IPLના સ્થાપક લલિત મોદી સામે પૂર્વ મોડેલનો £ 5 મિલિ.નો દાવો

Tuesday 01st March 2022 13:34 EST
 
 

લંડનઃ પૂર્વ ભારતીય શીખ મોડેલ અને ઈન્વેસ્ટર ગુરપ્રીત ગિલ માગે ભારતીય અને વિશ્વ ક્રિકેટમાં અત્યંત સફળતા પ્રાપ્ત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદી સામે લંડનની હાઈકોર્ટમાં પાંચ મિલિયન પાઉન્ડ (રૂ. 50 કરોડ)ની નુકસાનીના વળતરનો દાવો માંડ્યો છે. લલિત મોદીએ કોન્ટ્રાક્ટનો ભંગ અને છેતરપિંડીથી લાખો ડોલરનું નુકસાન ગયું હોવાનું આ કાનૂની દાવાના દસ્તાવેજોમાં જણાવાયું છે.

લલિત મોદીએ એપ્રિલ 2018માં વિશ્વવ્યાપી કેન્સર સારવાર પ્રોજેક્ટ માટે ઈન્વેસ્ટમેન્ટ હાંસલ કરવા ખોટી રજૂઆતો કરી હતી કે કેમ તેનો નિર્ણય લેવાની ટ્રાયલ ચાન્સેરી ડિવિઝનમાં જજ મૂરે રોસેન QC દ્વારા ચલાવાશે. સિંગાપોરની વેન્ચર કેપિટલિસ્ટ અને ક્વોન્ટમ કેર લિમિટેડની માલિક ગુરપ્રીત ગિલ માગે જણાવ્યું છે કે લલિત મોદીએ દુબાઈની હોટલમાં રુબરુ મુલાકાતમાં તેમના કેન્સર સારવાર બિઝનેસ આયોન કેરમાં આકર્ષક રોકાણોની રજૂઆત કરી હતી. આ બિઝનેસમાં શાહી પરિવારના સભ્યો અને વિશ્વપ્રસિદ્ધ નેતાઓ પણ પેટ્રન તરીકે સંકળાયા હોવાની તેમજ કુલ 260 મિલિયન ડોલરનું રોકાણ થયાની રજૂઆત પણ મોદીએ કરી હતી.

ગુરપ્રીત ગિલ અને તેના પતિ ડેનિયલ માગના ક્વોન્ટમ કેર દ્વારા 2018ની 14 નવેમ્બરે એક મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું અને આયોન કેરનો બિઝનેસ બંધ થઈ જવાથી વધુ એક મિલિયન ડોલર રોકાણ કર્યું ન હતું. માગ દંપતીએ દાવો કર્યો છે કે તેમના નાણા આ રીતે રોકાયેલા રહેવાથી તેઓ અન્ય બિઝનેસીસમાં રોકાણ કરી શક્યા ન હતા. ગીલના ક્વોન્ટમ કેર દ્વારા તેમનું 800,000 અમેરિકી ડોલરનું રોકાણ વ્યાજસહિત પરત મેળવવાની અને અન્યત્ર રોકાણો કરાયા હોત તો મળનારા સંભવિત રોકાણોના નુકસાનની માગણી કરાઈ છે.

લલિત મોદીએ લેખિત જુબાની સાથે આક્ષેપોને નકારી કાઢ્યા છે અને ટ્રાયલ દરમિયાન દાવાઓ વિરુદ્ધ મૌખિક રજૂઆતો પણ કરશે તેમ મનાય છે. મોદીનું કહેવું છે કે તેઓ આ બિઝનેસમાં કેવો રસ છે તેનો નિર્દેશ જ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે IPL સંબંધિત કૌભાંડો અને વિવાદોના પગલે લલિત મોદી 2010થી ભારત છોડી લંડનમાં વસી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter