આઇપીએલમાં ચેન્નઈ ‘સુપરકિંગ’

Wednesday 20th October 2021 07:36 EDT
 
 

દુબઈઃ ઓપનર ફાફડુ પ્લેસિસના આક્રમક ૮૬ રન બાદ શાર્દુલ ઠાકુરે મિડલ ઓર્ડરને વેરવિખેર કરતા ચેન્નઈ સુપરકિંગ્સે આઇપીએલ ટી૨૦ લીગની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઈડર્સને ૨૭ રનથી હરાવીને ચોથી વખત ચેમ્પિન બનવાની સિદ્ધિ મેળવી હતી. ચેન્નઈની ટીમ કુલ નવમી વખત ફાઈનલમાં પ્રવેશી હતી. આ અગાઉ ટીમ ૨૦૧૦, ૨૦૧૧ તથા ૨૦૧૮માં ચેમ્પિયન બની હતી. ટોસ જીતીને કોલકાતાએ પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ ત્રણ વિકેટ ૧૯૨ રન બનાવ્યા તા. જેના જવાબમાં કોલકાતાની ટીમ ૯ વિકેટે ૧૬૫ રન બનાવી શકી હતી.
આઈપીએલના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ સર્વાધિક પાંચ વખત ચેમ્પિયન બની છે. ચેન્નઈ ચેમ્પિયન બનવાની સાથે કોલકાતા સામેની ૨૦૧૨ની ફાઈનલનો હિસાબ પણ સરભર કર્યો હતો. કોલકાતાની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમી રહી હતી. તે અગાઉ ૨૦૧૨માં તથા ૨૦૧૪માં ચેમ્પિયન બની હતી.

ધોની વિશ્વનો પ્રથમ ખેલાડી
આઇપીએલ ૨૦૨૧ની સિઝનની ફાઇનલમાં ટોસ માટે મેદાનમાં ઊતરતાની સાથે ચેન્નઇ સુપરકિંગ્સના સુકાની ધોનીએ રેકોર્ડ નોંધાવ્યો હતો. ટી૨૦ ક્રિકેટમાં સુકાની તરીકે ૩૦૦ મેચ પૂરી કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે અત્યાર સુધી આઇપીએલ, ટી૨૦ ઇન્ટરનેશનલ તથા ચેમ્પિયન્સ લીગ ટી૨૦માં ટીમનું નેતૃત્વ કર્યું છે. આઇપીએલમાં તે હાઇએસ્ટ મેચ જીતનાર સુકાની પણ છે. ઇન્ટરનેશનલ ટી૨૦માં ધોનીએ ભારતનું ૭૨ મેચમાં નેતૃત્વ કર્યું છે અને તેણે ૪૧ મેચમાં વિજય અને ૨૮ મેચમાં પરાજય મળ્યો હતો. ચેન્નઇ માટે તેણે ૨૧૩ મેચમાં કેપ્ટનશિપ કરી છે અને ૧૩૦ વિજય હાંસલ કર્યા હતા. પૂણે ટીમ માટે તેણે સુકાની તરીકે ૧૪ મેચ જીતી હતી.

ઓરેન્જ કેપ: ઋતુરાજ યંગેસ્ટ પ્લેયર બન્યો
ચેન્નઇ સુપરકિંગ્સના યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડે ફાઇનલમાં પોતાની ટીમ માટે ૨૭ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગ વડે વર્તમાન સિઝનની ઓરેન્જ કેપ પોતાના નામે કરી લીધી હતી. આઇપીએલમાં ઓરેન્જ કેપ મેળવનાર યંગેસ્ટ પ્લેયર બન્યો છે. તેણે ૨૪ વર્ષ અને ૨૫૭ દિવસની વયે આ સિદ્ધિ મેળવી હતી. ફાફડુ પ્લેસિસે ૬૩૩ રન સાથે બીજા ક્રમે પહોંચીને પંજાબ કિંગ્સના લોકેશ રાહુલને (૬૨૬) પાછળ રાખી દીધો હતો. ઋતુરાજે ૧૬ મેચમાં ૪૫.૩૫ની સરેરાશથી ૬૩૫ રન બનાવ્યા હતા. તેણે એક સદી અને ચાર અડધી સદી નોંધાવી હતી. તેણે કુલ ૬૪ બાઉન્ડ્રી અને ૨૩ સિક્સર ફટકારી હતી.

પર્પલ કેપ: ૩૨ વિકેટ સાથે હર્ષલ મોખરે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પેસ બોલર હર્ષલ પટેલે વર્તમાન સિઝનમાં ઘાતક બોલિંગ કરીને ૧૫ મેચમાં હાઇએસ્ટ ૩૨ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઇકોનોમી રેટ ૮.૧૪નો અને સરેરાશ ૧૪.૩૪ની રહી હતી. હર્ષલે તેની આઇપીએલ કારકિર્દીમાં આ વખતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે એક મેચમાં ચાર વિકેટ હાંસલ કરી હતી. હર્ષલે ઓવરઓલ આઇપીએલની ૬૩ મેચમાં ૭૮ વિકેટ ઝડપી છે. દિલ્હી કેપિટલ્સનો અવેશ ખાન ૧૪ મેચમાં ૨૪ વિકેટ સાથે બીજા ક્રમે રહ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સનો જસપ્રીત બુમરાહ ૨૧ વિકેટ સાથે ત્રીજા, પંજાબ કિંગ્સનો મોહમ્મદ શમી (૧૯ વિકેટ) ચોથા ક્રમે રહ્યો હતો.

૧૫મી સિઝનમાં ૧૦ ટીમો રમશે
આગામી વર્ષે ૨૦૨૨માં રમાનારી આઇપીએલની ૧૫મી સિઝનમાં વધુ બે ટીમનો ઉમેરો થશે અને કુલ ૧૦ ટીમો ભાગ લેશે. નવી બે ટીમોની હરાજી સંભવિત ચાલુ વર્ષના અંત સુધીમાં થઈ જાય તેવી સંભાવના છે. બીજી તરફ આગામી વર્ષના જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં ખેલાડીઓની હરાજી પણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter