ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા પાસેથી એશિઝ કપ ખૂંચવ્યો

Monday 10th August 2015 09:25 EDT
 
 

નોટિંગહામઃ ઇંગ્લેન્ડે મહેમાન ઓસ્ટ્રેલિયાને ચોથી એશિઝ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ઇનિંગ્સના અંતરથી કારમો પરાજય આપીને ૩-૧થી સીરિઝ કબ્જે કરી છે. આમ હવે ૨૦ ઓગસ્ટથી ઓવલમાં રમાનારી પાંચમી ટેસ્ટ ઔપચારિક બની રહેશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે રમાયેલી એશિઝ સીરિઝમાં ૫-૦થી ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરતાં ઇંગ્લિશ ક્રિકેટચાહકો એટલા નારાજ થયા હતા કે તેઓ ટીમને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા હતા. આજે ઓસ્ટ્રેલિયાના આ હાલ છે. ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ ટીમ પર ટીકાની ઝડી વરસી છે. છેલ્લા લાંબા સમયથી નિષ્ફળ રહેલા કેપ્ટન માઇકલ ક્લાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
સૌથી કારમો પરાજય
ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય તેના સૌથી કારમા પરાજયમાંનો એક છે. ટીમની પહેલી ઇનિંગ્સ માત્ર ૧૧૧ બોલમાં ૬૦ રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ઇંગ્લેન્ડ નવ વિકેટે ૩૯૧ રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ ૨૫૩ રનમાં સમેટાઈ ગઈ હતી.
છ વર્ષમાં ચાર વિજય
ઇંગ્લેન્ડે છેલ્લા છ વર્ષમાં ચોથી વખત એશિઝ કપ જીત્યો છે. ૨૦૦૯માં ઇંગ્લેન્ડે દેશમાં જ રમાયેલી શ્રેણી ૨-૧થી શ્રેણી જીતી હતી. ૨૦૧૦-૧૧માં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં ૩-૧થી શ્રેણી જીતી હતી. ૨૦૧૩માં ઇંગ્લેન્ડે દેશમાં જ ૩-૦થી શ્રેણી પર કબજો કર્યો હતો. ૨૦૧૩-૧૪માં ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે ૫-૦થી વિજય મેળવ્યો હતો. ૨૦૧૫માં ઇંગ્લેન્ડે ઘરઆંગણે ૩-૧થી વિજય મેળવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter