આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં IPLનો પ્રભાવઃ શું ક્રિકેટને ખરેખર તેનાથી ફાયદો થયો છે?

Monday 24th April 2023 06:33 EDT
 
 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 15મા સફળ વર્ષમાં પ્રવેશી છે પરંતુ, જેન્ટલમેન્સ ગેમ તરીકે ઓળખાયેલી ક્રિકેટની રમત પર તેની અસરો વિશે વિરોધાભાસી મંતવ્યો છે. જોકે, બેન સ્ટોક્સની ટેસ્ટ સ્ક્વોડ આજે તેજીલા તોખાર જેવી છે તેનું કારણ પણ IPL જ છે.
IPL થકી ઘણાની કારકિર્દીમાં વેગ આવ્યો છે અને મોટા ભાગની સ્ટોરી માઈકલ લુમ્બ જેવી જ છે જેણે 2017થી રમવામાં નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ, હવે એજન્ટ તરીકે તેની કામગીરી વિશ્વભરમાં ટ્વેન્ટી-20 લીગ્સમાંથી ખેલાડીઓ શોધવાની છે. લુમ્બ IPLમાં ભાગ લેનારા પ્રથમ ઈંગ્લિશ કાઉન્ટી પ્લેયર્સમાંનો એક છે. તાજેતરમાં હેમ્પશાયર સ્થળાંતર કરી ગયેલા લુમ્બે ત્યાં 2010માં શેન વોર્ન હેઠળ ક્રિકેટની રમત રમી હતી. વોર્ને તેને રાજસ્થાન રોયલ્સ માટે કરારબદ્ધ કર્યો હતો. તેનો પ્રથમ કરાર 50,000 પાઉન્ડનો હતો જે વર્તમાન ધોરણે ચણામમરાં જ કહેવાય. લુમ્બ પાછળથી 100,000 પાઉન્ડ સાથે ડેક્કન ચાર્જર્સ સાથે જોડાયો હતો.
ભવ્ય ઉજવણીઓ સાથેના આરંભે 18 એપ્રિલ 2008ના દિવસે બેંગ્લોરમાં બ્રેન્ડન મેક્કુલમે 158 રનની વિક્રમી ઈનિંગ્સ ખેલી તે પછી IPL ની આ 15મી વર્ષગાંઠ છે. ક્રિકેટની રમતમાં તેનાથી મહાન ક્રાંતિ સર્જાઈ હોવાનું નકારી શકાય નહિ. ટ્વેન્ટી20 ક્રિકેટે રમતના લેન્ડસ્કેપને તદ્દન બદલી નાખ્યું ત્યારે પ્રશ્ન એ થાય કે શું IPLથી જ મોટાં પરિવર્તનો આવ્યાં છે? નાણાકીય રીતે સૌથી સદ્ધર સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાં એક તરીકે IPLનો સિતારો જે રીતે ચમક્યો છે અને IPLની વ્યાપારી સફળતાની સરખામણી કોઈ કરી શકે તેમ નથી તે જોતાં સુનિયોજિત ટી-20 ટુર્નામેન્ટ વિજેતા બિઝનેસ મોડેલ બની રહેલ છે.
આઇપીએલથી નેશનલ બોર્ડ્સના હાથોમાંથી સત્તા ખુંચવાઈને ખેલાડીઓને હસ્તક આવી ગઈ છે. ભૂતકાળમાં કોઈ ક્રિકેટરે સારી કમાણી કરવી હોય તો આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે કારકિર્દી બનાવવી પડતી હતી. હવે તેમની પાસે ટી20 લીગ્સ થકી ધનવાન બનવાનો બીજો અને સરળ માર્ગ છે. ખેલાડીની સેવા મેળવવાની સ્પર્ધા અને તેમની કમાણી હવે આસમાને પહોંચી છે. રમતના મુખ્ય પ્રવાહની બહાર રહેલા ખેલાડીઓ માટે પણ નવી તકો સર્જાઈ છે.
આઇપીએલના કારણે જ નેશનલ બોર્ડ્સને તેમના સમયપત્રકો બદલવા પડ્યા છે જે દર વર્ષે મે મહિનામાં ઘરઆંગણે મેચ યોજતા ઈંગ્લેન્ડની બાબતે સ્પષ્ટ જોવા મળે છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તેના અગ્રણી ખેલાડીઓને T20 લીગ્સમાં ભાગ લેતા અટકાવવાનું વિચારી શકે પણ તેમ નથી. કેવિન પિટરસન સાથે 2012માં જોરદાર વિવાદ પછી ઈંગ્લેન્ડ 2015થી તેના અગ્રણી ખેલાડીઓને આઇપીએલમાં રમવા પ્રોત્સાહિત કરી રહેલ છે.
ખેલાડીઓનો પ્રભાવ તબક્કાવાર વધ્યો હતો. સૌપહેલા તો તેમને આઇપીએલમાં રમવા માટે આંતરરાષ્ટ્રીય મેચીસ રમવામાંથી ફારેગ થવાનો સમય અપાયો હતો. આનો લાભ મે 2017માં બેન સ્ટોક્સ અને જો બટલરને મળ્યો હતો. હવે તો દેશ તરફથી રમવાનો ઈનકાર કરવામાં તેમને જરા પણ વાંધો નથી. સમગ્ર વિશ્વમાં રમતને ફેલાવાના નવા માર્ગો ખુલ્યા છે. આઇપીએલ વિના તો રાશિદ ખાન (અફઘાનિસ્તાન), સંદિપ લેમિછાને (નેપાળ), જોશ લિટલ (આયર્લેન્ડ) જેવા બોલર્સ વિશે કોણે સાંભળ્યું હોત?
આઇપીએલમાં રમવાથી ખેલાડીની રમતને વધુ ધાર, કૌશલ્ય અને અનુભવની સાથોસાથ ભરપૂર નાણાં પણ મળ્યા છે. આ વર્ષની ઈંગ્લેન્ડ એશિઝ ટુર્નામેન્ટ માટેના સંભવિત ખેલાડીઓ જોફ્રા આર્ચર, હેરી બ્રૂક, સામ કરન, જો રુટ, માર્ક વૂડ અને બેન સ્ટોક્સ પણ વર્તમાન આઇપીએલમાં રમી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter