આઇપીએલ-૧૩ઃ ૧૨૦ દેશોમાં લાઇવ પ્રસારણ થશે, પણ પાકિસ્તાનમાં નહીં થાય

Wednesday 16th September 2020 05:20 EDT
 
 

મુંબઇ-દુબઇ: દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલની ૧૩મી સિઝનનું લાઇવ પ્રસારણ ૧૨૦ દેશોમાં કરાશે. જોકે આ દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી. સ્ટાર ઇન્ડિયા પાસે આ ટૂર્નામેન્ટના પ્રસારણના અધિકાર છે. ભારતમાં હિન્દી અને ઇંગ્લિશ ઉપરાંત કેટલીક સ્થાનિક ભાષાઓમાં પણ પ્રસારણ કરાશે. જેમાં તમિલ, તેલુગુ, કન્ન્ડ, બંગલા, મલયાલમ અને મરાઠી સામેલ છે. યુકે-આયર્લેન્ડમાં સ્કાય સ્પોર્ટ્સ, અમેરિકા-કેનેડામાં વિલો ટીવી જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં ફોક્સ સ્પોર્ટ્સ પર મેચ જોઇ શકાશે. પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટનું લાઇવ પ્રસારણ નહીં થાય. તેની સાથે જ અફઘાનિસ્તાન બાંગ્લાદેશમાં સ્થાનિક બ્રોડકાસ્ટર્સ સાથે વાટોઘાટો ચાલી રહી છે.
ટૂર્નામેન્ટ દરમિયાન રવિવારે ૨-૨ મેચ રમાશે. જ્યારે ૧૦ નવેમ્બરે ફાઈનલ રમાશે. દરેક ટીમમાં ૨૪-૨૪ ખેલાડી સામેલ કરવાની છૂટ અપાઇ છે. દર્શકોની એન્ટ્રી અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં તો ખેલાડીઓ સહિત બીજા લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ઉલ્લેખનીય છે કે ૫૩ દિવસ ચાલનારી આઈપીએલમાં સેમિફાઈનલ અને ફાઈનલ સહિત કુલ ૬૦ મેચો રમાશે. આઠ ટીમ દ્વારા ૧૪-૧૪ મેચ રમાશે અને ત્યારબાદ સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.

ધોનીની જેમ મેચ ફિનિશ કરવા માગે છે મિલર

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન ડેવિડ મિલરે ચેન્નઇના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની મેચ ફિનિશ કરવાની માસ્ટરી અંગે કહ્યું કે, ‘હું તેનો પ્રશંસક છું. તે એવો શાંત રહે છે કે તમને એમ જ લાગે છે કે બધું જ કન્ટ્રોલમાં છે. બેટ્સમેન તરીકે તેની તાકાત અને નબળાઇઓ છે, અને મારી પણ. હું તેની જેમ જ મેચ ફિનિશ કરવા માગું છે.’ તેણે કહ્યું કે જોઇએ મારી કારકિર્દી કેવી રીતે સમાપ્ત થાય છે. ધોની સૌથી શ્રેષ્ઠ ફિનિશરમાં એક છે. આ વાત તેણે અનેક વખત સાબિત કરી દેખાડી છે.

વિરાટ તમામ માટે ઉદાહરણરૂપઃ ડિવિલિયર્સ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેન એબી ડિવિલિયર્સે કહ્યું કે કેપ્ટન વિરાટ કોહલી પોતાની સખત મહેનતથી ટીમના અન્ય ખેલાડીનો માટે ઉદાહરણરૂપ બની રહે છે. તેણે કહ્યું કે ‘કેપ્ટન જ્યારે આગળથી લીડ કરે છે તો તેને ફોલો કરવાનું સરળ હોય છે. હું મેદાન પર જવા માટે તૈયાર છું.’ વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી આરબીસી હજુ પણ પ્રથમ ટાઇટલની રાહ જોઇ રહી છે.

રૂ. ૨૨૨ કરોડની બોલી, ડ્રીમ11 ટાઇટલ સ્પોન્સર

મુંબઇ: આઇપીએલ ૨૦૨૦ની સિઝન માટેના ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ ફેન્ટસી સ્પોર્ટ્સ લીગ પ્લેટફોર્મ ડ્રીમ11 હસ્તક છે. ડ્રીમ11 પહેલાંથી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)નું પાર્ટનર છે. ડ્રીમ11એ ટાઇટલ સ્પોન્સરશિપની હોડમાં પ્રબળ દાવેદાર ગણાતા કોર્પોરેટ જાયન્ટ ટાટા સન્સને પણ પાછળ રાખી દીધી હતી. ટાટા કંપનીના ઘણાં બિઝનેસ છે અને તે ઘણાં દશકાથી ઓલિમ્પિક સ્પોર્ટ્સના ભારતીય એથ્લીટ્સને સ્પોન્સર કરે છે. ડ્રીમ11એ ટાઇટલ સ્પોન્સરશિપ હાંસલ કરવા માટે ૨૨૨ કરોડ રૂપિયાની હાઇએસ્ટ બોલી લગાવી હતી.
ડ્રીમ ઇલેવન પહેલાં ચાઇનીઝ કંપની વિવો આઇપીએલની ટાઇટલ સ્પોન્સર હતી અને તે બીસીસીઆઇને પ્રત્યેક વર્ષે ૪૪૦ કરોડ રૂપિયા આપતી હતી. તેણે ૨૦૧૮માં બોર્ડ સાથે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.
આઇપીએલ ટાઇટલ સ્પોન્સરશિપની હોડમાં બાયજૂ, રિલાયન્સ જિયો, ટાટા સન્સ અને અનએકેડેમી જેવી કંપનીઓ સામેલ હતી પરંતુ ડ્રીમ11 હાઇએસ્ટ બોલી દ્વારા સ્પોન્સરશિપ હાંસલ કરવામાં સફળ રહી હતી.
અહેવાલ અનુસાર ડ્રીમ11એ લગભગ ૨૫૦ કરોડ રૂપિયા સુધીની બોલી લગાવવાનો નિર્ણય કર્યો હતો. અનએકેડેમીએ ૨૧૦ કરોડ, ટાટા સન્સે ૧૮૦ કરોડ તથા એજ્યુકેશન એપ કંપની બાયજૂએ ૧૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

સ્પોન્સરશિપની રકમ ઘટી

ચાઇનીઝ મોબાઇલ કંપની વિવો સાથેનો કરાર તોડયા બાદ બીસીસીઆઇએ કોરાના વાઇરસના કારણે માર્કેટ નબળું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય કંપનીઓને આકર્ષવા સ્પોન્સરશિપની રકમમાં ઘટાડો કરી નાખ્યો હતો. વિવો સાથેના કરાર મુજબ આ રકમ ૪૪૦ કરોડ રૂપિયા હતી પરંતુ બોર્ડે તેને ૩૦૦થી ૩૫૦ કરોડ રૂપિયા સુધીની કરી દીધી હતી. જોકે ડ્રીમ11ને આ સ્પોન્સરશિપ રૂ. ૨૨૨ કરોડમાં મળી છે.
ઉલ્લેખનીય છે કે ચીને પૂર્વ લદાખમાં કરેલી અવળચંડાઇના કારણે દેશભરમાં આઇપીએલની ચાઇનીઝ સ્પોન્સર કંપની વિવો સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આકરી ટીકાના પગલે બીસીસીઆઇએ ચાઇનીઝ કંપની વિવો પાસેથી ટાઇટલ સ્પોન્સરશિપ છીનવી લીધી હતી. આઇપીએલ માટે વિવોએ પાંચ વર્ષનો કરાર કર્યો હતો, જે ૨૦૨૨માં પૂરો થવાનો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter