22 યાર્ડની પિચ પર 23 વર્ષથી ચાલતાં એકચક્રી મિતાલી ‘રાજ’નો અંત

Tuesday 14th June 2022 06:43 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની દિગ્ગજ કેપ્ટન મિતાલી રાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ટ્વિટર ઉપર આ જાહેરાત સાથે જ 22 ગજની પિચ ઉપર છેલ્લા 23 વર્ષથી મિતાલીના એકચક્રી ‘રાજ’નો અંત આવી ગયો હતો. મિતાલીએ 2019માં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી હતી. તેણે 89 ટી20 મેચમાં કુલ 2364 રન બનાવ્યા હતા. જે આ ફોર્મેટમાં ભારત તરફથી હાઈએસ્ટ છે. 1999માં માત્ર 16 વર્ષની વયે ભારત માટે ઈન્ટરનેશનેલ ક્રિકેટ રમનાર મિતાલી મહિલા ક્રિકેટની મહાન ખેલાડીઓમાંની એક છે. તેણે 12 ટેસ્ટ મેચ તથા 232 વન-ડે પણ રમી છે. તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ બે વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પણ પહોંચી હતી. વન-ડે ફોર્મેટમાં તે વિશ્વમાં સર્વાધિક રન નોંધાવનાર પ્રથમ ખેલાડી છે. મિતાલીએ પોતાની ઈન્ટરનેશનલ કારકિર્દીની 232 વન-ડે મેચમાં વિક્રમી 7805 રન બનાવ્યા છે. ચાલુ વર્ષના માર્ચ મહિનામાં ન્યૂઝીલેન્ડ ખાતે રમાયલી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ બાદ મિતાલી રાજ અને સિનિયર પેસ બોલર ઝૂલન ગોસ્વામી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે તેવી અટકળો કરવામાં આવતી હતી.
વિમેન્સ ક્રિકેટની સચિન તેંડુલકર ગણાતી મિતાલી રાજે જણાવ્યું હતું કે હું ભારતની બ્લૂ જર્સી પહેરીને સફરે નીકળી હતી કારણ કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તે ઘણા સન્માનની બાબત છે. મેં મારી સફરમાં કેટલીક યાદગાર મોમેન્ટ્સ તથા કેટલીક દુઃખદ પળોનો પણ સામનો કર્યો છે. પ્રત્યેક વખતે મને નવા પાઠ શીખવા મળ્યા છે. છેલ્લા 23 વર્ષ મારા જીવનના સૌથી સંતોષજનક, પડકારાત્મક તથા આનંદદાયક વર્ષ રહ્યા છે. મારી સફરનો પણ અંત આવવાનો જ હતો. મેં ઇન્ટરનેશનલ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
વર્લ્ડ કપમાં પાકિસ્તાની બોલર્સની ધોલાઇ
2013ના વન-ડે વર્લ્ડ કપમાં કટક ખાતે ભારત અને પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ મુકાબલો રમાયો હતો. પાકિસ્તાન સાથે ઓવરમાં 192 રન બનાવ્યા હતા. ભારતે આઠ રનના સ્કોરે પૂનમ રાઉતની વિકેટ ગુમાવી હતી. ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલી મિતાલીએ પાકિસ્તાની બોલર્સને ચોમેર ફટકારવાનું શરૂ કર્યું હતું. તેણે અણનમ 103 રન બનાવીને મુકાબલો એકતરફી બનાવી દીધો હતો. મિતાલીએ 143 બોલનો સામનો કર્યો હતો અને ભારતે ચાર ઓવર બાકી રાખી મુકાબલો જીતી લીધો હતો. મિતાલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.
ઇંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકાર્યા
બાદ મહિલા તેંડુલકરનું બિરુદ
• વન-ડે ક્રિકેટમાં હાઇએસ્ટ રન નોંધાવાર પ્રથમ મહિલા ક્રિકેટર
• વન-ડે વર્લ્ડ કપમાં હાઇએસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ
• ડેબ્યૂ મેચ આયર્લેન્ડ સામે અને છેલ્લી મેચ સાઉથ આફ્રિકા સામે રમી
• 2003માં અર્જુન એવોર્ડ અને 2017માં વિઝડન લીડિંગ વિમેન્સ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ સન્માન
• 2015માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી તથા 2021માં રમતગમત ક્ષેત્રે અપાતું સર્વોચ્ચ સન્માન ખેલ રત્ન એવોર્ડ એનાયત
• 2017ના વિમેન્સ વર્લ્ડ કપમાં સતત સાત અડધી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર
• એક ટીમ (ભારત) માટે સતત 109 મહિલા વન-ડે મેચ રમનાર પ્રથમ ખેલાડી
• વર્લ્ડ કપમાં 1000 પ્લસ રન નોંધાવનાર ભારતની પ્રથમ અને ઓવરઓલ પાંચમી ખેલાડી
• વન-ડેમાં હાઇએસ્ટ રન - કુલ 232 મેચમાં 7805 રન
• ટેસ્ટ ક્રિકેટમાં એક તથા વન-ડેમાં સાત સદી
• 20 કરતાં વધારે વર્ષ સુધી રમાનાર પ્રથમ મહિલા ક્રિકેટર
• વન-ડે વર્લ્ડ કપમાં હાઇએસ્ટ 24 મેચમાં કેપ્ટનશિપ કરનાર પ્રથમ મહિલા ખેલાડી
• છ વન-ડે વર્લ્ડ કપ રમનાર એક માત્ર મહિલા ખેલાડી, મેન્સમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે
• ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી બેવડી સદી નોંધાવનાર એકમાત્ર બેટર
• ઈન્ટરનેશનલ ટી20માં 2000 રન નોંધાવાર પ્રથમ ભારતીય ક્રિકેટર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter