કાનપુરઃ આઈપીએલમાં ફરી મેચફિક્સિંગ, સટ્ટાકૌભાંડ અને તેમાં ગુજરાત લાયન્સના બે ખેલાડીની સંભવિત સંડોવણીની ઘટનાએ ક્રિકેટ વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. કાનપુરમાં ગુજરાત લાયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ ટીમના ખેલાડીઓ જે હોટલમાં ઉતર્યા હતા તે જ હોટલમાં રહેતા ત્રણ શખ્સોની પોલીસે રૂ. ૪૦ લાખની સટ્ટાની રકમ અને પાંચ મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી છે.
રમેશ નયન શાહ, રમેશ કુમાર અને વિકાસ ચૌહાણ નામના આ ત્રણ શખસોએ પુછપરછ દરમ્યાન તેઓ કઈ રીતે સટ્ટો ખેલે છે તેની કબુલાત સાથે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાત લાયન્સના બે ખેલાડીઓ પણ કૌભાંડમાં સામેલ છે. પોલીસને તેઓએ આ ખેલાડીઓના નામ પણ જણાવી દીધા છે, પણ પોલીસે હાલ તેમના નામ જાહેર નથી કર્યા. કાનપુર શહેરની 'લેન્ડમાર્ક' હોટલમાં બંને ટીમો રહેતી હતી ત્યારે ૧૭મા માળે આ ત્રણ વ્યક્તિઓ રહેતી હતી.
આરોપીઓના મોબાઈલમાં ગ્રીન પાર્કની પીચના બંને છેડાના ક્લોઝ અપ ફોટાઓ હતા જે અજમેરમાં અન્ય બુકી બન્ટીને ફોરવર્ડ કરાયા હતા.
રમેશ શાહે અજમેરમાં બન્ટીને વ્હોટ્સ એપ મેસેજ મોકલીને જણાવ્યું હતું કે ‘બંને ખેલાડીઓ જોડે ગોઠવણ થઈ ગઈ છે અને તેઓ આપણે કહેશું તેમ કરશે.’ એક મેસેજ એવો હતો કે ગુજરાત લાયન્સ ૨૦૦ રન કરશે તો પણ મેચ હારી જશે. ૧૦ મેના રોજ રમાયેલી તે મેચમાં ગુજરાતે ૧૯૫ રન કર્યા હતા અને દિલ્હી ૧૯.૪ ઓવરોમાં ૮ વિકેટે ૧૯૭ રન બનાવી જીત્યું હતું. ગુજરાત અને દિલ્હી બંનેની ટીમ સ્પર્ધામાંથી બહાર છે.