લંડનઃ એક સમયે ઇંગ્લેન્ડ માટે ફૂટબોલ વર્લ્ડ કપ રમનાર પૂર્વ ગોલકીપર નાઇજલ માર્ટિન હવે 59 વર્ષની વયે ફરીથી દેશની જર્સી પહેરશે. તફાવત માત્ર એટલો છે કે આ વખતે તેઓ ફૂટબોલના ગોલપોસ્ટ સામે નહીં, પણ ક્રિકેટમાં વિકેટ પાછળ ગ્લોવ્ઝ પહેરીને ઊભા રહેશે.
માર્ટિને ક્રિસ્ટલ પેલેસ અને એવર્ટન જેવા પ્રતિષ્ઠિત ક્લબો માટે 666 મેચ રમી છે. તેઓ 1998 અને 2002ના ફીફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ટીમનો ભાગ હતા. પોતાના સમયમાં તેઓ 1 મિલિયન પાઉન્ડની ટ્રાન્સફર ફી મેળવનારા પ્રથમ ગોલકીપર બન્યા હતા. જોકે, ફૂટબોલની સાથે ક્રિકેટ હંમેશાં તેમનો પહેલો પ્રેમ રહ્યો હતો. બાળપણમાં તેઓ ગોલપોસ્ટ કરતા ક્રિકેટ વિકેટ પાછળ વધુ ખુશ રહેતા, પણ પ્રોફેશનલ ફૂટબોલ કરિયરને કારણે ક્રિકેટ પાછળ છૂટી ગયું હતું. 2006માં નિવૃત્તિ પછી તેમની જિંદગીમાં ખાલીપો આવ્યો હતો. પરંતુ ફિટનેસ સુધરતા જ તેમણે ફરી ક્રિકેટ બેટ અને ગ્લોવ્ઝ ઉપાડી લીધા અને યોર્કશાયર કાઉન્ટી ટીમમાં મોટું નામ બનાવ્યું. હવે માર્ટિન દર સપ્તાહે યોર્કશાયરમાં ક્લબ મેચ રમે છે અને પછી આશરે 1280 કિમી ડ્રાઇવ કરીને કોર્નવોલની ઓવર-50 ટીમમાં રમવા જાય છે. આ મહેનત રંગ લાવી અને હવે ઇંગ્લેન્ડની 60+ ક્રિકેટ ટીમ ‘લાયન્સ’માં તેમની પસંદગી થઈ ગઈ છે. તેમની ફિટનેસ પાછળ તેમની ફિઝિયોથેરાપિસ્ટ પુત્રીનો પણ મોટો હાથ છે, જ્યારે માર્ટિન જીમ છોડવાની વાત કરે છે, ત્યારે તેમની પુત્રી તેમને ફરી ટ્રેનિંગ પર મોકલી દે છે. માર્ટિનનું સપનું હવે વધુ એક વર્લ્ડ કપ રમવાનું છે. આ વખતે ફૂટબોલ નહીં, પરંતુ સીનિયર ક્રિકેટ વર્લ્ડ કપ! તેઓ કહે છે, ‘જો તક મળશે તો ઇંગ્લેન્ડ માટે ફરીથી રમવું મારા માટે સૌથી મોટું સન્માન હશે.' માર્ટિનની વાર્તા માત્ર રમતની નથી, પરંતુ જુસ્સા, ફિટનેસ અને ક્યારેય હાર ન માનવાની મિસાલ છે.
માર્ટિન માને છે કે, ‘વય માત્ર એક નંબર છે. ગોલકીપિંગ અને વિકેટકીપિંગમાં ઘણી સમાનતા છે; બંનેમાં તેજ નજર, હાથોનું તાલમેલ અને ડાઇવ લગાવવાની કળા જરૂરી છે. આજ કારણ છે કે ફૂટબોલના અનુભવે મને ક્રિકેટમાં પણ મદદ કરી છે.’


