શેખર અને માલતીના લગ્નને ત્રણ વર્ષ થઇ ગયાં હતાં. કોઈ સંબંધી સગપણની વાત લઈને આવ્યું હતું. બંનેના કુટુંબીજનો અરસપરસ મળ્યાં. શેખરને માલતી પહેલી નજરે જ ગમી ગઈ. સુંદર સુરેખ સંગેમરમરના શિલ્પ સમી. ફૂલ જેવી કોમળ. ગુલાબના અર્ક જેવી મોહક ત્વચા. નાજુક નમણી સંઘેડાઉતાર કમનીય કાયા. કાળા ભમ્મર નાગ જેવા લાંબા વાંકડિયા વાળ. આવી અપ્સરા જેવી માલતી જો ન ગમે તો જોનાર આંધળો જ કહેવાય. શેખર પણ કંઈ ઓછો સોહામણો નહોતો. કામદેવ જો માનવરૂપ ધરે તો શેખરરૂપે જ અવતરે. બંનેના મિલનનું જે પરિણામ આવવું જોઈએ તે જ આવ્યું. ધામધૂમથી લગ્ન થઇ ગયાં અને બંને જેમ શરબતમાં આઈસક્યુબ ઓગળે એમ સ્નેહસંસારમાં ઓગળી ગયાં.
જુદા રહેવાથી પ્રેમ વધે છે એવી વિચારસરણીમાં માનતા શેખરના માતાપિતાએ બંનેને અલગ રહેવાની મંજૂરી આપી દીધી હતી. શેખરથી મોટો વિશાલ અને એની પત્ની પદ્મિની પણ અલગ જ રહેતાં હતાં. એ જ રીતે શેખર અને માલતી. જોકે ધંધામાં તો બધાં જોડે જ. પરસ્પરની સાથે ખુશ હતાં શેખર અને માલતી. આંબાની ડાળે ને સરોવરની પાળે લહેર કરતાં પોપટની જેમ જ લહેર કરતાં. મહિનામાં ચોથા રવિવારે વાર સંપૂર્ણ પરિવાર સાથે રહેતો. પરસ્પર વાતચીત કરતાં. નાનીમોટી સમસ્યાનું સમાધાન થઇ જતું. પ્રત્યેક ચોથા રવિવારના અંતે એકમેક પ્રત્યે પરિવારમાં ટીપે ટીપે પ્રેમ, સ્નેહ અને સદભાવ ઉમેરાયે જતો. જેટલો ગોળ નાંખો એટલું ગળપણ વધે જ ને! પછીના સોમવારથી સહુ પોતપોતાના નિત્યક્રમમાં પરોવાઈ જતાં.
શેખરે ફિટનેસ જાળવી રાખી હતી. વહેલી સવારે મોર્નિંગ વોક, જોગીંગ અને વ્યાયામ ક્યારેય ન ચૂકે. સારી રીતે વર્કઆઉટ કરીને, તૈયાર થઈને સવારે સાડા દસ વાગે બ્રંચ એટલે કે ભારે નાસ્તો કરીને નીકળી જાય. પછી સાંજે સાડા સાત સુધી માલતી ત્રણ બેડરૂમના વિશાળ ફ્લેટમાં એકલી. છૂટક નોકરચાકર ઘરની સાફસફાઈ અને કપડાંવાસણ કરીને જતાં રહે. પછી માલતી સમય પસાર કરવા ક્યારેક શોપિંગ કરવા ઊપડી જાય, ક્યારેક વાંચવાનો શોખ પૂરો કરે, મ્યુઝિક સાંભળે, ફિલ્મ જુએ, સખીસાહેલીને ઘેર જાય, ક્યારેક ઘરે બધાંને બોલાવે, ક્યારેક પિયરે જાય.
લગ્ન પછીનું એક વર્ષ તો આ રીતે હસતાંરમતાં પાણીના રેલાની જેમ પસાર થઇ ગયું. પણ પછી માલતી ક્યારેક એકલી એકલી કંટાળતી. કોઈ ખાસ પ્રવૃત્તિ એની પાસે નહોતી અને શેખરનું કામ એકદમ વધી ગયું હતું એટલે એ માલતીને પહેલાં જેટલો સમય આપી શકતો નહોતો. માલતી એ બાબતે ક્યારેક શેખરને ફરિયાદ પણ કરતી.
માલતી: “શેખર, તમે મને પહેલાં જેટલો સમય નથી આપતા. આજકાલ તો ઘરે પણ મોડા આવો છો. હું એકલી એકલી કંટાળી જાઉં છું.”
શેખર: “માલુ, સમય પસાર કરવા તું જે ધારે એ કરી શકે છે. તારો કોઈ શોખ પૂરો કરી શકે છે. કુકિંગ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, યોગા ક્લાસ કે બીજું જે કંઈ તને ગમતું હોય તે. અથવા તો ઓફિસે પણ મારી સાથે આવી શકે છે.”
પણ માલતીને એવું બધું કરવામાં રસ નહોતો. એટલે એનો કંટાળો વધતો ગયો. શેખરની સાથે ક્યારેક ચકમક પણ થવા લાગી. એવામાં એક દિવસ બાજુના ખાલી ફ્લેટમાં એક યુવાન દંપતી રહેવા આવ્યું. પારસ અને પાયલ. જોડી જામતી હતી બંનેની. શેખર અને માલતીએ પાડોશીધર્મ નિભાવીને બંનેને કંઈ પણ કામકાજ હોય તો જરૂર જણાવજો એવો વિવેક કર્યો. એક વાર પોતાને ઘેર જમવા પણ તેડાવ્યાં. બેય યુવા પતિ-પત્ની શેખર અને માલતી સાથે દૂધમાં સાકર ભળે એમ ભળી ગયાં.
થોડા દિવસ પછી અચાનક શેખરને ખ્યાલ આવ્યો કે માલતીના કંટાળાની ફરિયાદ દૂર થઇ ગઈ છે! છેલ્લાં એક અઠવાડિયાથી માલતીએ શેખર સમક્ષ કોઈ ફરિયાદ કરી નહોતી. ઊલટું એ ખુશખુશાલ રહેતી. શેખરે વિચાર્યું કે પાડોશમાં પાયલ આવી ગઈ છે એટલે એની કંપની રહેતી હશે. સારું જ થયું. એથી શેખર પણ ચિંતામુક્ત થઇ ગયો. જોકે ધીમે ધીમે શેખરને એક વિચિત્ર પ્રકારની અનુભૂતિ થવા લાગી. એને એવું લાગતું કે પોતે જયારે ઓફિસે જવા નીકળે છે કે ઓફિસેથી પાછો આવે છે ત્યારે પાયલ પોતાના ઘરનો દરવાજો ખોલીને બારણામાં ઊભી રહી જાય છે!
પોતાનો વહેમ છે કે હકીકત એ ચકાસવા શેખરે અવલોકન કરવાનું શરૂ કર્યું. આખરે એ એવા તારણ પર પહોંચ્યો કે એ વહેમ નહીં, હકીકત હતી! ખરેખર પાયલ એના દરવાજે ઊભી રહેતી. શેખરને એવું લાગતું કે એ કંઈક કહેવા માંગે છે. એના હોઠ ભલે ખામોશ રહેતાં હોય, પણ આંખો બોલતી હતી. કંઈક કહેતી હતી. કંઈક કહેવા મથતી હતી... હવે શેખરે પાયલ પર ધ્યાન આપ્યું. એ પણ ખૂબસૂરત તો હતી જ. માલતી જેટલી નહીં, પણ એનાથી કમ પણ નહીં. બંનેની તુલના કરી જ ન શકાય. માલતી બોરસલીનું ફૂલ હતી, તો પાયલ પારિજાતનું પુષ્પ હતી. પાયલનો વર્ણ માલતી જેવો ઊજળો નહોતો, પણ ઘઉંવર્ણો... ના, બદામના દૂધ જેવો હતો. એ રંગને કારણે જ પાયલ આકર્ષક લાગતી હતી કદાચ. ચહેરો લંબગોળ હતો. નાકનો નમણો ઘાટ, સુંદર મોંફાડ, ગુલાબી હોઠ, અને આંખો... મીન જેવી આંખો આને જ કહેતાં હશે! પણ એ મને... શેખર, એક્પત્નીવ્રતા શેખર વધુ વિચારી ન શક્યો.
પાયલે જોયું કે શેખર હવે સાવધાન થઇ ગયો છે અને પોતાના પર નજર રાખતો થઇ ગયો છે, છતાં એણે પોતાનું વર્તન ન બદલ્યું. એક વાર તો શેખર એકલો જ ઘરમાં હતો ત્યારે ઓચિંતી પાયલ આવી ગઈ. શેખર એને જોઇને એકદમ ઊભો જ થઇ ગયો. પાયલ કંઈ કહે તે પહેલાં જ શેખર બોલી ઊઠ્યો: “માલતી તો નથી. હમણાં આવી જશે. પારસ નથી કે શું?”
પાયલ: “કેમ માલતી અને પારસ ન હોય ત્યારે હું ન આવી શકું?”
શેખર: “ના, ના... એવું નથી. આ તો મને એમ કે...” શેખર આગળ બોલે તે પહેલાં પાયલે પોતાના હોઠ પર આંગળી મૂકીને શેખરને ચૂપ થઇ જવા ઈશારો કર્યો. પછી નજીક જઈને હળવેકથી ધીમે અવાજે બોલી: “સાંભળો, મારે તમને કંઈક કહેવું છે.”
શેખરને પરસેવો વળી ગયો. એ પાછળ ખસી ગયો. એટલામાં માલતી આવી પહોંચી. શેખરને હાશકારો થયો. અંધારું બોગદું પૂરું થાય ને અચાનક જ અજવાળું થતાં થાય તેવો. પછી તો થોડી આડીઅવળી વાતો કરીને પાયલ જતી રહી. પણ જતાં જતાંય શેખરને પાછું વાળીને જોતી રહી. ન જાણે એ શું કહેવા માંગતી હશે! શેખર, આઈ લવ યુ કે પછી...
આ ઘટના પછી શેખર વધુ સાવધાન થઇ ગયો. એણે છેલ્લાં થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ અંગે વિચારવાનું શરૂ કર્યું. અને એને યાદ આવતું ગયું. પહેલાં તો પોતે ઘરે ન હોય ત્યારે જ પાયલ આવતી. પોતાની સાથે તો નજર મિલાવવાનું પણ ટાળતી. અને પોતે ઘરે હોય ત્યારે પારસ સાથે જ આવતી. પણ થોડા દિવસથી પારસ એની સાથે દેખાતો નથી. બંનેને કંઈ બોલવાનું તો નહીં થયું હોય? બંને ઝઘડ્યાં હશે. અથવા તો આર્થિક મુશ્કેલી હશે ને મદદ માંગવા આવી હશે કે પછી ખરેખર એ મને પસંદ કરતી હશે?
શેખરે અરીસામાં જોયું. સામે અતિ ફૂટડો અને મોહક યુવાન ઊભો હતો. એ પોતે હતો. શેખરે કોલર સરખો કર્યો. કોફી કલરનું શર્ટ, ક્રીમ પેન્ટ અને ક્રીમ બ્લેઝર. સાઈડમાં સેંથી પાડવાની હેરસ્ટાઈલને કારણે તો પોતાની પર્સનાલિટીમાં ચાર ચાંદ ઉમેરાઈ જતા હતા. ઓફિસની રિસેપ્શનિસ્ટ વસુધાએ પણ કહેલું કે, સર, યુ લુક ડેશિંગ એન્ડ હેન્ડસમ! કોલેજમાં તો કન્યાઓ ગોપી અને પોતે કૃષ્ણ હતો. અરીસે સાક્ષી પૂરી કે આજે પણ એ કૃષ્ણ જ હતો અને ગોપીઓનું દિલ જીતી શકે તેવું આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો!
શેખર કોલેજમાં કન્યાઓથી ઘેરાયેલો રહેતો પણ ક્યારેય તેણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નહોતું. એ સંસ્કારી ઘરનો હતો. એણે કોઈની સામે આંખ ઉઠાવીને પણ જોયું નહોતું. એવો કોઈ વિચાર પણ કર્યો નહોતો. પણ આજે... આ પાયલનું વર્તન જોઇને શેખર વિચારે ચડી ગયો. એને યાદ આવ્યું કે ચારેક દિવસ પહેલાં પોતે ઓફિસે જવા તૈયાર થતો હતો ત્યારે પાયલ ગરમ ગરમ બટાટાવડા લઈને આવી હતી. માલતી અંદરના ખંડમાં હતી અને પાયલે બટાટાવડાની પ્લેટ પોતાના હાથમાં મૂકીને જાણે અધિકાર જતાવતી હોય એમ કહેલું કે,
“શેખરજી, આ તો તમને બટાટાવડા બહુ ભાવે છે એટલે જ ખાસ બનાવ્યાં છે. એકદમ ગરમ છે. તાવડીમાંથી ઉતારીને જ લાવી છું. ખાઈને જ જજો હં!” પછી આજુબાજુ જોઇને બોલેલી કે, “માલતી નથી કે?” એટલામાં જ માલતી આવી એટલે એ કોઈ બહાનું કાઢીને જતી રહેલી. અરે હા... એ દિવસે પણ એ મને કંઈક કહેવા જ આવી હતી. બટાટાવડાનું તો બહાનું હતું. હં, હવે સમજાય છે કે એ મારા પ્રત્યે આકર્ષિત થઇ છે અને એ જ કહેવા આવી હશે! નહીંતર માલતી આવી એટલે એ જતી કેમ રહી?
શેખરને થયું કે પોતે માલતી સાથે આ વાત કરવી જોઈએ, પણ એ વળી ઊંધું સમજશે. ના, ના... માલતીને નથી કહેવું. છતાં એક વાર માલતીને પૂછી જ લીધું: “આ પાયલ અને પારસ આજકાલ દેખાતાં નથી.” માલતી કહે: “બંને બહુ બીઝી છે. પારસ એની ઓફિસમાં અને પાયલ કહેતી હતી કે પેઇન્ટિંગનું પ્રદર્શન ગોઠવવું છે. ચિત્રો બનાવવામાં વ્યસ્ત થઇ ગઈ છે. હમણાંની દેખાતી જ નથી.”
“સાવ ખોટું.” શેખર મનમાં જ બબડ્યો. “તારી પાસે ચિત્રોનું બહાનું કાઢ્યું હશે. મને તો રોજ દેખાય છે!” પણ એ કંઈ વધુ ન બોલ્યો. જોઈએ હવે પાયલ શું કરે છે. પછી વાત.
એક અઠવાડિયું આમ જ પસાર થઇ ગયું. વચ્ચે એક સાંજે શેખર ઓફિસેથી આવતો હતો ત્યારે પાયલ ત્યાં જ ઊભી હતી સોસાયટીના બગીચામાં. બગીચો એકદમ લીલ્લોછમ હતો. સુંદર મજાનાં રંગબેરંગી ફૂલોથી શોભતો હતો. ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી, જાસૂદ અને અન્ય ફૂલ સાથે ફૂલ બનીને ભળી જતી હતી પાયલ. શેખરે એકદમ જ મનમાંથી છેલ્લો વિચાર બળપૂર્વક હાંકી કાઢ્યો. પણ પાયલ શેખરને જોઇને પ્રફુલ્લિત થઇ ગઈ. જાણે શેખરની જ રાહ જોતી હોય એમ એક કુંડામાંથી ગુલાબનું ફૂલ ચૂંટી કાઢ્યું અને શેખર સામે ધર્યું. બગીચામાં પીળાં અને ગુલાબી ગુલાબનાં ફૂલ હોવા છતાં પાયલે પોતાને લાલ ગુલાબ જ કેમ આપ્યું એવું શેખર વિચારતો હતો, એટલામાં જ પાયલ એકદમ નિકટ આવીને કહેવા લાગી: “શેખરજી, હું તમને કંઈક કહેવા માંગું છું. જો હવે ચૂપ રહીશ તો...” એટલામાં જ પાંચમા માળે રહેતાં કુસુમબહેન આવી પહોંચ્યાં. એ પાયલ સાથે દમ આલૂની રેસીપી અંગે વાત કરવા લાગ્યાં. પાયલની વાત અધૂરી રહી.
શેખરની ચટપટી વધી ગઈ. જાત સાથે વાત કરવા લાગ્યો: “આખરે પાયલ શું કહેવા માંગે છે? માલતી આસપાસ ન હોય ત્યારે જ એ કેમ આવી પહોંચે છે? પહેલાં બટાટાવડા, પછી આ ફૂલ અને મારા આવવા-જવાના સમયે બારણે આવીને ઊભા રહેવું... આ બધાંનો શું અર્થ છે? હવે આ બધું બંધ થવું જોઈએ. માલતીને ખબર પડશે તો એ મારા માટે શું ધારશે? કેવી સીધી ને સરળ છે મારી માલતી ને એક આ પાયલને જુઓ. સાવ નફફટ અને બેશરમ. પારકા પુરુષોને ફસાવવાનો જ એનો ધંધો લાગે છે પારસને આ બધી ખબર પડશે તો એ ક્યાંયની નહીં રહે એવું નહીં થતું હોય?”
“હમ, પારસ..” શેખરને વિચાર આવ્યો: “મને લાગે છે કે પારસને જ પાયલનાં પરાક્રમોની વાત કરવી પડશે. તો જ એ સીધી થશે.” શેખરે પારસને કહેવાનું મન બનાવી લીધું. પણ એ કંઈ કહે એ પહેલાં જ બીજે દિવસે શેખર ઓફિસે જવા ગાડીમાં બેસતો હતો ત્યારે પાયલ એકદમ દોડીને આવી અને એકશ્વાસે બોલી: “શેખરજી, આજે તો મારે કહેવું જ પડશે. તમે ઓફિસે જાવ પછી, એક છેલબટાઉ જેવો જુવાન રોજ બપોરે એકથી ચારમાં તમારે ઘરે માલતીને મળવા આવે છે
એ તમે જાણો છો?”

