આઈપીએલ ૧૫ એપ્રિલ સુધી સ્થગિતઃ ભારત - સાઉથ આફ્રિકાની સીરિઝ પડતી મુકાઈ

Monday 16th March 2020 06:23 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ)એ દેશમાં કોરોના વાઈરસની પરિસ્થિતિ જોતાં ક્રિકેટરો, ઓફિસિઅલ્સ અને ચાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આઈપીએલ ટ્વેન્ટી-૨૦ને ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. આઈપીએલ ટૂર્નામેન્ટનો પ્રારંભ ૨૯મી માર્ચથી થવાના હતો.
આ ઉપરાંત ભારત અને સાઉથ આફ્રિકાની વન-ડે શ્રેણીને પણ હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આમ સાઉથ આફ્રિકાની ટીમ રમ્યા વિના જ સ્વદેશ પરત ફરશે. બંને દેશોના ક્રિકેટ બોર્ડ હાલની ત્રણ વન-ડે શ્રેણીનું હવે પછી નવેસરથી આયોજન કરવાના નિર્ણય સાથે હાલના તબક્કે આ શ્રેણી ન રમાડવા માટે સહમત થયા છે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયું છે.
અગાઉ હિમાચલ પ્રદેશનાં ધરમશાલામાં ૧૨મી માર્ચે રમાનારી ભારત અને સાઉથ આફ્રિકાની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ વરસાદે ધોઈ નાંખી હતી. આ પછી બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે, ભારત - સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણી ૧૫મી માર્ચે રવિવારે લખનઉમાં અને ૧૮મી માર્ચે બુધવારે કોલકાતામાં રમાનારી વન-ડે બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના જ રમાડાશે. જોકે હવે આ મેચો પણ રદ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter