ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજયને વિવાદનું ગ્રહણ

Wednesday 17th July 2019 05:18 EDT
 
 

લંડનઃ આઇસીસી વર્લ્ડ કપના અત્યાર સુધીના સૌથી રોમાંચક ફાઇનલમાં વિજય મેળવીને યજમાન ઇંગ્લેન્ડે ટાઇટલ કબ્જે કર્યું છે તો ન્યૂઝીલેન્ડની રમતે ક્રિકેટપ્રેમીના દિલ જીતી લીધા છે. ટૂર્નામેન્ટની આખરી ઓવરના આખરી બોલ સુધી જ નહીં, પરંતુ સુપર ઓવરના પણ છેલ્લા બોલ સુધી રસાકસીપૂર્ણ બની રહેલી આ ફાઇનલ મેચ ક્રિકેટચાહકો માટે જિંદગીભરનું સંભારણું બની રહેશે તેમાં બેમત નથી. જોકે ઈંગ્લેન્ડ આ જીતની ઉજવણી કરે તે પૂર્વે જ તેના વિશ્વવિજેતા પદને વિવાદનું ગ્રહણ લાગી ગયું છે.

બે મુદ્દાનો વિવાદ

ક્રિકેટનું કાશી ગણાતા લોર્ડ્સ મેદાનમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૨૪૧ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૨૪૧ રને ઓલઆઉટ થઈ હતી. આમ મેચ ટાઇ થતાં સુપર ઓવર રમાઇ હતી. જેમાં ઇંગ્લેન્ડ ૧૫ રન કર્યાં તો ન્યૂઝીલેન્ડે પણ ૧૫ રન કરતાં ફરી એક વખત ટાઇ પડી હતી. આ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નિયમ અનુસાર વધારે બાઉન્ડ્રી ફટકારનાર ટીમ તરીકે ઈંગ્લેન્ડને વિશ્વવિજેતા જાહેર કરાયું હતું.
આ નિર્ણય જાહેર થતાં જ ઇંગ્લેન્ડને બાદ કરતા ક્રિકેટજગત સ્તબ્ધ થઇ ગયું હતું. કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોથી માંડીને ક્રિકેટચાહકોએ આઇસીસીના આ વિચિત્ર નિયમ સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને ન્યૂઝીલેન્ડને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરી હતી.
હજુ તો આ મુદ્દે ટીકાની ઝડી શમી નહોતી ત્યાં ક્રિકેટના નિયમોના જાણકારોનું નિવેદન આવ્યું. તેમના મતે ઓવર થ્રો સમયે ઈંગ્લેન્ડને છ રન અપાયા છે તે અયોગ્ય હતું. તેને ખરેખર તો પાંચ રન જ મળવા જોઇએ કેમ કે બેટ્સમેન ક્રોસ થયા નહોતા. આનો મતલબ એ થયો કે ઈંગ્લેન્ડને પાંચ રન મળ્યા હોત તો તે હાર્યું હોત અને ન્યૂઝીલેન્ડ જીત્યું હોત. ઉલ્લેખનીય છે કે આ જ ઓવર થ્રો મેચમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો અને ન્યૂઝીલેન્ડના મોંએથી વિજયનો પ્યાલો છીનવાઇ ગયો હતો.

અમ્પાયરોની બેદરકારી...

ઇંગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે જ નવો વિવાદ ઉભો થયો છે. ક્રિકેટના નિયમ ઘડનારી સંસ્થા એમસીસીના સભ્ય અને પૂર્વ ઇન્ટરનેશનલ અમ્પાયર સાયમન ટફેલનું કહેવું છે કે, અમ્પાયર્સની ભૂલના કારણે ઇંગ્લેન્ડને ગપ્ટિલના ઓવર થ્રો પર છ રન મળ્યા. બન્ને બેટ્સમેનોએ થ્રો દરમિયાન એકબીજાને ક્રોસ કર્યા નહોતા. આ સંજોગોમાં પાંચ રન જ આપવા જોઈતા હતા. મેચની અંતિમ ઓવરમાં ઇંગ્લેન્ડને ૧૫ રનની જરૂર હતી. ચોથા બોલે સ્ટોક્સ મિડવિકેટ પર શોટ રમ્યો. ત્યાંથી ગપ્ટિલે થ્રો કર્યો ત્યારે બેટિંગ કરી રહેલા બેન સ્ટોક્સ અને આદિલ રાશિદે એકબીજાને ક્રોસ કર્યા નહોતા. ગપ્ટિલે કરેલો થ્રો સ્ટોક્સના બેટને ટકરાયો અને બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. જો ઇંગ્લેન્ડને પાંચ રન મળ્યા હોત તો તે એક રને મેચ હારી ગયું હોત.
પાંચ વખત આઇસીસી અમ્પાયર ઓફ ધ યરનું સન્માન મેળવી ચૂકેલા ટફેલનું કહેવું છે કે મેચ દરમિયાન અમ્પાયર્સે બેટ્સમેનથી લઈને ફિલ્ડરને જોવાના રહે છે. મેચમાં એક સાથે ઘણું બધું થઈ રહ્યું હોય છે એવામાં અમ્પાયર્સને ખોટા કહેવા યોગ્ય વાત નથી.
પૂર્વ ભારતીય અમ્પાયર હરિહરને પણ કહ્યું કે, અમ્પાયર કુમાર ધર્મસેનાએ ન્યૂઝીલેન્ડ પાસેથી વર્લ્ડ કપ આંચકી લીધો. જોકે આ મામલે આઇસીસીએ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

