મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ સજર્યા બાદ આ ટીમના કોચ અમોલ મજુમદાર પણ ચર્ચામાં છે. ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા અમોલ કમનસીબે ક્યારેય ભારતીય ટીમ તરફથી રમી શક્યા નહોતા પણ હવે તેમના કોચપદ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનતાં તેમનો એ વસવસો જાણે દૂર થયો છે.
અમોલે 1993માં મુંબઈ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ સાથે 260 રનની ઇનિગ્સ રમી હતી, જે તે સમયે વિશ્વના કોઈપણ ખેલાડી દ્વારા ડેબ્યૂ ઇનિંગ્સમાં સૌથી મોટો સ્કોર હતો. બે દાયકાથી પણ વધુ લાંબી કરિયરમાં અમોલે 30 સદી સાથે 11 હજારથી વધુ રન કર્યા હતા. જોકે, તે સમયે ભારતીય ટીમમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ જેવા ખેલાડીઓ હોવાને કારણે અમોલને ક્યારેય ટીમમાં સ્થાન જ ના મળ્યું.
2002 સુધીમાં અમોલે લગભગ હાર માની લીધી હતી પણ તેમના પિતા અનિલ મજમદારે ત્યારે તેમને કહ્યું હતું કે, ખેલ છોડના નહીં, તેરે અંદર અભી કિકેટ બાકી હૈ. આ એક વાક્યે અમોલની જિંદગી બદલી નાખી. તેમણે વાપસી કરી અને 2006માં મુંબઈને રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવ્યું. રોહિત શર્માને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌપ્રથમ અમોલે જ તક આપી હતી. અમોલ ઓક્ટોબર, 2023માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ નીમાયા હતા ત્યારે ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે ભારત માટે ક્યારેય ન રમનાર ખેલાડી ભારતીય મહિલા ટીમનો કોચ કેવી રીતે બની શકે?


