રાંચીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ રવિવારે રાંચીના મેદાન પર સદી ફટકારીને આશ્ચર્યજનક ઇતિહાસ રચી દીધો હતો. કોહલીની વનડે કેરિયરની આ 52મી સદી હતી. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ફોર્મેટમાં સૌથી વધારે સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. તેણે સચિન તેન્ડુલકરનો મહારેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન પોતાની કેરિયરમાં ટેસ્ટ ફોર્મેટમાં 51 સદી ફટકારી હતી. કોહલી ટેસ્ટ અને ટી-20 ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચુક્યો છે. કોહલી 2023માં સચિનને પાછળ રાખીને વનડે ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારનાર પ્લેયર બન્યો હતો. સચિનની વનડેમાં 49 સદી હતી.
37 વર્ષીય કોહલીએ સચિનનો વધુ એક રેકોર્ડ તોડયો છે. તે સાઉથ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધારે સદી ફટકારનાર પ્લેયર પણ બન્યો છે. તે હજુ સુધીમાં સાઉથ આફ્રિકા સામે છ સદી ફટકારી ચૂક્યો છે. સચિન અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોરો્નર સાઉથ આફ્રિકા સામે પાંચ સદી ફટકારી ચૂક્યો છે. કોહલીએ આજે 9 મહિના બાદ વનડે ક્રિકેટમાં સદી ફટકારી છે.
102 બોલમાં સદી
વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. તેણે 102 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોહલીની સદી 7000મી સદી હતી. વિરાટ 120 બોલમાં 135 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 11 બાઉન્ડ્રી અને સાત સિક્સર સામેલ હતી.
પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલી વનડે ફોર્મેટમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરીને સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેન સાથે જ વિરાટ પોન્ટિંગથી આગળ નીકળી ગયો હતો. કોહલીએ 59 વાર ઘરેલુ વનડેમાં ફિફટી પ્લસનો સ્કોર કર્યો છે.
વનડે ફોર્મેટનો મહાન ખેલાડીઃ ગાવસ્કર
લિજેન્ડરી બેટ્સમેન સુનિલ ગવાસ્કરે રવિવારે વિરાટ કોહલીને વનડે ક્રિકેટનો સૌથી મહાન ખેલાડી ગણવ્યો હતો અને કહ્યું હતું કે કે ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો આઇકોન ગણાતા કોહલીનો વન-ડે ક્રિકેટમાં સદીઓ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડને આ ફોર્મેટમાં કોઇની પણ સાથે તુલના ના કરી શકાય એવો છે. 'હું નથી માનતો કે કોહલીની સિદ્ધિઓ અને ક્ષમતા વિશે કોઇને કંઇ શંકા હોય, અર્થાત હું જ નહી, પરંતુ જે ખેલાડીઓ કોહલીની સાથે કે વિરુદ્ધમાં રમ્યા હશે તે તમામ એ વાતે સંમત થશે કે કોહલી વન-ડે ક્રિકેટના ફોર્મેટમાં સૌથી મહાન ખેલાડી છે’ એમ ભૂતપૂર્વ લિટલ માસ્ટરે કોહલીની ભારોભાર પ્રશંસા કરતા કહ્યું હતું.


