ઇંગ્લેન્ડને હરાવી ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં

Wednesday 10th March 2021 05:57 EST
 
 

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં યજમાન ભારતે મેચના ત્રીજા જ દિવસે મહેમાન ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ અને ૨૫ રનથી શરમજનક પરાજય આપીને ૩-૧થી ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ઇંગ્લેન્ડના ૨૦૫ રન સામે ભારતે ૩૬૫ રન કર્યા હતા અને ઇંગ્લેન્ડની ટીમને શનિવારે જ ૧૩૫ રનમાં ઓલઆઉટ કરી નાંખી હતી. સ્ટાર બોલર અશ્વિન અને ચરોતરી અક્ષર પટેલે પાંચ-પાંચ વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડનો પરાજય પાક્કો કર્યો હતો. આ વિજય સાથે જ ભારતે આગામી જૂનમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતનો ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે લોર્ડઝમાં મુકાબલો થશે.
ભારતનો ઘરઆંગણે આ સતત ૧૩મો ટેસ્ટ શ્રેણી વિજય છે, જેમાં આખરી ૧૦ શ્રેણીમાં કોહલી કેપ્ટન રહ્યો છે. બીજા દિવસની રમતના હીરો ૧૦૧ રન ફટકારનાર વિકેટકિપર- બેટ્સમેન પંતને પ્લેયર ઓફ મેચ અને ચાર ટેસ્ટની આ શ્રેણીમાં ૩૨ વિકેટ ઝડપવા ઉપરાંત સદી ફટકારવા સહિત ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવનાર અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ૨૦૫ રન કર્યા હતા જેની સામે ભારતે ૩૬૫ રનનો જુમલો ખડક્યો હતો, જેમાં પંતના ૧૦૧, વોશિંગ્ટન સુંદરના અણનમ ૯૬, રોહિત શર્માના ૪૯ અને અક્ષર પટેલના ૪૩ રન મુખ્ય હતા. આ પછી બેટિંગમાં ઉતરેલા ઇંગ્લેન્ડના ખેલાડીઓ અશ્વિન અને અક્ષરની જોડી સામે ટકી શક્યા નહોતા અને બીજી ઇનિંગ માત્ર ૧૩૫ રનમાં સમેટાઇ જતાં ભારતનો એક ઇનિંગ્સ અને ૨૫ રને શાનદાર વિજય થયો હતો.
ઇંગ્લેન્ડની બેટિંગ હરોળ ધરાશયી
ત્રીજી ટેસ્ટના પરાજયમાંથી પણ કોઈ પદાર્થપાઠ ન શીખનાર ઇંગ્લેન્ડનો બેટિંગ ગઢ ચોથી અને અંતિમ ટેસ્ટમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગ્સમાં બે સેશન પણ પીચ પર ટકી શકી નહોતી. બેટિંગ માટેની એકદમ અનુકૂળ પીચ પર ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૨૦૫ અને પછી બીજી ઇનિંગ્સમાં ૧૬૦ રનની સરસાઈ પણ ન ઉતારી શકતા ૧૩૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વખતે તો પીચની ટીકા કરનારા ઇંગ્લેન્ડના વિવેચકો પણ ચૂપ થઈ ગયા હતા. ઇંગ્લેન્ડનો બેટ્સમેન સ્ટોક્સ પોતે કહી ચૂક્યો હતો કે આ તો રીતસરની બેટિંગ પીચ જ છે.
ત્રિપુટીએ નાખ્યો વિજયનો પાયો
ભારતીય ખેલાડીઓ અશ્વિન, અક્ષર તથા પંતની ત્રિપુટીએ ચોથી ટેસ્ટમાં ટીમ માટે વિજયનો પાયો નાંખ્યો હતો. પંતે સદી ફટકારી હતી. તો સ્પિનર અશ્વિન અને અક્ષરે પાંચ-પાંચ વિકેટ હાંસલ કરી હતી.
ડેબ્યૂ સિરીઝમાં અક્ષરની ૨૭ વિકેટ
ડાબોડી સ્પિનર અક્ષર પટેલે ચેન્નઇ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટમાં પોતાની પદાર્પણ મેચ રમી હતી. તેણે એક જ સિરીઝ સૌથી વધુ વિકેટ ઝડપનાર ડેબ્યુ ખેલાડીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. અક્ષરે ત્રણ ટેસ્ટમાં કુલ ૨૭ વિકેટ ઝડપી હતી અને તેણે ડેબ્યૂ સિરીઝમાં સર્વાધિક વિકેટ હાંસલ કરનાર શ્રીલંકાના અજન્તા મેન્ડિસની ૨૬ વિકેટનો વિક્રમ તોડી નાખ્યો હતો. મેન્ડિસે ભારત સામે ૨૬ વિકેટ હાંસલ કરી હતી.
દિલીપ દોશીના રેકોર્ડની બરાબરી
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં જ અક્ષર પટેલે ૧૦.૫૭ રનની સરેરાશે ૨૭ વિકેટ ઝડપવાના પગલે અનોખા રેકોર્ડની બરોબરી કરી હતી. આ સાથે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં જ સૌથી વધુ વિકેટ ઝડપવાના ભારતીય સ્પિનર દિલીપ દોશીના વિક્રમની તેણે બરોબરી કરી છે. દિલીપ દોશીએ ઓસ્ટ્રેલિયા સામે ૧૯૭૯માં રમાયેલી સિરીઝમાં ટેસ્ટ પ્રવેશે કુલ છ ટેસ્ટમાં ૨૭ વિકેટ ઝડપી હતી.
૩૦થી વધુ વિકેટઃ અશ્વિનની અનોખી સિદ્ધિ
અશ્વિને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં કુલ ૩૨ વિકેટ ઝડપવા ઉપરાંત સદી પણ ફટકારી છે. આમ તે આવી સિદ્ધિ નોંધાવનારો પાંચમો ખેલાડી બન્યો છે. આ પહેલા ઇમરાન ખાન, ઇયાન બોથમ, રિચી બેનો અને ગ્રીમ ગિફિન જ આ સિદ્ધિ નોંધાવી શક્યા છે.
 તેણે આ સિદ્ધિ અનુક્રમે ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે નોંધાવી હતી. અશ્વિન આ સિવાય બે વખત સિરીઝમાં ૩૦ કે તેથી વધુ વિકેટ ઝડપનારો ખેલાડી બન્યો છે. અશ્વિને ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટમાં ૩૨ વિકેટ ૧૪.૭૧ની સરેરાશે ઝડપી છે. તેણે અંતિમ ટેસ્ટમાં ૪૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે ૨૦૧૫માં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે ચાર ટેસ્ટની સિરીઝમાં ૩૧ વિકેટ ઝડપી હતી. અશ્વિન સિવાય બિશનસિંઘ બેદી, હરભજનસિંઘ, બીએસ ચંદ્રશેખર અને કપિલદેવે એક જ સિરીઝમાં ૩૦થી વધુ વિકેટની સિદ્ધિ નોંધાવી છે.
સાતમી-આઠમી વિકેટ માટે સદીની ભાગીદારી
વોશિંગ્ટન સુંદરે સાતમી વિકેટ માટે રિષભ પંત સાથે ૧૧૩ રનની ભાગીદારી નોંધાવી હતી. અક્ષર પટેલ સાથે તેણે આઠમી વિકટે માટે ૧૦૭ રન ઉમેર્યાં હતા. ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં સાતમી તથા આઠમી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે. સુંદરે ચેન્નાઈ ખાતેની ટેસ્ટમાં અણનમ ૮૫ રન બનાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter