14 વર્ષના વૈભવ સુર્યવંશીની 35 બોલમાં સદી!

Saturday 03rd May 2025 07:29 EDT
 
 

જયપુર: રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સુર્યવંશીએ ક્રિકેટ વિશ્વમાં ધમાકો સર્જતા માત્ર 38 બોલમાં જ 7 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 101 રન ફટકારર્યા છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સે આઈપીએલની તેની મેચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી 4.1 ઓવરો બાકી હતી ત્યારે પરાજય આપ્યો હતો.
વૈભવ આઈપીએલના ઈતિહાસનો સૌથી નાની વયે ફાટેસ્ટ સદી ફટકારનાર બેટસમેન બન્યો છે. સોમવારે રમાયેલી મેચમાં વૈભવે માત્ર 35 બોલમાં સદી પુરી કરીને ક્રિકેટ ચાહકોથી લઇને ક્રિકેટ વિવેચકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેલ પછી તે બીજા ક્રમે સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર બેટસમેન છે. ગેલે માત્ર 30 બોલમાં સદી ફટકારીને સૌથી ઓછા બોલમાં સદી ફટકારવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.
રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. કેપ્ટન ગીલે 50 બોલમાં 84, બટલરે 26 બોલમાં અણનમ 50૨ન નોંધાવતા ગુજરાતે 20 ઓવરોમાં 4 વિકેટ 209 રન કર્યા હતા. તે પછી કોઈએ કલ્પના નહીં કરી હોય તેમ વૈભવ અને જયસ્વાલે વિસ્ફોટક બેટિંગ કરીને 11.5 ઓવરોમાં પ્રથમ વિકેટની 166 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમાંથી વૈભવના જ 38 બોલમાં 101 રન થયા હતા.
વૈભવે તેના 50 રન 17 બોલમાં 3 ચોગ્ગા ને 6 છગ્ગા સાથે ફટકાર્યા હતા. 48 રન તો તેણે બાઉન્ડ્રીથી લીધા હતા. વૈભવના 101 રનમાંથી 94 રન બાઉન્ડરીથી આવ્યા હતા. યશસ્વી જયસ્વાલે છેક સુધી અણનમ રહીને 40 બોલમાં 70 રન 9 ચોગ્ગા, બે છગ્ગા સાથે ફટકાર્યા હતા.
સિઝનની સૌથી ઝડપી સદી
આઈપીએલ ઇતિહાસમાં ક્રિસ ગેલ બાદ વૈભવ સૂર્યવંશી બીજો બેટ્સમેન છે જેમણે સૌથી ઝડપી સદી ફટકારી છે. આ સાથે તે આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારો પહેલો ભારતીય બની ગયો છે. આ ઉપરાંત ટી-20ના ઇતિહાસમાં સદી ફટકારનારો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. આઈપીએલની આ મેચ ઘણાં વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.
તેણે આઈપીએલ રમનારા સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે પહેલી અર્ધસદી પણ ફટકારી હતી. 14 વર્ષના આ બેટ્સમેને ગુજરાત ટાઇટન્સની સામે માત્ર 17 બોલમાં 50 રન પૂર્ણ કર્યા. 50 રન બનાવવા માટે તેમણે 6 છક્કા ફટકાર્યા. રાજસ્થાનની ઇનિંગની પાંચમી ઓવરમાં તો તેની અર્ધસદી થઈ ગઈ હતી.
ડેબ્યૂ મેચમાં પહેલા બોલે સિક્સર
14 વર્ષ અને 32 દિવસના વૈભવનો આઈપીએલમાં આ ત્રીજો મુકાબલો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે તેની ડેબ્યૂ મેચમાં પહેલા બોલ પર જ શાર્દુલ ઠાકુરને છક્કો ફટકાર્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તો ઇશાંત શર્માની એક જ ઓવરમાં 26 રન ફટકાર્યા એટલું જ નહીં તેમણે કરીમ જન્નતનું ડેબ્યૂ પણ ખરાબ કરી નાખ્યું. તેની આઈપીએલ કેરિયરની પહેલી જ ઓવરમાં વૈભવ સૂર્યવંશીએ 30 રન ફટકાર્યા.
રાજસ્થાન રોયલ્સે જીત માટેનું 210 રનનું લક્ષ્યાંક વૈભવ સૂર્યવંશીની તોફાની સદીની મદદથી મેચના 25 બોલ બાકી હતા ત્યારે જ હાંસલ કરી લીધું હતું. જોકે, તે પહેલાં 38 બોલમાં 101 રન બનાવીને વૈભવ સૂર્યવંશી આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્ણાએ લીધી હતી. આઈપીએલ ઇતિહાસમાં તેઓ પ્લેયર ઓફ ધ મેચ બનનારો સૌથી યુવા ખેલાડી પણ બન્યો હતો.
‘મારી સફળતાનો યશ માતાપિતાને’
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તેઓ ટી-20ના ઇતિહાસમાં સદી ફટકારનારા સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. જોકે તેણે આ સફળતાનો શ્રેય પોતાનાં માતાપિતાને આપ્યો હતો.
બીસીસીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં વૈભવ સૂર્યવંશીએ કહ્યું, ‘હું મારાં માતાપિતાના કારણે અહીં પહોંચ્યો છું. મારે પ્રેક્ટિસ માટે જવું હોય તો 11 વાગ્યે સૂઈ જતાં મારાં માતા રાત્રે 2 વાગ્યે ઊઠે છે. માત્ર ત્રણ કલાકની ઊંઘ લે છે અને પછી રસોઈ બનાવે છે. પિતાજીએ મારા માટે કામ છોડી દીધું હતું, મારો મોટો ભાઈ પિતાનું કામ સંભાળે છે. મુશ્કેલીથી ઘર ચાલે છે. પપ્પા મારી પાછળ લાગેલા રહે છે કે તું કરી શકીશ. મને જે સફળતા મળી છે તે મને મારાં માતાપિતાના કારણે મળી છે.’
તેણે પોતાની આ સફળતા માટે ઘણા દિવસની તૈયારી કરી હોવાની વાત કહીને જણાવ્યું હતું કે ‘હું ઘણા દિવસથી તૈયારી કરી રહ્યો હતો આજે પરિણામ મળ્યું તો આગળ સારું કરવાનો પ્રયાસ કરીશ. ટીમની જીતમાં મારે યોગદાન આપવું છે.’
રાજસ્થાન રોયલ્સની ટીમના કોચ રાહુલ દ્રવિડ અને ટીમના બીજા સભ્યોના સહકાર વિશે વૈભવ સૂર્યવંશીએ કહ્યું, ‘રાહુલ સરની સાથે કામ કરવું, મેચ રમવી, પ્રેક્ટિસ કરવી એ એક સામાન્ય ક્રિકેટર માટે સપનાં કરતાં ઓછું નથી.
મને સિનિયર ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનો ખૂબ જ સપોર્ટ મળે છે. તેઓ મારી સાથે પોઝિટિવ વાત કરે છે. તેઓ મને કોન્ફિડન્સ આપે છે કે તું કરી શકે છે, તું જિતાડી શકે છે માટે સારું રહે છે.’
‘રડારમાં બોલ આવે તો મારીશ’
પહેલા બોલ પર સિક્સ મારવા વિશે તેણે કહ્યું હતું, ‘હું આવું પહેલાં પણ કરી ચૂક્યો હતો. એવું પ્રેશર ન હતું કે 10 બોલ રમો અને પછી મારો. મારું તો નક્કી હતું કે મારા રડારમાં બોલ આવશે તો હું મારીશ. સ્ટેજ મોટું હતું અને આંતરરાષ્ટ્રીય બોલર હતા પરંતુ મેં મારી ગેમ રમવાનો પ્રયાસ કર્યો.’ વૈભવ સૂર્યવંશીએ ભવિષ્યના પ્લાન વિશે કહ્યું, ’મારે ભારત દેશ માટે યોગદાન આપવાનું છે માટે, ત્યાં સુધી હું મહેનત કરતો રહીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter