ઈંગ્લિશ ક્રિકેટ સંસ્થાગત રંગભેદીઃ DCMSમાં રફિકે કર્યો પર્દાફાશ

Wednesday 24th November 2021 06:38 EST
 
 

લંડનઃ પૂર્વ ક્રિકેટર અઝીમ રફિકે DCMS કમિટી સમક્ષ સુનાવણીમાં ઈંગ્લિશ ક્રિકેટ સંસ્થાગત રીતે રંગભેદી હોવાનો પર્દાફાશ કર્યો છે. યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (YCCC)માં રંગભેદના તોફાને ક્રિકેટની રમતમાં ખળભળાટ મચાવી દીધો છે. રફિકે મંગળવાર, ૧૬ નવેમ્બરે કમિટી સમક્ષ આંચકાજનક પુરાવા રજૂ કર્યા હતા.

YCCC માટે રમવા દરમિયાન રંગભેદી કનડગત અને ધાકધમકી કરાઈ હોવાનું જણાવનારા અઝીમ રફિકે એવો દાવો કર્યો હતો કે રેસિઝમની સમસ્યા માત્ર YCCCની જ સમસ્યા નથી પરંતુ, સમગ્ર દેશમાં ફેલાયેલી છે. સુનાવણી દરમિયાન રફિકના આંસુ વહી રહ્યા હતા. તેણે માઈકલ વોઘને ભૂતકાળમાં રંગભેદી ચીપ્પણી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો જેણે સતત આમ કર્યાનું નકાર્યું છે. ગેરી બાલન્સે કેટલીક ટીપ્પણી કર્યાનું સ્વીકાર્યું હતું અને રંગભેદી ટ્વીટ્સ બદલ એન્ડ્રયુ ગેલને સસ્પેન્ડ પણ કરાયો હતો.

પાકિસ્તાનમાં જન્મેલા અને બાર્નસ્લીમાં ઉછરેલા ૩૦ વર્ષીય અઝીમ રફિકે ઈંગ્લેન્ડના પૂર્વ સ્ટાર, કોચ, કોમેન્ટેટર ડેવિડ લોઈડને પણ લપેટમાં લીધા હતા. તેણે કહ્યું હતું કે જે વ્યક્તિ મને અંગત રીતે ઓળખતી નથી, સાથે સમય વીતાવ્યો નથી, તે મારા ડ્રિન્કિંગની આદતો, બહાર રખડવા અને સોશિયલાઈઝિંગ વિશે જાહેરમાં વાતો કરે છે. રફિકે ઉમેર્યું હતું કે મેથ્યુ હોગાર્ડે ફોન કરી તેની કોઈ ટીપ્પણીથી મનદુઃખ થયું હોય તો તે બદલ માફી માગી હતી.

રફિકના મૂળ આક્ષેપોના પગલે YCCCના સ્વતંત્ર તપાસ રિપોર્ટમાં કબૂલાત કરાઈ હતી કે રફિક સાથે અનુચિત વ્યવહાર કરાયો હતો અને તે બદલ માફી પણ માગવામાં આવી હતી. જોકે, રફિકે ક્લબ દ્વારા રેસિઝમને નજરઅંદાજ કરાયાનો આક્ષેપ લગાવ્યો હતો. યોર્કશાયરે સ્પષ્ટ કર્યું હતું કે રિપોર્ટના તારણો અનુસાર તેના કોઈ કમર્ચારી, ખેલાડીઓ અથવા એક્ઝિક્યુટિવ્ઝ સામે શિસ્તભંગના કોઈ પગલાં લેવાશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter