ઈંગ્લેન્ડના બોલર્સે ભારતનો ધબડકો સર્જ્યોઃ કોહલી

Wednesday 01st September 2021 11:28 EDT
 
 

લીડ્સઃ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી હેડિંગ્લે ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોનો સળંગ બે ઈનિંગમાં ધબડકો થયો હતો અને ટીમ ઈન્ડિયાને આખરે એક ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્ઝમાં ૧૫૧ રનથી શાનદાર વિજય મેળવ્યા બાદ હેડિંગ્લેમાં ભારત પ્રથમ ઈનિંગમાં માત્ર ૭૮ રનમાં ખખડ્યું હતું. આ પછી બીજી ઈનિંગમાં ચોથા દિવસે ટીમનો ફરી ધબડકો થયો હતો અને ઈંગ્લેન્ડે ઈનિંગથી જીત હાંસલ કરી હતી. ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઈંગ્લેન્ડના બોલરોએ સર્જેલા દબાણને કારણે ભારતનો ધબડકો થયો હતો. તેણે પ્રથમ ઈનિંગના નાલેશીભર્યા દેખાવને અસાધારણ અને વિચિત્ર ગણાવ્યો હતો.
હેડિંગ્લેમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરવાના નિર્ણયને ભૂલ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરતાં કોહલીએ કહ્યું કે, પીચ તો બેટિંગ માટે ઘણી જ સારી લાગી રહી હતી. જોકે, ઈંગ્લેન્ડના બોલરોની શિસ્તબદ્ધ બોલિંગને કારણે ભૂલો કરવાની ફરજ પડી. જ્યારે ટીમનો સ્કોર સારો ન હોય ત્યારે બેટ્સમેનો સ્વાભાવિક રીતે જ બોલરોના દબાણ હેઠળ આવી જતા હોય છે.
ભારતે પાંચ સ્પેશિયાલીસ્ટ બોલરોને રમાડવાનો વ્યૂહ પડતો મૂકીને ટીમમાં વધારાના બેટ્સમેનને સમાવવાની જરૂર નથી લાગતી? તેવા સીધા સવાલના જવાબમાં કોહલીએ કહ્યું હતું કે, હું આ પ્રકારના સંતુલનમાં માનતો નથી. ક્રિકેટના મેદાનમાં તમે જીતવા માટે કે હારથી બચવા માટે રમતમાં હોવ છો. જો ટીમના નિષ્ણાત બેટ્સમેનો નિષ્ફળ જાય તો ટીમમાં સમાવાયેલો એક વધારાનો બેટ્સમેન એકલા હાથે દર વખતે કેવી રીતે બચાવી શકવાનો છે? એક ટીમ તરીકે દરેક પરિસ્થિતિને સ્વીકારવી રહી.

ઇનિંગ અને ૭૬ રનથી પરાજય
મેન ઓફ ધ મેચ ઓલી રોબિન્સને ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત દરમિયાન ભારતને એક દાવ અને ૭૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે જ યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીને ૧-૧થી સરભર કરી દીધી હતી. ભારતનો બીજો દાવ માત્ર ૨૭૮ રનમાં સમેટાઇ ગયો હતો. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ બીજી સપ્ટેમ્બરથી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે.
ત્રીજા દિવસના અણનમ બેટ્સમેન પૂજારા અને સુકાની કોહલી પાસેથી મોટી આશા હતી પરંતુ તેઓ ચોથા દિવસના પ્રથમ તબક્કામાં આઉટ થઇ જતાં ભારત મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું.
પૂજારા નવર્સ નાઇન્ટીનો ભોગ બન્યો
ચેતેશ્વર પૂજારા ૯૧ રન બનાવીને રોબિન્સનનો શિકાર બન્યો હતો. તે ત્રીજા દિવસના સ્કોરમાં એક પણ રનનો ઉમેરો કરી શક્યો નહોતો. તેણે કોહલી સાથે ત્રીજી વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી નોંધાવી હતી. પૂજારાએ ૧૮૯ બોલનો સામનો કર્યો હતો અને તેણે ૧૫ બાઉન્ડ્રી ફટકારી હતી. કોહલીએ ટેસ્ટ કારકિર્દીની ૨૬મી અડધી સદી નોંધાવી હતી પરંતુ તે ૫૫ રનના સ્કોરે આઉટ થઇ ગયો હતો.

ભારતે આઠ વિકેટ માત્ર ૬૩ રનમાં ગુમાવી
ઇંગ્લેન્ડના બોલર્સે શિસ્તબદ્ધ બોલિંગ કરીને ભારતીય બેટ્સમેનોને સતત દબાણ હેઠળ રાખ્યા હતા. ભારતે ચોથા દિવસે માત્ર ૬૩ રનમાં તેની બાકીની આઠ વિકેટ ગુમાવી હતી. વિકેટકીપર રિષભ પંત પાસેથી મોટી ઇનિંગની આશા હતી પરંતુ તે એક રન બનાવીને આઉટ થયો હતો. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કેટલાક આકર્ષક શોટ્સ રમ્યા હતા અને ૩૦ રન બનાવીને ભારતના પરાજયનું અંતર ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી ઓલી રોબિન્સને ૬૫ રનમાં પાંચ તથા ક્રેગ ઓવરટને ૪૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. એન્ડરસન અને મોઇન અલીએ એક-એક વિકેટ હાંસલ કરી હતી.

રુટ સૌથી વધુ મેચ જીતનાર ઇંગ્લીશ કેપ્ટન
ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં હાઇએસ્ટ વિજય મેળવનાર કેપ્ટનની યાદીમાં જોઇ રુટ પ્રથમ સ્થાને પહોંચ્યો છે. સુકાની તરીકે રુટે ૫૫ ટેસ્ટમાં ૨૭ વિજય હાંસલ કર્યા છે. તેણે માઇકલ વોન (૫૧ ટેસ્ટ)ના ૨૬ વિજયનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. સ્ટ્રાઉસ (૫૦ ટેસ્ટ, ૨૪ વિજય), કૂક (૫૯ ટેસ્ટ, ૨૪ વિજય) તથા પીટર મેનો (૪૧ ટેસ્ટ, ૨૦ વિજય)નો ટોપ-૫માં સમાવેશ થાય છે.

કેપ્ટન રુટે અનેક રેકોર્ડ તોડ્યા
લીડ્સ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લિશ કેપ્ટન જોઇ રુટે ૫૪મો રન બનાવવાની સાથે ભારત સામે હાઇએસ્ટ રન નોંધાવનાર પાકિસ્તાનના જાવેદ મિયાંદાદનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. મિયાંદાદે ભારત સામે પાંચ સદીની મદદથી કુલ ૨૨૨૮ રન બનાવ્યા હતા. ૫૪મો રન પૂરો કરતાંની સાથે રુટના ભારત સામે ૨૨૩૦ રન પૂરા થયા હતા, જેમાં કુલ સાત સદી સામેલ છે.
જોઇ રુટે આ પછી ૨૩મી ટેસ્ટ સદી પૂરી કરીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ટેસ્ટ ઇતિહાસમાં સતત ત્રણ સદી નોંધાવવાની બે વખત સિદ્ધિ મેળવનાર રુટ એક માત્ર ખેલાડી છે. આ ઉપરાંત તે એક જ કેલેન્ડર વર્ષમાં હાઇએસ્ટ રન નોંધાવનાર ઇંગ્લેન્ડનો પ્રથમ સુકાની પણ બની ગયો છે. તેણે એલિસ્ટર કૂકનો રેકોર્ડ તોડયો હતો, જેણે ૨૦૧૫માં ૧૩૬૪ રન કર્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં રનમશીન બનેલો જોઇ રુટ એક કેલેન્ડર વર્ષમાં છ સદી નોંધાવનાર ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી બન્યો છે. રુટ પહેલાં ૧૯૪૭માં ડેનિસ ક્રોમ્પટને તથા ૨૦૦૨માં માઇકલ વોને એક જ વર્ષમાં છ સદીઓ ફટકારી હતી.

એક દસકામાં પહેલી વખત
ઇંગ્લિશ ઓપનર્સે છેલ્લા ૧૦ વર્ષમાં પહેલી વખત હોમગ્રાઉન્ડમાં ભારત સામે ઓપનિંગ ભાગીદારીની સદી નોંધાવી હતી. હમીદ અને બર્ન્સે પ્રથમ વિકેટ માટે ૧૩૫ રન બનાવ્યા હતા. આ પહેલાં ૨૦૧૧માં એજબસ્ટન ખાતે એન્ડ્રયુ સ્ટ્રાઉસ તથા એલિસ્ટર કૂકે ૧૮૬ રનની ભાગીદારી નોંધાવી હતી. ૨૦૧૬ બાદ ઇંગ્લેન્ડ તરફથી આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. ૨૦૧૬માં કૂક અને હસીબે ૧૮૦ રનની ભાગીદારી નોંધાવી હતી. ઇંગ્લેન્ડ માટે રોરી બર્ન્સે ૬૧ હસીબ હમીદે ૬૮ તથા ડેવિડ મલાને ૭૦ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ ૮૭ રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter