આઇપીએલમાં હવે અમદાવાદ અને લખનઉની એન્ટ્રી

Wednesday 27th October 2021 01:13 EDT
 
 

દુબઈઃ ટ્વેન્ટી૨૦ ક્રિકેટના મહાકુંભ ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સામેલ થનારી બે નવી ટીમોના નામની આખરે સોમવારે જાહેરાત થઈ ચૂકી છે. આ સાથે જ ૨૦૨૨ની સિઝનમાં આઠના બદલે દસ ટીમો મેદાનમાં ઉતરશે તે નક્કી થઇ ગયું છે. આ ટીમો અમદાવાદ અને લખનઉની છે. અમદાવાદની ટીમને સીવીસી કેપિટલ્સે રૂ. ૫૬૨૫ કરોડમાં જ્યારે લખનઉની ટીમને આર.પી. સંજીવ ગોયેન્કા ગ્રૂપે રૂ. ૭૦૯૦ કરોડમાં ખરીદી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અમદાવાદની ટીમ માટે છેક શરૂથી અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ સ્પર્ધામાં હતા, પણ ટીમ કોઇ ત્રીજું ગ્રૂપ લઇ ગયું છે. બંને ટીમો તરફથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને રૂ. ૧૨,૭૧૫ કરોડ રૂપિયા મળ્યા છે. 

આશ્ચર્યજનક એન્ટ્રી
અમદાવાદની ટીમ તમામ ચાહકો જ નહીં પણ કદાચ બીસીસીઆઈ અને કોર્પોરેટ જગતના આશ્ચર્ય વચ્ચે લક્સમબર્ગમાં હેડ કવાર્ટર છે અને સિંગાપુરનું ફંડિગ ધરાવે છે તેવી સીવીસી કેપિટલ્સે રૂ. ૫૬૨૫ કરોડમાં ખરીદી છે. સીવીસી કેપિટલ્સ પાછળ રિલાયન્સનો પડછાયો હોવાનું મનાય છે. તેઓનું ટીમ મેનેજમેન્ટની રીતે કે ખરીદીમાં 'બેકિંગ' હોઇ શકે તેવા અહેવાલ છે. લખનઉની ટીમની માલિકી ગોયેન્કાના એલ.જી. ગ્રૂપે રૂ. ૭૦૯૦ કરોડની હાઇએસ્ટ બીડ સાથે મેળવી છે.
ક્રિકેટ વર્તુળમાં એવી પ્રબળ માન્યતા હતી કે અદાણી ગ્રૂપ જ અમદાવાદની ટીમ ખરીદશે, પણ અદાણી ઉપરાંત ટોરેન્ટ ગ્રૂપ પણ તુલનાત્મક રીતે ઓછી બીડિંગ સાથે આઉટ થઈ ગયા હતા. અદાણી ગ્રૂપે અમદાવાદ માટે રૂ. ૫૧૦૦ કરોડ જ્યારે ટોરેન્ટ ગ્રૂપે રૂ. ૪૬૫૩ કરોડની બીડ લગાવી હતી.
ગોએન્કા ભૂતકાળમાં ૨૦૧૬ અને ૨૦૧૭ માં બે વર્ષ માટે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટસની ટીમના માલિક રહી ચૂકયા છે તેથી તેઓને બીડિંગ પ્રક્રિયા પર ફાવટ હતી, જે તેને કામ લાગી હતી.

સંજીવ ગોયન્કાએ જણાવ્યું હતું કે, આઇપીએલમાં પાછા ફરવાનો આનંદ થયો છે. હજું આ શરૂઆત છે અને અમે સારી ટીમ બનાવીશું. નોંધનીય છે કે, ગોયન્કા ગ્રૂપે અગાઉ પૂણે ફ્રેન્ચાઈઝી ખરીદી હતી અને ટીમ ૨૦૧૬ તથા ૨૦૧૭ની સિઝનમાં મેદાનમાં પણ ઉતરી હતી. ૨૦૨૨ની સિઝનમાં તમામ ટીમો ૧૪ મેચો રમશે. જેમાં સાત હોમ ગ્રાઉન્ડ પર જ્યારે સાત અન્ય ગ્રાઉન્ડમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ ૭૪ મુકાબલા રમાશે.

ઇતિહાસની સૌથી મોંઘી ટીમો
બીસીસીઆઈએ બે નવી ટીમો માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખી હતી. હરાજીમાં ધાર્યા કરતાં વધારે રકમની બોલી લાગશે તેવી સંભાવના હતી જ. આ પહેલા ૨૦૧૦માં સહારા ગ્રૂપે પૂણે ફ્રેન્ચાઈઝીને ૩૭૦ મિલિયન ડોલરમાં ખરીદી હતી. ૨૦૦૮માં રિલાયન્સ ગ્રૂપે મુંબઈ ઈન્ડિયન્સને ૧૧.૦ મિલિયન ડોલરમાં ખરીદી હતી. આમ લખનઉની ટીમ ઇતિહાસની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. વિવિધ કોર્પોરેટ ગ્રૂપને ટીમ ખરીદવા માટે દાખવેલા ઉત્સાહને જોઈને બીસીસીઆઈએ બે વખત હરાજીની તારીખ બદલી હતી.

દિગ્ગજ કોર્પોરેટ હાઉસ સ્પર્ધામાં
અદાણી ગ્રૂપ, હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયા, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, ઓલ કાર્ગો, સીવીસી, એસજી ગ્રૂપ, કોટક ગ્રૂપ તેમજ માંચેસ્ટર યુનાઈટેડ અને ગ્લેઝર્સ કંપનીએ ટેન્ડર ભર્યા હતા. ધોનીની અગાઉની મેનેજમેન્ટ કંપની રહિતી સ્પોર્ટ્સનું ટેન્ડર ટેકનિકલ કારણોસર રદ થયું હતું. અદાણીના પ્રતિનિધિ બીડિંગ વખતે બીસીસીઆઈના એક સ્પોન્સરરને લઈને આવ્યા હતા, પણ તેમને હોલમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા.

આઇપીએલની વૈશ્વિક ઇમેજ
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલી, સેક્રેકટરી જય શાહ, વાઈસ પ્રેસિડેટ રાજીવ શુક્લા અને આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે ખાસ હાજરી આપી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડને આ બંને ટીમનો ઉમેરો થવાથી વધુ રૂ. ૧૨૬૯૦ કરોડની આવક પ્રાપ્ત થશે.
આઈપીએલની ઈમેજ વૈશ્વિક બનતી જાય છે તેની પ્રતિતી એ રીતે થઈ કે ફૂટબોલની માંચેસ્ટર યુનાઈટેડ અને ગ્લેઝર્સ જેવી કંપનીઓએ પણ બીડિંગમાં ઝૂકાવ્યું હતું.

સીવીસી ગ્રૂપ અને આરપીજી ગ્રૂપ ક્યા ક્ષેત્રે સક્રિય?
• સીવીસ ગ્રૂપઃ આ ગ્રૂપ એક પ્રાઇવેટ ઇક્વિટી અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ છે. તેણે યુરોપિયન અને એશિયન માર્કેટમાં જંગી મૂડીરોકાણ કરેલું છે. લા લીગા ફૂટબોલ, રગ્બી, ટેનિસ, મોટો જીપી રેસિંગ તથા જગવિખ્યાત એફ૧ રેસિંગમાં પણ સામેલ છે.
• આરપીજી ગ્રૂપઃ આ ગ્રૂપ એનર્જી, કાર્બન બ્લેક મેન્યુફેકચરિંગ, રિટેલ, આઇટી ઇનેબલ્ડ સર્વિસ, એફએમસીજી, મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટ તથા એગ્રિકલ્ચરના બિઝનેસમાં સામેલ છે. આ ગ્રૂપે ૨૦૧૫માં પૂણે ટીમ ખરીદી હતી અને ટીમ બે આઇપીએલ સિઝનમાં રમી પણ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter