આઇપીએલમાં આવતા વર્ષે બે નવી ટીમ સામેલ કરાશેઃ અમદાવાદની એન્ટ્રી લગભગ પાક્કી

Sunday 12th September 2021 06:01 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) આગામી ૨૦૨૨ની આઇપીએલમાં વધુ બે ટીમ સામેલ કરવાની જાહેરાત કરી છે. એક અંદાજ પ્રમાણે આ બે ટીમના ઉમેરાથી ભારતીય ક્રિકેટ બોર્ડને અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની આવક થશે.
આમ તો છેલ્લા બે વર્ષથી આઇપીએલમાં બે ટીમ નવી ઉમેરવાની વાત ચાલતી હતી અને તેમાં અમદાવાદની ટીમ બીડમાં અચૂક સફળતા મેળવશે તેમ મનાતું હતું. જોકે અમદાવાદની ટીમનું હોમ ગ્રાઉન્ડ બનવાની શક્યતા ધરાવતા મોટેરા સ્ટેડીયમનું નવનિર્માણ ચાલતું હતું અને તે પછી કોરોનાને લીધે આઈપીએલનું આયોજન જ ખોરવાયું હતું. હજુ ૨૦૨૧ની આઈપીએલ પણ અધુરી છે, જેની બાકી મેચો અને ફાઇનલ આગામી દિવસોમાં યુએઇમાં રમાશે.
આગામી આઇપીએલ ૨૦૨૨માં રમાશે. અને આશા છે કે આવતા વર્ષે માર્ચમાં ઘરઆંગણે આઇપીએલ યોજવા માટે કોરોના બાધારુપ નહીં નીવડે. એટલું જ નહીં, પ્રેક્ષકો પણ વિશ્વના સૌથી વધુ પ્રેક્ષકો સમાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં મેચની મજા માણી શકશે.
કંપનીઓની દાવેદારી પર નજર
જે બે ટીમને આઈપીએલમાં ૨૦૨૨થી સામેલ થવું હોય તે માટેની પ્રક્રિયા પારદર્શક રહેશે તેવી ખાતરી ભારતીય ક્રિકેટ બોર્ડે આપી છે અને ટેન્ડર માટેના તેવા નિયમો બનાવ્યા છે. એવું માનવામાં આવે છે કે અમદાવાદ, પૂણે અને લખનૌ એ ત્રણ ટીમ માટે તો કંપનીઓમાં મુખ્ય સ્પર્ધા જામશે. અન્ય કોઈ શહેર માટે પણ કંપની આશ્ચર્ય સર્જતા ટેન્ડર ભરે તો પણ નવાઈ નહીં કેમ કે આઈપીએલ ક્રિકેટ વિશ્વની સૌથી હાઈ પ્રોફાઈલ અને પ્રતિષ્ઠિત લીગ બની ચુકી છે.
આઠના બદલે દસ ટીમ
આઇપીએલમાં ભૂતકાળમાં પણ ૧૦ ટીમોની લીગ રમાઈ ચૂકી છે. વર્ષ ૨૦૧૧માં જ્યારે પૂણે વોરિયર્સ અને કોચીન ટસ્કર્સને આઇપીએલમાં સામેલ કરવામાં આવી તે વર્ષે ૧૦ ટીમોએ આઇપીએલમાં ભાગ લીધો હતો. હવે જ્યારે આઇપીએલમાં આવતા વર્ષે બે નવી ટીમો જોડાશે ત્યારે ફરી વખત ૨૦૧૧ના ફોર્મેટને જ અનુસરવામાં આવશે તેમ મનાય છે. છેલ્લે આઇપીએલમાં આઠથી વધુ ટીમો રમી હોય તેવી ઘટના વર્ષ ૨૦૧૩માં બની હતી. તે સમયે નવ ટીમોએ આઇપીએલમાં ભાગ લીધો હતો. તે સમયે કુલ ૭૬ મેચોનું આયોજન કરાયું હતું.
અદાણી - ટોરેન્ટ મેદાનમાં ઉતરશે?
આઈપીએલમાં હાલ આઠ ટીમ છે. જેમાં મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ, હૈદરાબાદ સનરાઈઝર્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ ઈલેવન અને રાજસ્થાન રોયલ્સનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં ચેન્નાઈ અને રાજસ્થાન સસ્પેન્ડ થઇ હતી ત્યારે ગુજરાત અને પુણેની ટીમનો સમાવેશ થયો હતો, જે કરાર મર્યાદિત વર્ષ માટેનો જ હતો. મોટેરા સ્ટેડિયમ નવનિર્મિત થતું હતું ત્યારથી જ એવી હવા જામેલી છે કે અદાણી કંપની અમદાવાદની ટીમ ખરીદવામાં રસ બતાવશે. આ વખતે અદાણી ઉપરાંત ટોરેન્ટ, કોલકાતા સ્થિત આર. પી. સંજીવ ગોએન્કા ગ્રુપ, ઓરબિંદો ફાર્મા અને એક ખાનગી બેંક સહિત કેટલીક કંપનીઓને અમદાવાદ, પૂણે, લખનૌ, ગૌહાતી, ઇન્દોર, કોચી, રાયપુર, ઇન્દોર, ત્રિવેન્દ્રમ વગેરે માટે ટેન્ડર ભરવાની ઈચ્છા હોય તેમ જણાય છે.
ટીમની બેઝપ્રાઇઝ રૂ. ૨૦૦૦ કરોડ
ટેન્ડર ભરવાની આખરી તારીખ પાંચ ઓક્ટોબર જાહેર થઇ છે. જે કંપની આઈપીએલ ટીમ બનાવવા માંગતી હોય તેણે રૂપિયા ૧૦ લાખ ભરીને ટેન્ડર ફોર્મ મેળવાના રહેશે. અગાઉ ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ પણ કંપની મેદાનમાં ટીમ ઉતારવા માંગતી હોય તો બેઝ પ્રાઈઝ રૂ. ૧૭૦૦ કરોડ રાખવા માંગતી હતી પણ હવે તે રૂ. ૨૦૦૦ કરોડ રાખવાનું નક્કી કરાયું છે. જે રીતે બીડ માટે હરિફાઈનું વાતાવરણ છે તે જોતાં બે ટીમ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ રૂપિયા ૫૦૦૦ કરોડ જેટલી રકમ મેળવશે તેમ મનાય છે. કુલ દસ ટીમ થતા ૨૦૨૨ની આઈપીએલ ૭૪ મેચોની યોજવામાં આવશે. જે કંપનીનું ટર્ન ઓવર રૂપિયા ૩૦૦૦ કરોડનું હશે તે જ બીડમાં ભાગ લઇ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter