ઈંગ્લેન્ડ વર્લ્ડ કપના ફાઇનલમાંઃ ન્યૂઝીલેન્ડનું સપનું રોળાયું

Thursday 31st March 2016 03:29 EDT
 
 

નવી દિલ્હીઃ પાટનગરના ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યૂ ઝીલેન્ડને સાત વિકેટે હરાવી દઇને ફાઇનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે. ટી૨૦ વર્લ્ડ કપમાં સળંગ ચાર વિજય બાદ નિર્ણાયક મેચમાં જ પરાજય થતાં ન્યૂ ઝીલેન્ડનું પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળાયું છે.
ઇંગ્લેન્ડ હવે ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચે ગુરુવારે રમાનારા બીજા સેમિ-ફાઇનલના વિજેતા સાથે ટકરાશે. ફાઇનલ મેચ રવિવારે કોલકતાના ઇડન ગાર્ડનમાં રમાશે.
ઇંગ્લેન્ડને મેચ જીતવા માટેના ૧૫૯ રન ૧૭.૧ ઓવરોમાં ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધા હતા. ન્યૂ ઝીલેન્ડે તેની ૨૦ ઓવરોમાં ૮ વિકેટે ૧૫૩ રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડના ઓપનર જેસોન રોયે પ્રથમ ઓવરમાં જ ૧૬ રન ઝુડીને આક્રમક પ્રારંભને જાળવી રાખ્યો હતો. ઓપનરોના આક્રમણથી ન્યૂ ઝીલેન્ડ લગભગ ડઘાઈ ગયું હતું. ફરી મેચમાં પકડ જમાવવા માટે સાન્તનરની સ્પિન બોલિંગ પર આધાર હતો, પણ અન્ય બોલરો ફાવ્યા ન હતા.
પ્રથમ વિકેટની ૮૨ રનની ભાગીદારી ૮.૨ ઓવરોમાં જ નોંધાતા ઇંગ્લેન્ડનું કામ આસાન બન્યું હતું. રોયે ૧૧ ચોગ્ગા, બે છગ્ગા સાથે ૭૮ રન કર્યા હતા. બટલરે ૧૭ બોલમાં ૩૨ રન ફટકારીને ન્યૂ ઝીલેન્ડ ચમત્કાર કરે તે આશા પર પાણી ફેરવ્યું હતું.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. ન્યૂ ઝીલેન્ડના મુનરોએ ૩૨ રન ૨૮ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે તેમજ કેપ્ટન વિલિયમસને તેને સાથ આપતા ૨૮ બોલમાં ૩૨ રન ફટકારતા ન્યૂ ઝીલેન્ડ એક તબક્કે ૧૭૦-૧૮૦ના સ્કોરની અપેક્ષા રાખી હતી. બંનેએ બીજી વિકેટની ભાગીદારીમાં ૮.૨ ઓવરોમાં ૭૪ રન ઝૂડયા હતા. ૧૦ ઓવરોના અંતે ૧ વિકેટે ૮૯ રનનો સ્કોર હતો.
જોકે આખરી ૧૦ ઓવરોમાં ઇંગ્લેન્ડના બોલરોએ જોરદાર કમબેક કરતાં ન્યૂ ઝીલેન્ડે મેચ પરથી પ્રભુત્વ ગુમાવ્યું હતું. મેચની આખરી ૪ ઓવરોમાં તો જોર્ડન અને સ્ટોક્સે ન્યૂ ઝીલેન્ડને ૨૦ રન જ કરવા દઇને પાંચ વિકેટો ખેરવી હતી. સ્ટોક્સે આખરી ૨૦મી ઓવરમાં ત્રણ રન જ આપ્યા હતા.
૧૫૪ રનનો પડકાર ચેઝમાં ઉતરતા અગાઉ જ ટેન્શનમાં લાવી દે તેવો નહોતો. તેમાં પણ ઇંગ્લેન્ડે ન્યૂ ઝીલેન્ડને આખરી ૧૦ ઓવરોમાં અંકુશમાં રાખ્યું હોઇ તેઓનો જુસ્સો બુલંદ હતો. ઇંગ્લેન્ડના ઓપનર રોયે ઇંગ્લેન્ડની પહેલી ઓવરમાં જ એન્ડરસનને ચાર ચોગ્ગા સાથે ૧૬ રન ફટકાર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter