એ ખરું કે સત્યમ સારાભાઇ ધૂની હતા, એ પણ ખરું કે એ મૂંજી હતા અને એ પણ ખરું કે એ તરંગી હતા, પણ એ જ તો એક વૈજ્ઞાનિકનું સામાન્ય લક્ષણ હોય છે. સત્યમ સારાભાઇ નામાંકિત જીવવિજ્ઞાની હતા. રાષ્ટ્રપતિ પુરસ્કાર બબ્બે વાર પ્રાપ્ત કરનાર એક માત્ર વૈજ્ઞાનિક. નાની ઉંમરે નામના મેળવનાર. સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર. કીર્તિ અને કલદાર મેળવનાર. ઉંમર પચાસની આસપાસ. માથે ચાંદી જેવા ચળકતા વાળ. ન ધોળા, ન કાળા. ગ્રે કહી શકાય તેવા. ચશ્માં પાછળ છુપાયેલી પાણીદાર આંખો. દેખાવમાં સામાન્ય પણ કામમાં અસામાન્ય. વિજ્ઞાન ક્ષેત્રે દેશવિદેશમાં પ્રતિષ્ઠિત નામ. સત્યમ સારાભાઇ વિજ્ઞાનવિશ્વનું અણમોલ રત્ન હતા!
સત્યમ સારાભાઇ સાયન્સ રિસર્ચ સેન્ટરમાં અત્યંત ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા. સાત માળના સેન્ટરના સાતમા માળે સારાભાઇની પ્રયોગશાળા હતી. સાથે જોડાયેલી અલાયદી અદ્યતન ઓફિસ. પ્રયોગશાળામાં કાચની શીશીઓમાં જાતજાતનાં દ્રાવણો અને રસાયણો ભરેલાં રહેતાં. નરી આંખે ન દેખાય એવાં સૂક્ષ્મ જીવજંતુઓથી માંડીને માખી, મચ્છર, માંકડ, ચાંચડ, ફૂદાફૂદી અને ઉંદર તથા સસલા જેવા અનેક જીવો પર સતત પ્રયોગ કર્યા કરતા. વામણા જંતુઓ અનેક વાર વિરાટકાય માનવોના જીવ પર જોખમ બનીને તોળાયેલા. બહુ દૂરના અતીતની વાત નથી. છેલ્લાં દસેક વર્ષમાં આ જીવાણુઓએ માનવજાત ફરતે સકંજો કસેલો. એવા સમયે વિષાણુ જીવાણુઓ, વિષાણુઓ અને કીટાણુઓ વચ્ચે રહીને વેક્સીન એટલે કે રસીઓ શોધીને માનવજાતને ઉગારનાર સંકટહાર અને તારણહાર એક જ હતા: સત્યમ સારાભાઇ!
પહેલાં તો માખીઓ વિષમય વિષાણુ બનીને ત્રાટકેલી. માનવશરીરના કોઈ પણ અંગ પર બેસે એટલે ધીમી ગતિએ દેહમાં ઝેર ફેલાવા લાગતું. અને છ-સાત કલાકથી માંડીને વધુમાં વધુ ત્રણ દિવસમાં માણસનો ખેલ ખતમ. ઉપદ્રવ મચી ગયેલો એને કારણે. સત્યમ સારાભાઇએ આ ઝેરીલી માખીઓ પર કેટલાયે પ્રયોગ કરીને અંતે રસી બનાવેલી. બહુ મોટું સંકટ નિવારી શકાયેલું. એ પછી મચ્છર કાળમુખો કાતિલ બનીને ત્રાટક્યું. મચ્છર માણસને કરડે અને થોડા જ સમયમાં માણસ મરણને શરણ. પાણીયે ન માંગે. એ વખતે પણ સારાભાઈએ રાતદિવસ કામ કરીને રસી શોધી કાઢેલી. અને સંકટ દૂર કરેલું.
પણ આ વખતનું સંકટ માત્ર સંકટ નહોતું, મહાસંકટ હતું. બન્યું એવું કે અચાનક જ માણસો મરવા લાગ્યા. ટપોટપ. વૃક્ષ પરથી પાકાં ફળ પડે એ રીતે. પહેલાં તો કોઈને કંઇ સમજાયું જ નહીં કે શું થઇ રહ્યું છે! માણસને સામાન્ય શરદી, ઉધરસ અને તાવ આવતો. બીજું કાંઈ જ નહીં. ડોક્ટર સળેખમની દવા આપે. ક્યારેક વધુ તાવ હોય તો મેલેરિયા કે ટાઈફોઈડની દવા આપે. પણ માણસ સાજો થાય નહીં અને ઓચિંતો મૃત્યુ પામે. રોગચાળો વધતો ચાલ્યો. દર્દીઓની સંખ્યાનો સરવાળો નહીં, ગુણાકાર થતો ચાલ્યો. મરનારાની સંખ્યા પણ વધતી ચાલી. હાહાકાર મચી ગયો. મહામારી ફેલાતી ગઈ. કુદરત કોપ વરસાવી રહી હતી કે કાળો કેર!
સાયન્સ રિસર્ચ સેન્ટરમાં સત્યમ સારાભાઇ આ મહામારીનું મૂળ શોધવા પ્રયત્ન કરી રહ્યા હતા. સંશોધન દરમિયાન એમણે જાણ્યું કે કોઈ નવા જ પ્રકારના, દરિયાપારના દેશમાંથી આવેલા વિષમ વાયરસને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે! એવું પણ જાણ્યું કે આ વાયરસ માણસથી ફેલાય છે! માણસ જ વિષમ વાયરસનો સંવાહક છે! આ નવા વાયરસનું સંક્રમણ જીવ લેનાર હોવાથી એમણે એનું નામકરણ કર્યું: જીવલેણ જીવાણુ!
જીવાણુ ખરેખર જીવલેણ જ હતો. આદમખોર હતો. માણસથી ફેલાય અને માણસને જ મારે એવો આ પહેલો જ માનવભક્ષી જીવાણુ હતો. એવું કહેવાતું કે ચામાચીડિયામાંથી કોઈ વાયરસે માણસને ચેપ લગાડ્યો. પછી એક માણસમાંથી બીજા માણસમાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં... એમ સંક્રમણ થતું ગયું. ચેપી માનવસાંકળ રચાતી રહી. અગાઉ ઉંદર અને મરઘાથી રોગચાળો ફેલાયેલો, પણ માણસના સ્પર્શથી ફેલાયેલી આ પ્રથમ અને એકમાત્ર મહામારી હતી. જે માણસજાત પોતાને બહુ જ શક્તિશાળી સમજતી હતી, એ પ્રકૃતિના પ્રકોપ સામે પરવશ અને પાંગળી બની ગઇ. ક્યારે, કોણ, કેવી રીતે અને ક્યાંથી આ વાયરસ લઈને આવ્યું એ કોને ખબર, પણ રાષ્ટ્ર પર મહાસંકટ મંડાયું. રાષ્ટ્રવ્યાપી તાળાબંધી જાહેર થઇ. કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ. મેળાવડા, મહેફિલો અને મિજલસના માણસો ઘરમાં પુરાઈ ગયા. માણસ માણસને મળી ન શકે. અડકી ન શકે. અડ્યા તો મર્યા. બહાર જીવલેણ જીવાણુ અને ઘરકેદમાં માણસો! પહેલી વાર પશુપંખીઓ સ્વતંત્ર હતા અને એમને પિંજરે પૂરતા માણસો મુક્ત હોવા છતાં બંધનમાં!
અત્યંત વિકટ પરિસ્થિતિ હતી. આવા કપરા સંજોગોમાં દેશ અને દુનિયાની નજર સત્યમ સારાભાઇ પર હતી. એમના સંશોધન પર હતી. અગાઉ એમણે જીવજંતુથી ફેલાતા રોગચાળામાં વેક્સીન શોધેલી. એટલે એમના ભણી સૌની મીટ મંડાયેલી. વિશ્વભરના વૈજ્ઞાનિકો જીવલેણ જીવાણુ વિરુદ્ધ વિનાશક વેક્સીન શોધવાના પ્રયાસો કરી રહ્યા હતા, પણ સફળતાનાં એંધાણ નહોતાં. એવામાં સૌની આશાનું કિરણ હતા સત્યમ સારાભાઇ. માત્ર રાષ્ટ્રને જ નહીં, વિશ્વને પણ બચાવવાની બહુ મોટી જવાબદારી હતી એમના માથે. એ પોતે પણ એ જાણતા હતા.
અત્યારે સત્યમ સારાભાઇ પ્રયોગશાળામાં જીવલેણ જીવાણુનો પ્રતિકાર કરી શકે તેવી વેક્સીન બનાવવાના પ્રયોગો કરવામાં પરોવાયેલા હતા. છેલ્લા એક મહિનાથી એ પ્રયોગશાળામાં જ હતા. ઘેર ગયા નહોતા. લગાતાર પ્રયોગો કરી રહ્યા હતા. ત્રીસમે દિવસે કરેલા પ્રયોગ પછી એકાએક એમને લાગ્યું કે સફળતા હાથવેંતમાં જ છે! જીવાણુનાશક રસી કદાચ પંદર દિવસમાં બજારમાં મૂકી શકાશે. દુનિયાભરના જીવવિજ્ઞાનીઓ જે નથી કરી શક્યા એ સિદ્ધિ પોતે પ્રાપ્ત કરી શકશે! સારાભાઇને સંતોષ થયો: હાશ! હવે માનવજાત પરનું જોખમ ટળી જશે!
પણ, હાય રે દુર્ભાગ્ય! માનવજાત પરનું જોખમ ટળે એ પહેલાં સત્યમ સારાભાઇનો જીવ જોખમમાં મુકાયો. એકત્રીસમે દિવસે સાંજે કેન્ટીનમાંથી રાજુ સારાભાઈને ચા આપવા ગયો ત્યારે. પ્રયોગશાળાને અડીને આવેલી ઓફિસમાં પોતાની ખુરસીમાં સારાભાઈ ઢળી પડ્યા હતા! એમના મોંમાંથી ફીણ નીકળતાં હતા... રાજુએ રાડારાડ કરી મૂકી. સૌ દોડી આવ્યા. સારાભાઈનો સહાયક દલસુખ દલવાડી, અંગત સચિવ ઉમંગ ઉદેશી, રિસેપ્શનિસ્ટ ઈલા વ્યાસ અને પ્રયોગશાળામાં કામ કરતા અન્ય વૈજ્ઞાનિકો. પ્રયોગશાળાના નિયામક બરજોર શેઠના પણ ઘટનાની જાણ થતાં આવી પહોંચ્યા. એમણે સત્યમ સારાભાઈની નાડી તપાસી. મોડું થઇ ગયેલું. સારાભાઇ મૃત્યુ પામ્યા હતા! નિયામક શેઠનાજીએ તરત જ પોલીસ બોલાવી અને સાયન્સ રિસર્ચ સેન્ટરનું મુખ્ય દ્વાર બંધ કરાવી દીધું. ન કોઈ આવી શકે, ન કોઈ જઈ શકે!
ઇન્સ્પેક્ટર કરણ બક્ષી અને જયરાજ જાડેજા આવી પહોંચ્યા. ઘટના અંગેની પ્રાથમિક માહિતી મેળવી. પછી સત્યમ સારાભાઈના મૃતદેહ પાસે ગયા. ખુરસીમાં એમનો દેહ ઢળી પડેલો. બંને હાથ વિશાળ મેજ પર ફેલાયેલા. મોં પર સર્જિકલ માસ્ક હતું. સુરક્ષા માટે પહેરાતું કવચ અત્યારે શરીરે નહોતું. આંખો એકદમ ફાટી ગયેલી. કીકીઓ સ્થિર થઇ ગયેલી. મોંનાં ફીણથી સ્પષ્ટ થતું હતું કે મૃત્યુનું કારણ ઝેર છે. એમના ડાબા હાથના પોંચા પર સોય ભોંકવાથી કે ઇન્જેક્શન મારવાથી થાય એવડું ટપકું હતું. કોઈએ જાણીજોઇને એમની હત્યા કરવાના હેતુથી સોય ભોંકેલી એ સ્પષ્ટ હતું. સારાભાઈના જમણા હાથ નજીક મેજ પર એક ખુલ્લી પેન પડેલી. પાસે એક ચોળાયેલો કાગળ. એમાં કંઈક લખેલું હતું. જયરાજે જોયું કે એમાં અંગ્રેજી અક્ષર ડબ્લ્યુ - W લખેલો હતો. ડબ્લ્યુના છેડા અણીદાર નહોતા, પણ થોડા વળાંકવાળા હતા. લંબગોળાકાર કે અર્ધગોળાકાર. આ ડબ્લ્યુ કરણને સામેની બાજુએથી એમ - M વંચાયો. એ આડો રાખીને વાંચીએ તો અંગ્રેજી ઈ - E પણ બને. અથવા ત્રણ - ૩ પણ બને. કરણ અને જયરાજની આંખો ટકરાઈ: આ અક્ષર ખૂનીનો સંકેત આપતો હોય એવું પણ બને!
દરમિયાન સત્યમ સારાભાઈની પત્ની મીના પણ આવી પહોંચી. કરણે સૌને મુલાકાતી ખંડમાં સામાજિક અંતર જળવાઈ રહે એ રીતે એકત્ર કર્યાં. સૌના મોઢે માસ્ક. પૂછપરછની શરૂઆત મીનાથી કરી. પેલો સંકેત ડબ્લ્યુ વુમનનો પણ હોય. અથવા એમ - મીનાનો પણ હોઇ શકે!
કરણ: “શું તમે જાણતા હતા કે સત્યમ સારાભાઇ અત્યારે શેનો પ્રયોગ કરી રહ્યા હતા?”
મીના: “જીવલેણ જીવાણુની રસી શોધવાનો. બધા જ જાણતા હતા.”
કરણ: “પ્રયોગની પ્રગતિ અંગે એમણે ફોન પર તમારી સાથે કોઈ વાત કરેલી?”
મીના: “એમને તક મળે ત્યારે એ ફોન પર વાત કરી લેતા. પણ પ્રયોગ અંગે ક્યારેય મારી સાથે વાત ન કરતા.”
“હં...” કરણે કહ્યું. પછી કરણ રિસેપ્શનિસ્ટ ઈલા વ્યાસ તરફ ફર્યો. પેલો અક્ષર ઈ - ઈલાનો પણ હોઈ શકે!
કરણ: “સાયન્સ સેન્ટરમાં કેટલા સમયથી શું કામ કરો છો?”
ઈલા: “હું ત્રણ વર્ષથી અહીં કામ કરું છું. હું રિસેપ્શન પર જ રહેતી. સેન્ટરમાં કોઈએ ફોન પર વાત કરવાની હોય તો હું ફોન જોડી આપતી. ટેલિફોનનું મુખ્ય એક્સટેન્શન બોર્ડ મારી પાસે રહેતું. કોઈ મુલાકાતી હોય તો હું ઇન્ટરકોમ પર જાણ કરીને જે તે વ્યક્તિને મળવા મોકલતી. અને એનું રજિસ્ટર રાખતી. કોણ ક્યારે આવ્યું, કોણે મળ્યું અને ક્યારે બહાર નીકળ્યું એ હું નોંધી લેતી. પણ હમણાં તાળાબંધી હોવાથી કોઈ મુલાકાતી નથી હોતા.”
જયરાજ: “ધારો કે તમારી નજર ચૂકવીને કોઈ આવે અથવા બહાર જાય તો?”
ઈલા: “એ શક્ય જ નથી. કોઈ ઉપર આવે કે નીચે જાય, એણે મારી સામેથી જ પસાર થવું પડે. મારી બેઠક એ રીતની જ છે કે મારી નજરે ચડ્યા સિવાય કોઈ આવી જઈ શકે નહીં.”
કરણ: “આજે કોઈ આવ્યું કે ગયેલું?”
ઈલા: “ના. કોઈ આવ્યું પણ નથી અને કોઈ ગયું પણ નથી.”
કરણ: “સારાભાઇએ કોઈને ફોન કરેલો?”
ઈલા: “ના, મારી પાસે તો કોઈનો નંબર માંગ્યો નથી. પોતાના સેલફોનથી કર્યો હોય તો ખબર નથી.”
કરણ: “સારાભાઈના પ્રયોગ અંગે તમે શું જાણો છો?”
ઈલા: “ખાસ કાંઈ નહીં. એ રસી બનાવતા હતા એટલું જ.”
હવે કરણ નિયામક બરજોર શેઠના પાસે ગયો. એના મનમાં વિચાર ઝબકી ગયો. ૩ની આગળ ઊભી લીટી કરીએ તો બી થાય. બરજોરનો બી!
કરણ: “તમે તો પ્રયોગ અને રસી વિશે જાણતા જ હશો.”
શેઠનાજી: “અમારી રોજ સાંજે સાતેક વાગે ઇન્ટરકોમ પર વાત થતી. જરૂરી હોય તો અમે મળી પણ લેતા. પણ ત્રણ દિવસથી અમે રૂબરૂ મળ્યા નહોતા. હા, ગઈ કાલે સાંજે નિયમ પ્રમાણે ફોન પર વાત કરતાં સારાભાઈએ કહેલું કે પોતે જલ્દી જ સારા સમાચાર આપશે.”
“હં, એનો અર્થ એમ થયો કે એ રસી બનાવવામાં સફળ થયા હશે.” કરણે મનોમન વિચાર્યું. પછી પૂછ્યું: “તમારા આ પ્રયોગને કોઈ નામ આપેલું? ઓપરેશન એમ, વી કે થ્રી એવું કાંઈ?”
શેઠનાજી: “ના એવું તો કાંઈ નથી. આ તો જીવલેણ જીવાણુ હતો. નામ આપવાનું જ હોત તો જીજી આપ્યું હોત.”
“અં, આઈ થિંક યુ આર રાઈટ!’ કરણે કહ્યું. પછી દલસુખ દલવાડી તરફ ફર્યો. દલવાડી છેલ્લા સાતેક વર્ષથી સારાભાઇ સાથે કામ કરતો હતો. એમનો અત્યંત વિશ્વાસુ હતો. જયરાજે નોંધ્યું કે, દલસુખ મધ્યમ કદનો સપ્રમાણ બાંધો ધરાવતો પાંત્રીસેક વર્ષનો યુવાન હતો. એની આંખો સૂઝી ગયેલી. રડીરડીને. આંખમાંથી આંસુ હજુ સુકાતાં નહોતાં.
કરણ: “તમે તો સારાભાઇની સાથે જ કામ કરતા હતા. ઘટના બની ત્યારે તમે ક્યાં હતા?”
દલસુખ: “હું થોડી વાર પહેલાં જ જરા પગ છૂટા કરવા નીચે ગયેલો. મને થયું કે તાજી હવા ખાઈને પાછો આવીશ. મેં મારો સુરક્ષા કવચ સમો પોશાક ઉતાર્યો. સારાભાઇ સાહેબે પણ એ પોશાક કાઢેલો. દિવસમાં એક વાર એ પોશાક ઉતારતા. ચા પીવા, કંઇ ખાવા માટે કે બીજી ક્રિયાઓ માટે. અડધા કલાકના વિરામ પછી ફરી પ્રયોગ કરવા લાગતા.”
જયરાજ: “તમને એમ પૂછ્યું કે ઘટના બની ત્યારે તમે ક્યાં હતા?”
દલસુખ: “તમે તો ભારે ઉતાવળા. હું એ જ તો કહું છું. સાહેબ ચાની રાહ જોતા બેઠા અને હું નીચે ગયો. પાછો આવ્યો ત્યારે સાહેબ... સાહેબ...” કહેતાં દલસુખે પોક મૂકી: “કદાચ કોઈ વાયરસે હુમલો કર્યો હશે!’
કરણ: “પ્રયોગની પ્રગતિ કે સફળતા વિશે તમારી કંઇ વાત થયેલી?”
દલસુખ: “એ કહેતા હતા કે આપણે સફળતાને પંથે છીએ. રસી પંદરેક દિવસમાં જ બજારમાં મૂકી શકાશે.”
“ઓકે...” કહીને કરણ અંગત સચિવ ઉમંગ ઉદેશી તરફ ફર્યો. પેલો અક્ષર ડબ્લ્યુને બદલે ડબલ યુ પણ હોઈ શકે!
કરણ: “સારાભાઇના અંગત સચિવ તરીકે તમે શું કામ કરતા?”
ઉમંગ: “હું સાહેબના પત્રો અને ઈ-મેઈલ જોતો. એમના કહેવા પ્રમાણે જવાબ આપતો. મુલાકાતો ગોઠવતો. જરૂરી કાગળોની ફાઈલ તૈયાર કરતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મોકલવાના કાગળો રવાના કરતો. એક અંગત સચિવે જે કામ કરવાના હોય તે બધા હું કરતો. આજે એમણે કહેલું કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને આવતીકાલે એક પત્ર ઈ-મેઈલ પર પાઠવવાનો છે. પણ એ પહેલાં...”
કરણ: “પ્રયોગ અંગે તમે શું જાણતા હતા?”
ઉમંગ: “એ ખુશમિજાજમાં હતા, પણ મારી સાથે કોઈ વાત નહોતી કરી.”
મુખ્ય નિવેદનો લેવાઈ ગયા. જયરાજે ચોકસાઈથી નિવેદનો નોંધેલાં. કરણ એ જોઈ રહ્યો. પેલો અંગ્રેજી અક્ષર ડબ્લ્યુ, ડબલ યુ, ઈ, એમ કે થ્રી કડીરૂપ હતો, પણ કોઈ કડી મળતી નહોતી. કરણે જયરાજને કહ્યું: “સત્યમ સારાભાઇ અત્યંત વિચક્ષણ અને બુદ્ધિશાળી હતા. એ કાંઈ એમનેમ અક્ષર ન લખે. એવું કંઈક છે જે આપણે જોઈ શકતા નથી!” કહીને ફરી ફરીને નિવેદન વાંચતો ગયો અને પેલો અક્ષર લખેલો કાગળ આમતેમ, ગોળગોળ, ઉપરનીચે ફેરવતો ગયો. અને, અચાનક એના મનમસ્તકમાં... વીજળીને ચમકારે મોતી પરોવાયું!
“સત્યમ સારાભાઈનો ખૂની અહીં આપણી વચ્ચે જ છે!” શાંત પાણીમાં કાંકરી ફેંકાય અને વમળ ઊઠે એમ કરણના ધડાકાથી બધાનાં માનસમાં વિચરવમળ ઊઠ્યાં. કરણે બધાના ચહેરા પર નજર કરીને આગળ ચલાવ્યું: “સારાભાઇના મેજ પર એક કાગળ મળેલો. એમાં એક અક્ષર લખેલો. ડબ્લ્યુ, ડબલ યુ, ઈ, એમ કે પછી થ્રી. એટલે એ અક્ષરથી શરૂ થતાં બધા લોકો મારી નજરે શકમંદ હતા. પણ મીના તો પ્રયોગશાળામાં આવી જ નહોતી. ઉમંગ કાંઈ જાણતો નહોતો. શેઠના સાથે માત્ર ફોન પર જ વાત થઇ હતી. જો એ સારાભાઈને મળ્યા હોત તો ઈલાએ જરૂર જોયા હોત. અને દલસુખ તો એમનો ખાસ વિશ્વાસુ હતો. વિશ્વાસે તો વહાણ ચાલતા હોય છે. તો ખૂની કોણ? પછી મને સમજાયું કે સારાભાઇ એક અક્ષર દ્વારા કહેવા માંગતા હતા કે વિશ્વાસે જ વહાણ ડુબાડ્યું! એ એના નિવેદનમાં પણ એ ખોટું બોલ્યો છે કે એ નીચે ગયેલો. પણ જો એ નીચે ગયો હોત તો ઈલાએ એને જરૂર જોયો હોત. એની પાસે વાયરસનું, જીવલેણ વિષનું અને એને ઇન્જેક્શન દ્વારા શરીરમાં ઉતારવાનું જ્ઞાન હતું. એટલે તક જોઇને સારાભાઈના હાથમાં સોય ભોંકીને ઝેર ઉતારી દીધું. હવે તો તમે સૌ સમજી જ ગયા હશો કે એ વિશ્વાસઘાતી દલસુખ દલવાડી છે! સારાભાઇએ પણ અક્ષર મારફત એનો જ સંકેત આપ્યો છે! બોલ દલસુખ, ખરું કે ખોટું?”
દલસુખ: “હું કબૂલ કરું છું કે હું નીચે નહોતો ગયો. પણ એટલે મેં ખૂન કર્યું છે એવું કઈ રીતે સાબિત થાય?”
કરણે અક્ષર લખેલો કાગળ સૌની સામે લહેરાવ્યો. ગોળ ગોળ ફેરવ્યો. અક્ષરો સંતાકૂકડી રમતા રહ્યા. ડબ્લ્યુ, એમ, ઈ, થ્રી... અંતે કાગળ સ્થિર થયો. કરણ કહે: હું અંગ્રેજી અક્ષર ઉકેલવાની મથામણ કરતો રહ્યો, પણ આ તો ગુજરાતી મૂળાક્ષર નીકળ્યો. એ છે. દ! દ દગાખોરનો દ! દ દગાબાજ દલસુખ દલવાડીનો દ!”
સૌની ફિટકાર વરસાવતી આંખો વચ્ચે દલસુખે ગુનો કબૂલ કર્યો: “હા, મેં જ સાહેબને સોય ભોંકી. એમના સંશોધનમાં હું સાથેને સાથે હોવા છતાં બધો યશ એમને એકલાને જ મળતો. મારું ક્યાંય નામ સુદ્ધાં નહીં! અત્યારે તો રસીનો પ્રયોગ મારા પર કરવા માંગતા હતા. મને બહુ દાઝ ચડી. મોકો મળતાં જ એમને ઝેરનું ઇન્જેક્શન આપી દીધું!”
જયરાજે દલસુખ સામે હાથકડી લંબાવી ત્યારે સૌના મનમાં ગુંજવા લાગ્યું: દગો કોઈનો સગો નહીં!