આઇપીએલ-૧૪ઃ સાઉથ આફ્રિકાનો ક્રિસ મોરિસ સૌથી મોંઘેરો ખેલાડી

Wednesday 24th February 2021 06:35 EST
 
 

ચેન્નઇઃ આઇપીએલ ૨૦૨૧ એટલે ૧૪મી સિઝન માટે ખેલાડીઓની હરાજી થઇ ચૂકી છે. ૫૭ ખેલાડીઓને ખરીદવા માટે લગભગ ૧૪૫ કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા છે. સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે વિક્રમજનક ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

આઇપીએલ ટી૨૦ લીગની ૧૪મી સિઝન માટે ૧૮ ફેબ્રુઆરીએ મિનિ હરાજી યોજાઇ હતી જેમાં કેટલાક ખેલાડીઓને ધાર્યા કરતાં અનેક ગણા રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. સાઉથ આફ્રિકન ખેલાડી ક્રિસ મોરિસ આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને રાજસ્થાન રોયલ્સે ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે યુવરાજની ૨૦૧૫ની સિઝનની ૧૬ કરોડની હાઇએસ્ટ પ્રાઇઝનો રેકોર્ડ તોડયો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૪.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજી તરફ ભારતીય ઓલ રાઉન્ડર ક્રિષ્નપ્પા ગૌતમ ૯.૨૫ કરોડમાં વેચાયો હતો. તે સૌથી વધુ કિંમતે વેચાનારો અનકેપ્ડ ખેલાડી બન્યો હતો.

૮ ટીમે ૫૭ ખેલાડી ખરીદયા

૮ ટીમોએ કુલ ૫૭ ખેલાડીઓને ખરીદવા માટે ૧૪૫.૩ કરોડ રૂપિયાનું પર્સ ખાલી કરી નાખ્યું હતું. મોટાભાગે બોલિંગ-ઓલરાઉન્ડર ઉપર ભાર મુકાયો હતો. હરાજીમાં શોર્ટ લિસ્ટ કરાયેલા ૨૯૨ પ્લેયર્સ ઉપર બોલી લાગી હતી. આઠ ટીમોના કુલ ૬૧ સ્લોટ ખાલી હતા. હરાજીમાં વેચાયેલા ૫૭ ખેલાડીઓમાંથી ૨૨ વિદેશી અને ૩૫ ભારતીય ખેલાડી રહ્યા છે. અર્જુન તેંડુલકરના છેલ્લા નામ સાથે હરાજીનો અંત આવ્યો હતો. તેને ધારણા મુજબ મુંબઇ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇઝ ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

યુવરાજનો રેકોર્ડ તોડયો ક્રિસે

આફ્રિકન બોલર મોરિસની બેઝ પ્રાઇસ ૭૫ લાખ રૂપિયા હતી અને તેને રાજસ્થાન રોયલ્સે ૨૧ ગણી વધારે કિંમત આપીને ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે મોરિસે આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા વેચાનારા ભારતના યુવરાજના રેકોર્ડને તોડયો હતો. યુવરાજને ૧૬ કરોડ, પેટ કમિસનને ૧૫.૫૦ કરોડ, બેન સ્ટોક્સને ૧૪.૫૦ કરોડ તથા ગ્લેન મેક્સવેલને ૧૪.૨૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા અને આ પ્લેયર્સ આઇપીએલના ઇતિહાસમાં હાઇએસ્ટ પેઇડ ક્રિકેટર્સ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલની છેલ્લી કેટલીક સિઝનમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે અને તેમને કરોડોની કિંમતે ખરીદવામાં આવે છે.

બે ઓલરાઉન્ડર્સ ઉપર સૌથી મોટો દાવ

મોરિસે કુલ ૨૧૮ ટી૨૦ મેચ રમી છે અને તેણે ૧૫૧.૦૨ના સ્ટ્રાઇક રેટથી ૧,૭૬૪ રન બનાવ્યા છે. તેણે ૨૭૦ વિકેટ પણ હાંસલ કરી છે. આઇપીએલમાં તે ૮૦ વિકેટ પણ ઝડપી ચૂક્યો છે. મેક્સવેલનો આઇપીએલ રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે ૮૨ મેચમાં ૧,૫૦૫ રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૫૪.૬૭નો રહ્યો છે. તે ૯૧ સિક્સર અને ૧૧૮ બાઉન્ડ્રી ફટકારી ચૂક્યો છે.

છ વર્ષ બાદ પૂજારાનું પુનરાગમન

ટેસ્ટ ક્રિકેટના નિષ્ણાત ગણાતા ચેતેશ્વર પૂજારાને ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પૂજારા છેલ્લે ૨૦૧૪માં આઇપીએલ રમ્યો હતો. પ્રત્યેક વર્ષે તે હરાજીમાં અનસોલ્ડ રહેતો હતો. પૂજારા પાસે આઈપીએલની ૩૦ મેચનો અનુભવ છે અને ૨૦૦૮થી ૨૦૧૪ની વ્ચચે તે ત્રણ ફ્રેન્ચાઈઝી માટે રમ્યો હતો. ૨૦૧૪માં કિંગ્સ ઇલેવન પંજાબે તેને રિલીઝ કર્યા બાદ તેને ખરીદવામાં કોઈ ફ્રેન્ચાઈઝી રસ દાખવ્યો નહતો.

અત્યાર સુધીમાં કુલ રૂ. ૬૧૦૦ કરોડની બોલી

૨૦૦૮થી રમાતી આઇપીએલના અત્યાર સુધીના હરાજીના ઇતિહાસને જોઇએ વિશ્વભરના ૭૮૯ ખેલાડીઓને લગભગ ૬૧૦૦ રૂપિયા મળી ચૂક્યા છે. સૌથી વધારે નાણાં ભારતીય ખેલાડીને મળ્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સને મળ્યા છે. કુલ ૧૬ દેશના પ્લેયર્સ આ લીગમાં રમી ચૂક્યા છે.
પ્રારંભિક સિઝન ૨૦૦૮થી અત્યાર સુધી કુલ ૬૧૪૪ કરોડ રૂપિયામાંથી ૩૪૩૩ કરોડ ભારતીય ખેલાડીઓને મળ્યા છે. આ કુલ રકમના લગભગ ૫૭ ટકા છે. આ દરમિયાન ૪૮૫ ભારતીય ખેલાડીઓ ઉપર બોલી લાગી હતી. ચેન્નઇ સુપર કિંગ્સનો સુકાની ધોની ૧૫૦ કરોડની સેલેરી મેળવનાર એકમાત્ર ખેલાડી છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી બીજા ક્રમે

ઓસ્ટ્રેલિયાના ૯૪ ખેલાડીઓને અત્યાર સુધી ૯૦૫.૯ કરોડ એટલે કે ૯૦૬ કરોડ રૂપિયા મળ્યા છે. સાઉથ આફ્રિકાના ૫૬ ખેલાડીઓને ૫૩૯ કરોડ મળ્યા છે. વેસ્ટ ઇન્ડિઝના ૩૩ ખેલાડીઓને ૪૫૮.૪ કરોડ, ઇંગ્લેન્ડના ૩૩ ખેલાડીઓને ૨૮૫.૯૬ કરોડ રૂપિયા મળ્યા છે. ન્યૂઝીલેન્ડના ૩૧ ખેલાડીઓ ૨૧૧.૬૬ તથા શ્રીલંકાના ૨૭ ખેલાડીઓ ૧૯૫.૯૩ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યા છે.

સૌથી મોંઘેરા ટોપ-૫ ખેલાડીઓ

• ક્રિસ મોરિસ
રાજસ્થાન રોયલ્સ, રૂ. ૧૬.૨૫ કરોડ

• કેયલ જેમિસન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ. ૧૫ કરોડ

• ગ્લેન મેક્સવેલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ. ૧૪.૨૫ કરોડ

• જેયલ રિચાર્ડસન
પંજાબ, રૂ. ૧૪ કરોડ

• ક્રિષ્ણપ્પા ગૌતમ
ચેન્નઇ સુપરકિંગ્સ, રૂ. ૯.૨૫ કરોડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter