લત્તા મંગેશકરે ક્રોધ સાથે કહ્યુંઃ જીવનના અંતિમ શ્વાસ સુધી ગાઈશ

Friday 07th December 2018 06:29 EST
 
 

મુંબઈઃ ‘પીઢ ગાયિકા લતાજી નિવૃત્ત થયાં છે અને હવે પોતાનો સ્વર કોઈ ગીતને આપશે નહીં!’ તેવી ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરને આ બાબતના અસંખ્ય ફોન આવતાં તેઓ નારાજ થઇ ગયાં હતાં અને તેમણે આ વાતને અફવા જ ગણાવી સ્પષ્ટ જણાવ્યું કે, હું મારા અંતિમ શ્વાસ સુધી ગાવાની છું, મારી નિવૃત્તિ લેવાનો કોઈ સવાલ જ નથી.

લતાજીએ એક વાતચીતમાં કહ્યું હતું કે, હું નથી જાણતી આ અફવા કઇ રીતે શરૂ થઇ અને કોણે કરી છે? મને તો કોઇ મૂર્ખ વ્યક્તિના ભેજાની આ ઊપજ લાગે છે. તાજેતરમાં મને અચાનક મારી ક્ષેત્ર નિવૃત્તિને લઇને ફોન અને સંદેશા આવવા શરૂ થઇ ગયા હતા. ત્યારે હું આશ્ચર્યમાં પડી ગઇ હતી. જોકે પછીથી મને જાણ થઇ કે, મારા મરાઠી ગીતોમાંના એક ગીતને મારા અલવિદા ગીત તરીકે જોવામાં આવી રહ્યું છે, પરંતુ આ ગીત મેં પાંચ વરસ પહેલા ગાયું હતું. છેક હવે આ ગીતને કોઇ શરારતી દિમાગે મારા રિટાયર્ડમેન્ટ સાથે જોડી દીધું છે. પીઢ ગાયિકાએ પોતાના ચાહકોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે આ વાતને ગંભીરતાથી લેવી નહીં.

વાસ્તવમાં લતાજીને ગાયેલું એક મરાઠી ગીત ‘અતા વિશ્વવ્યાચ્છા કસા’ પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેનો મતલબ થાય છે હવે આરામનો સમય છે. આ ગીતને લતા મંગેશકરના રિટાયર્ડમેન્ટ સાથે જોડી દેવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter