છ સ્ટાર ખેલાડીઓનો અંતિમ વર્લ્ડ કપ

Wednesday 11th February 2015 06:55 EST
 
 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના સંયુક્ત યજમાનપદે શરૂ થઇ રહેલો આઇસીસી વર્લ્ડ કપ ઘણા દિગ્ગજો માટે અંતિમ વર્લ્ડ કપ બની રહેશે અને આ તમામ ખેલાડીઓ પોતાની કારકિર્દીના અંતિમ વિશ્વ કપને યાદગાર બનાવવા ઇચ્છે છે.
ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વ કપના થોડા સમય પહેલાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. ધોની ઉપરાંત કુમાર સંગાકારા, માહેલા જયવર્દને, તિલકરત્ન દિલશાન, શાહિદ આફ્રિદી, મિસ્બાહ ઉલ હક, યુનુસ ખાન, ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્ક, ન્યૂ ઝિલેન્ડનો ડેનિયર વેટોરી સહિત વિશ્વ ક્રિકેટનાં ઘણાં મોટાં નામ સામેલ છે, જેઓ ૨૦૧૫ના વિશ્વકપમાં અંતિમ વાર જોવા મળશે.
માઇકલ ક્લાર્કઃ સતત ઈજાઓ સામે ઝઝૂમી રહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કની કેરિયર પૂરી થવામાં છે. એડિલેડમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ બાદથી તે મેદાન પર ઊતર્યો નથી. ૩૩ વર્ષીય ક્લાર્ક ૨૩૮ મેચમાં ૪૪.૮૬ની સરેરાશથી ૭૭૬૨ રન બનાવી ચૂક્યો છે.
શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનનો આફ્રિદી પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ૩૪ વર્ષીય આ ઓલરાઉન્ડરનો આ પાંચમો વિશ્વ કપ છે. માત્ર ૩૭ બોલમાં ફટકારેલી સદીનો રેકર્ડ લાંબા સમય સુધી તેના નામે રહ્યો હતો. આફ્રિદીની કેપ્ટનશિપમાં પાકિસ્તાની ટીમને પાછલા બન્ને વિશ્વ કપની સેમિ-ફાઇનલમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આફ્રિદી ૩૮૯ મેચમાં ૭૮૭૦ રન બનાવી ચૂક્યો છે.
કુમાર સંગાકારાઃ ૨૦૧૪માં વન-ડેમાં સૌથી વધુ રન બનાવનારો સંગાકારા પણ વિશ્વ કપ બાદ નિવૃત્તિ લેવાનો સંકેત આપી ચૂક્યો છે. સંગાકારા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. તેનો સાથી ખેલાડી લસિથ મલિંગા અને તિલકરત્ને દિલશાનનો પણ સંભવતઃ આ અંતિમ વર્લ્ડ કપ હશે. ૩૧ વર્ષીય મલિંગાની કરિયર ઇજાને કારણે હાલકડોલક રહી છે. ૩૮ વર્ષીય દિલશાન ફોર્મમાં છે, પણ ઉંમર તેની વિરુદ્ધ છે.
માહેલા જયવર્દનેઃ શ્રીલંકાને પાછલા બન્ને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવામાં જયવર્દનેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તે પોતાના અંતિમ વિશ્વ કપમાં રમી રહ્યો છે અને ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિ લેવાનો સંકેત આપી ચૂક્યો છે. જયવર્દને વર્લ્ડ કપ ટાઇટલ સાથે વિદાય લેવા ઇચ્છે છે.
ડેનિયલ વેટ્ટોરીઃ ડેનિયલ વેટ્ટોરી ન્યૂ ઝીલેન્ડ તરફથી સૌથી વધુ વન-ડે મેચ રમનારો ક્રિકેટર છે. ટેસ્ટ કેરિયરને લંબાવવા માટે તેણે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ બાદમાં વિચાર બદલ્યો. ૩૬ વર્ષીય વેટ્ટોરીની ટીમ હાલમાં ગજબનાક ફોર્મમાં રમી રહી છે અને તે પોતાના ઘરઆંગણે વર્લ્ડ કપ ખિતાબ જીતવા ઇચ્છે છે.
મહેન્દ્ર સિંહ ધોનીઃ ભારતનો સૌથી સફળ કેપ્ટન. માહીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ બે વાર વિશ્વ કપ જીત્યા છે. વન-ડે ટીમે નંબર વન રેન્કિંગ પણ હાંસલ કર્યું. ધોનીએ ૨૫૩ મેચમાં ૮૨૪૫ રન બનાવ્યા છે અને તેની સરેરાશ ૫૨.૨૧ છે. થોડા સમય પહેલાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલો ધોની વિશ્વ કપ બાદ વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરશે તો કોઈને નવાઈ નહીં થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter