હું ભારત સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ નિર્ણાયકોનો આભાર માનુ છું. ઇશ્વરે મારા પર દયાભાવ દાખવ્યો છે અને મારા માતા-પિતાના આશીર્વાદ પણ મારા પર રહ્યા છે. ફિલ્મ દિગ્દર્શકો, નિર્માતાઓ અને સાથી કલાકારોએ મને હમેશાં સાથ આપ્યો છે, જોકે મારા પર સૌથી વધારે ઋણ ભારતીય પ્રેક્ષકોનું છે. તેમના પ્રેમ અને પ્રોત્સાહને જ મને અહીં પહોંચાડયો છે. ખૂબ વિનમ્રતા અને કૃતજ્ઞાતા સાથે હું આ એવોર્ડ સ્વીકારું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter