ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું નિધન

Friday 08th January 2021 04:24 EST
 
 

લંડનઃ ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું નિધન થયું છે. ઇંગ્લેન્ડની ટીમ માટે ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર જેકમેનનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ પછી તેમનો પરિવાર ઇંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો. તેમણે ૧૯૬૬થી ૧૯૮૨ દરમિયાન ૧૪૦૦ વિકેટ ઝડપી હતી. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેઓ દક્ષિણ આફ્રિકામાં કોમેન્ટ્રેટર બન્યા હતા.
રોબિન જેકમેનના નિધન પર દુખ વ્યક્ત કરતાં આઇસીસીએ કહ્યું કે, અમે મહાન કોમેન્ટ્રેટર અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર રોબિન જેકમેનના નિધનથી દુખી છીએ. તેમનું ૭૫ વર્ષની વયે નિધન થયું. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ સંવેદનાઓ.
ઉલ્લેખનીય છે કે, રોબિન જેકમેનનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ થયો હતો. તેમનો જન્મ સિમલામાં થયો હતો અને તે સમયે સિમલા પંજાબનો ભાગ હતું. તેમને ૨૦૧૨માં ગળાના કેન્સરનું નિદાન થયું હતું. ઇંગ્લેન્ડની ટીમમાંથી નિવૃત્તિ લીધા પછી તેઓ પત્ની સાથે દક્ષિણ આફ્રિકા સ્થાયી થયા હતા.
ઇંગ્લેન્ડની ટીમ તરફથી ૪ ટેસ્ટ અને ૧૫ વન-ડે મેચ રમનારા રોબિન જેકમેને ૩૯૯ પ્રથમ વર્ગની મેચોમાં ૧૪૦૨ વિકેટ ઝડપી હતી. ૧૯૭૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર જેકમેને ૧૯૮૩માં છેલ્લી મેચ રમી હતી. જોકે, તેની પ્રથમ વર્ગની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ૧૯૬૬માં થઈ હતી અને ત્યારથી તે ૧૯૮૨ સુધી ક્રિકેટ રમતા હતા.
ઉલ્લેખનીય છે કે ગત ૨૪ ડિસેમ્બરે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર જોન એડ્રિચનું ૮૩ વર્ષની વયે નિધન થયું હતું. તેમને ૨૦૦૦માં લ્યુકેમિયાનું નિદાન થયું હતું. તેમણે સરે કાઉન્ટી તરફથી રમતા ૧૦૩ ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી ફટકારી હતી. તેઓ ૭૭ ટેસ્ટ રમ્યા હતા અને ૪૩.૫૪ની સરેરાશે ૫,૧૩૭ રન કર્યા હતા.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર ઇયાન બોથમે ટ્વિટર પર જણાવ્યું હતું કે ક્રિસમસ દિવસની સવારે આ પ્રકારના સમાચાર સાંભળી નિરાશા થઈ. ઈસીબીના સીઈઓ ટોમ હેરિસને જણાવ્યું હતું કે અમે ઇંગ્લેન્ડ તરફથી પાંચ હજારથી વધારે રન કરનારા ગણ્યાંગાંઠ્યા ખેલાડીમાં એક શાનદાર ડાબોરી ઓપનર ગુમાવ્યો છે. તેમણે ન્યૂઝીલેન્ડ સામે ૧૯૬૫માં કરેલ ૩૧૦ રન ઈંગ્લીશ બેટ્સમેને કરેલો પાંચમા ક્રમનો શ્રેષ્ઠ સ્કોર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter