આઇપીએલે ટીમ ઇંડિયાને આપ્યા નવા સ્ટારઃ ઉમરાન, મોહસિન જેવા પેસર્સ અને તિલક-રાહુલ જેવા બેટર

Sunday 12th June 2022 06:42 EDT
 
 

મુંબઇ: આઈપીએલ એક એવી ટૂર્નામેન્ટ છે જ્યાં ટેલેન્ટને તક મળે છે. દર વખતની જેમ આ વખતે પણ આઇપીએલમાં ઝડપી બોલર્સની નવી પેઢી જોવા મળી, જે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે. અમુક બેટર પણ ચમક્યા, જેનાથી ટીમ ઈન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત થવાની આશા છે.
આ ઉપરાંત હાર્દિક પંડ્યા તરીકે એવો કેપ્ટન મળ્યો, જે ભવિષ્યમાં માત્ર એક ફ્રેન્ચાઈઝની નહીં પણ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે. તેનું રિષભ પંત અને લોકેશ રાહુલની સરખામણીએ પલ્લુ ભારે છે. જાણીએ આવા જ ઉભરતા ખેલાડીઓ વિશે....
પેસ બોલિંગની નવી પેઢી
હૈદરાબાદના ઉમરાન મલિકે સતત 150 કિલોમીટરની ગતિથી બોલિંગ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. જમ્મુ-કાશ્મીરના 22 વર્ષીય ઉમરાને 14 મેચમાં 20.18ની એવરેજથી 22 વિકેટ ઝડપી, જેમાં ઈકોનોમી 9.03ની રહી. એક વખત 4 વિકેટ અને એક વખત 5 વિકેટ પણ ઝડપી.
લખનઉના મોહસિન ખાને ગતિ અને સારી લેન્થ સાથે બોલિંગ કરી સૌને પ્રભાવિત કર્યા. તેણે 9 મેચમાં 14 વિકેટ ઝડપી, જેમાં એવરેજ 14.07 અને ઈકોનોમી 5.96ની રહી. તેણે દિલ્હી વિરુદ્ધ 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી, જે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
દીપક ચાહરના ઈજાગ્રસ્ત થયા બાદ મુકેશ ચૌધરીને ચેન્નાઈની ટીમમાં સામેલ કરાયો હતો. આ ડાબોડી ઝડપી બોલરે પાવરપ્લે દરમિયાન સ્વિંગ અને સીમની ક્ષમતા દેખાડી. તેણે 13 મેચમાં 26.50ની એવરેજથી 16 વિકેટ ઝડપી, જેમાં ઈકોનોમી 9.31ની રહી. તેણે મુંબઈ વિરુદ્ધ 46 રનમાં 4 વિકેટ ઝડપી, જે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
પંજાબ કિંગ્સનો ઝડપી બોલર અર્શદીપ અંતિમ ઓવર્સમાં બોલિંગ કરીને ચર્ચામાં રહ્યો. ભલે તેને વધુ વિકેટો ન મળી હોય, પરંતુ તેણે સૌથી ઓછા રન આપી સૌને પ્રભાવિત કર્યા. તેણે 14 મેચમાં 7.70ની ઈકોનોમી સાથે રન આપ્યા અને 10 વિકેટ પણ ઝડપી. તેણે દિલ્હી વિરુદ્ધ 37 રનમાં 3 વિકેટ ઝડપી, જે તેનું સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું.
આક્રમક બેટર
મુંબઈના તિલક વર્માની પ્રશંસા ટીમના કેપ્ટન રોહિતે પણ કરી હતી. રોહિતે આ ડાબોડી બેટરને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનો દાવેદાર પણ ગણાવ્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ સિઝનની 14 મેચમાં 397 રન કર્યા. તે પોતાની ટીમનો બીજો હાઈએસ્ટ સ્કોરર રહ્યો. તેણે 2 અડધી સદી પણ ફટકારી. તેનો સ્ટ્રાઈક રેટ 131.02નો રહ્યો. 19 વર્ષીય તિલકે રાજસ્થાન વિરુદ્ધ 33 બોલમાં 61 રન કર્યા, જે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું.
​​​​​​​રાહુલ ત્રિપાઠીએ ઘણી વાર હૈદરાબાદ માટે ફિનિશરની ભૂમિકા ભજવી હતી. તેણે 14 મેચમાં 158.23ના સ્ટ્રાઈક રેટ સાથે 413 રન કર્યા, જેમાં 3 અડધી સદી સામેલ છે. તે ટીમનો બીજો ટોપ સ્કોરર રહ્યો. તેણે મુંબઈ વિરુદ્ધ 172.73ના સ્ટ્રાઈક રેટ સાથે 44 બોલમાં 76 રન કર્યા હતા. તે આક્રમક શોટ્સ રમવામાં માહેર છે. તે બાઉન્સી પિચો પર અને શોર્ટ બોલનો સરળતાથી સામનો કરી શકે છે.
પંજાબ કિંગ્સના જિતેશ શર્માએ તો વિરેન્દ્ર સેહવાગને પણ પ્રભાવિત કર્યો. તેના વિશે સેહવાગે કહ્યું કે જિતેશને તો ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર બેટર તરીકે સ્થાન મળવું જોઈએ. જિતેશે 12 મેચમાં 163.63ની સ્ટ્રાઈક રેટથી 234 રન કર્યા હતા. તે પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન કરનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે રહ્યો. તેના શોટમાં વિવિધતા છે. તે દર વર્ષે એક નવો શોટ શીખે છે.
ડેબ્યૂ સિઝનમાં ગુજરાતને જીતાડી ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી માટે દાવેદારી રજૂ કરી
કેપ્ટન્સી માટે દાવેદારી
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બનાવી. આના કારણે તેની દાવેદારી રિષભ પંત અને લોકેશ રાહુલની સરખામણીએ વધુ મજબૂત બની. તેણે ચોથા ક્રમે આવી ડિફેન્સિવ અને આક્રમક બંને પ્રકારના શોટ્સ સ્થિતિ અનુસાર રમ્યા હતા. સુનીલ ગાવસ્કર, માઈકલ વોન જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ કહી ચૂક્યા છે કે, તે ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન રહી શકે છે. ટી-20 વર્લ્ડ કપમાં તેના સામેલ થવાને કારણે વેંકટેશ અય્યરને બહાર થવું પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter