આઇપીએલમાં ચેન્નઇ સૌથી મોખરેઃ પંજાબ, દિલ્હી તળિયે

Wednesday 13th May 2015 06:55 EDT
 

મુંબઇઃ પહેલાં કિંગ્સ ઇલેવન પંજાબ અને પછી દિલ્હી ડેરડેવિલ્સ આઇપીએલ સિઝન-૮ના ટાઇટલ માટેની સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગયા છે. પંજાબ કિંગ્સ ઇલેવનનો તો સમગ્ર ટૂર્નામેન્ટમાં એટલો ખરાબ દેખાવ રહ્યો હતો કે તેની વિદાય નક્કી જ હતી. દિલ્હી ડેરડેવિલ્સનો પણ નબળો દેખાવ રહ્યો છે, પરંતુ મંગળવારે રાયપુરમાં રમાયેલી મેચમાં તેણે ઝમકદાર દેખાવ કરતાં ચેન્નઇ સુપરકિંગ્સને છ વિકેટે પરાજય આપ્યો. ચેન્નઇ સુપરકિંગ્સે ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૧૯ રન કર્યા હતા. આની સામે દિલ્હી ડેરડેવિલ્સ ચાર વિકેટના ભોગે વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું.
પંજાબ વિ. હૈદરાબાદ
ડેવિડ મિલરે ૪૪ બોલમાં સ્ફોટક ૮૯ રનની અણનમ ઇનિંગ્સ રમી હોવા છતાં કિંગ્સ ઇલેવન પંજાબનો હૈદરાબાદમાં રમાયેલી મેચમાં ભારે રસાકસી બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પાંચ રને પરાજય થયો હતો. સોમવારે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર હૈદરાબાદે કેપ્ટન વોર્નરના ૮૧ રનથી પાંચ વિકેટે ૧૮૫ રન કર્યા હતા. આની સામે પંજાબની ટીમ સાત વિકેટે ૧૮૦ રન કર્યા હતા.
બેંગ્લોર વિ. મુંબઇ
મેન ઓફ ધ મેચ ડીવિલિયર્સની બીજી સદી અને કેપ્ટન વિરાટ કોહલી સાથે તેણે બીજી વિકેટ માટે નોંધાવેલી વિક્રમી ૨૧૫ રનની અણનમ ભાગીદારીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ૩૯ રને પરાજય આપ્યો હતો. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરનાર બેંગ્લોરે એક વિકેટે ૨૩૫ રન કર્યા હતા, જેના જવાબમાં મુંબઈની ટીમ સાત વિકેટે ૧૯૬ રન કરી શકી હતી.
ચેન્નઇ વિ. રાજસ્થાન
મેક્કુલમના શાનદાર ૮૧ રન બાદ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ૧૧ રનમાં ચાર વિકેટ ઝડપતાં ચેન્નઈ સુપરકિંગ્સે ઘરઆંગણે રમાયેલી લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને ૧૨ રને પરાજય આપ્યો હતો. રવિવારે રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ચેન્નઈના પાંચ વિકેટે ૧૫૭ રનના જવાબમાં રાજસ્થાનની ટીમ નવ વિકેટે ૧૪૫ રન કરી શકી હતી.
હૈદરાબાદ વિ. દિલ્હી
હૈદરાબાદે પ્લેઓફમાં પ્રવેશની આશાને જીવંત રાખતાં ગયા શનિવારે દિલ્હી સામે છ રને વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે હેનરિક્સના અણનમ ૭૪ રનની મદદથી ચાર વિકેટે ૧૬૩ રન કર્યા હતા. જવાબમાં દિલ્હી ચાર વિકેટે ૧૫૭ રન જ કરી શકી હતી. આ સાથે દિલ્હીની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
કોલકતા વિ. પંજાબ
આન્દ્રે રસેલ (૫૧) તથા યુસુફ પઠાણે (૨૯) નોંધાવેલી મેચવિનિંગ ભાગીદારીની મદદથી કોલકતા નાઇટરાઇડર્સે ગયા શનિવારે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને એક બોલ બાકી રાખીને એક વિકેટે પરાજય આપ્યો હતો. ટાઇટલની હોડમાંથી બહાર નીકળી ગયેલી પંજાબની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટે ૧૮૩ રન કર્યા હતા. કોલકતાએ ૧૯.૫ ઓવરમાં નવ વિકેટેના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. રસેલ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
મુંબઈ વિ. ચેન્નઇ
પાર્થિવ પટેલના આક્રમક ૪૫ અને રાયડુના ઝંઝાવાતી ૧૯ બોલમાં ૩૪ રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને તેના જ હોમ ગ્રાઉન્ડમાં છ વિકેટે પરાજય આપ્યો હતો. ગયા શુક્રવારે ચેન્નઇમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. જવાબમાં મુંબઈની ટીમે ઇનિંગ્સના ચાર બોલ બાકી હતા ત્યારે ચાર વિકેટના ભોગે ૧૫૯ રન કરીને મેચ જીતી લીધી હતી.
કોલકતા વિ. દિલ્હી
કોલકતાએ ગયા ગુરુવારે હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં સ્પિનર પીયૂષ ચાવલાની શાનદાર બોલિંગ વડે દિલ્હી ડેરડેવિલ્સને ૧૩ રને પરાજય આપીને પોઇન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. કોલકતાએ પ્રથમ બેટિંગ કરતાં સાત વિકેટે ૧૭૧ રન કર્યા હતા. જોકે દિલ્હીની ટીમ છ વિકેટે ૧૫૮ રન જ કરી શકી હતી. ૨૨ રન કરવા ઉપરાંત ચાર વિકટે લેનાર ચાવલા મેન ઓફ ધ મેચ થયો હતો.
બેંગલોર વિ. પંજાબ
વેસ્ટ ઇન્ડિઝના સ્ફોટક બેટસમેન ગેઇલની સદી અને મિચેલ સ્ટાર્ક તથા શ્રીનાથ અરવિંદની વેધક બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબને ૧૩૮ રને પરાજય આપ્યો હતો. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૨૬ રન કર્યા હતા. જવાબમાં પંજાબની ટીમ ફક્ત ૮૮ રનમાં આઉટ થઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ માટે ક્રિસ ગેઇલે ઝંઝાવાતી શરૂઆત કરતા શાનદાર સદી ફટકારી હતી. ગેઈલે ૫૭ બોલમાં ૧૧૭ રન કર્યા હતા. બેંગ્લોર માટે મિચેલ સ્ટાર્ક અને શ્રીનાથ અરવિંદે ચાર-ચાર વિકેટ લીધી હતી. આ પરાજય સાથે જ પંજાબની ટીમ ટૂર્નામેન્ટમાંથી આરે થવાને આરે પહોંચી ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter