નવી દિલ્હીઃ ભારતની ટીનેજર ચેસ સ્ટાર દિવ્યા દેશમુખે પોતાની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર હાંસલ કરીને સોમવારે પોતાના જ દેશની અને ભૂતપૂર્વ ચેમ્પિયન કોનેરુ હમ્પીને હરાવીને ફિડે વિમેન્સ વર્લ્ડ કપ જીતી લીધો હતો. દિવ્યા દેશમુખનો ટાઈ બ્રેકરમાં વિજય થયો હતો. આ ઘટના બીજી રીતે પણ વિક્રમજનક છે. આ આંતરરાષ્ટ્રી ચેસ સ્પર્ધાની ફાઇનલમાં પહેલી વખત કોઇ ભારતીય ખેલાડીએ સ્થાન મેળવ્યું હતું, અને બન્ને ખેલાડી ભારતની જ હતી. આમ ચેમ્પિયનશીપ ભારતના નામે જ લખાયેલી હતી.
આ સફળતાએ 19 વર્ષની દિવ્યાને માત્ર વર્લ્ડ ટાઇટલ જ અપાવ્યું ન હતું પરંતુ સાથે સાથે તે ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઈ હતી. ગ્રાન્ડમાસ્ટરનું ટાઇટલ દિવ્યાએ જ્યારે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો પ્રારંભ કર્યો તે સમયે તેના માટે અસંભવ લાગતું હતું. કોનેરુ હમ્પી અને નાગપુરની દિવ્યા દેશમુખ વચ્ચે શનિવારે અને રવિવારે બે કલાસિક ગેમ રમાઈ હતી અને બંને ગેમ ડ્રો રહી ત્યાર બાદ સોમવારે દિવ્યાએ ટાઈ બ્રેકરની મદદથી પોતાની સિનિયર ભારતીય ખેલાડી સામે સફળતા હાંસલ કરી હતી.
બંને ડ્રો ગેમ બાદ ટાઇબ્રેકરનો પ્રથમ સેટ નિર્ણાયક બની રહ્યો હતો જેમાં હમ્પી તેની ઉપરના દબાણનો સામનો કરી શકી ન હતી. અગાઉ હમ્પીએ વર્લ્ડ કપ અને વિમેન્સ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ સિવાયના વિશ્વના મોખરાના ટાઇટલ જીતેલા હતા. જોકે આ વખતે તેને ફરીથી વર્લ્ડ ટાઇટલથી વંચિત રહેવું પડ્યું હતું અને તે પણ તેના જ દેશની ખેલાડી સામે તે જીતી શકી ન હતી.
દિવ્યા ભારતની ચોથી ગ્રાન્ડમાસ્ટર
સોમવારે દિવ્યા દેશમુખ તેની રમતમાં મક્કમ જણાતી હતી. તેણે જરાય ભૂલ કરી ન હતી અને અનુભવી હરીફનો ધૈર્યપૂર્વક સામનો કર્યો હતો જેને પરિણામે તેને ગ્રાન્ડમાસ્ટર ટાઇટલ પણ મળ્યું હતું. આ ટાઇટલ આ વખતના વર્લ્ડ ચેમ્પિયન માટે અનામત રાખવામાં આવ્યું હતું. આ સાથે ગ્રાન્ડમાસ્ટર ટાઇટલ પ્રાપ્ત કરનારી દિવ્યા ચોથી ભારતીય ચેસ સ્ટાર બની હતી. અગાઉ કોમેરુ હમ્પી, દ્રોણાવલી હરિકા અને આર. વૈશાલી આ ટાઇટલ હાંસલ કરી ચૂકી હતી. 38 વર્ષીય કોનેરુ હમ્પી 2002માં ગ્રાન્ડમાસ્ટર બની હતી ત્યારે દિવ્યાનો જન્મ પણ થયો ન હતો. દિવ્યા 2005માં જન્મી હતી.
એકંદરે દિવ્યા દેશમુખ ચેસમાં ગ્રાન્ડમાસ્ટર બનનારી ભારતની 88મી ખેલાડી બની છે. જો તે આ જ પ્રકારનું પ્રદર્શન જારી રાખશે તો તેની પાસે આથી પણ મહાન સફળતા હાંસલ કરવાની ક્ષમતા રહેલી છે. પ્રથમ ટાઈબ્રેકરમાં દિવ્યા દેશમુખે સારી એવી એનર્જી દાખવીને હમ્પી પર દબાણ લાદવાનું શરૂ કરી દીધું હતું.