...પછી આઇસીસીનું ફારસ

સુપર ઓવર પણ ટાઇ પરિણમતા આઇસીસીએ તેના નિયમ અનુસાર સૌથી વધુ ચોગ્ગા-છગ્ગા ફટકારનાર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કર્યું હતું. ક્રિકેટ નિષ્ણાતો જ નહીં ચાહકોએ પણ આઇસીસીના આ નિયમ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટરરોએ આ નિયમમાં પરિવર્તનની લાગણી વ્યક્ત કરી તો ચાહકોએ વિજય માટે બાઉન્ડ્રીને આધાર બનાવતા નિયમને બકવાસ જ ગણાવ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર બિશનસિંહ બેદીએ આ નિયમને વાહિયાત ગણાવ્યો હતો. તો યુવરાજ સિંહે આ નિયમમાં બદલાવને સમર્થન કર્યું હતું.
ક્રિકેટ ચાહકો માને છે કે કોઇ ટીમની તાકાત રનિંગ બિટ્વિન ધ વિકેટ તો કોઇ ટીમની તાકાત ચોગ્ગા-છગ્ગા ફટકારવાની હોય છે. એક બેટ્સમેન ૧ બોલમાં બાઉન્ડ્રી ફટકારીને બાકી ચાર ડોટ્ બોલ્સ રમે અને તેની સામે અન્ય બેટ્સમેન ૪ બોલમાં ૪ વખત ૧-૧ રન લે તો તે સ્થિતિમાં સરવાળે બંનેએ સમાન જ રન કર્યા છે. આ સ્થિતિમાં બાઉન્ડ્રી ફટકારનારા બેટ્સમેને જ સારી બેટિંગ કરી છે તેમ કહી શકાય નહીં.

તો બીજા વિકલ્પ અજમાવો

ખરેખર તો સુપર ઓવરમાં પણ ટાઇ પડે તો જ્યાં સુધી પરિણામ આવે ન ત્યાં સુધી સુપર ઓવર રમાવી જોઇએ. ફૂટબોલ, હોકીની નોકઆઉટ મેચમાં પરિણામ નિશ્ચિત ન થાય ત્યાં સુધી પેનલ્ટી શૂટઆઉટ ચાલુ જ રહે છે. ફૂટબોલમાં ૨૦૦૫ના નામિબિયન કપમાં વિક્રમજનક ૪૮ પેનલ્ટી શૂટઆઉટ બાદ વિજેતાનો ફેંસલો થયો હતો.
ચાહકોના એક વર્ગનું માનવું છે કે રવિવારની ફાઇનલમાં બંને ટીમોએ એકદમ સમાન દેખાવ કર્યો હતો. સુપર ઓવરમાં પણ ટાઇ પડે તેનો મતલબ કે બંને ટીમો વિજય માટે એકસમાન હકદાર છે. આ સ્થિતિમાં આઇસીસીએ બંને ટીમોને સંયુક્ત ચેમ્પિયન જાહેર કરવી જોઇએ.
૧૯૯૯માં ઇંગ્લેન્ડમાં જ રમાયેલા વન-ડે વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા - સાઉથ આફ્રિકાની મેચ ટાઇ પરિણમી હતી. જેમાં સાઉથ આફ્રિકાની સરખામણીએ ઓછી વિકેટ ગુમાવી હોવાથી ઓસ્ટ્રેલિયાને વિજેતા જાહેર કરાયું હતું. સુપર ઓવરમાં ટાઇ પડવાના સંજોગોમાં આઇસીસી કઇ ટીમે વધુ વિકેટ ખેરવી છે તેના આધારે વિજેતા જાહેર કરી શક્યું હોત.

ઈંગ્લેન્ડનું સપનું સાકાર

ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ જીતનાર છઠ્ઠો દેશ બની ગયો છે. ત્રણ-ત્રણ વખત રનર્સ-અપ રહેલા ઈંગ્લેન્ડનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ૪૪ વર્ષ બાદ સાકાર થયું છે. અગાઉ ઓસ્ટ્રેલિયા સૌથી વધુ પાંચ વખત જ્યારે, વેસ્ટ ઇંડીઝ અને ભારત બે-બે વખત જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાન એક-એક વખત ટાઇટલ જીતી ચૂક્યા છે.
બેન સ્ટોક્સ મેન ઓફ ધ ફાઇનલ મેચ જાહેર થયો હતો, જેણે ૯૮ બોલમાં અણનમ ૮૪ રન ફટકાર્યા હતા.

એશિઝની તૈયારીમાં લાગો

ઈંગ્લેન્ડની ટીમ વન-ડે વર્લ્ડ કપમાં પ્રથમ વાર ચેમ્પિયન બની હોવા છતાં ટીમ મેનેજમેન્ટે વિજયી સરઘસ યોજવાનું રદ કર્યું હતું. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે તેના પ્લેયર્સને કહ્યું છે કે વિજયી સરઘસ કાઢવા માટે આપણી પાસે પૂરતો સમય નથી. ખેલાડીઓ પહેલી ઓગસ્ટથી શરૂ થતી એશિઝની તૈયારી પર ધ્યાન આપે તે જરૂરી છે. ઈંગ્લેન્ડની એશિઝ ટીમના સદસ્યોને ૨૨ જુલાઈએ ટ્રેનિંગ કેમ્પમાં હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જોકે ઈંગ્લેન્ડની વર્લ્ડ ચેમ્પિયન ટીમના તમામ સદસ્યોનું સન્માન જરૂર કરાશે તેવી ઈંગ્લેન્ડ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે.
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટે પણ સાથી પ્લેયર્સને હવે વર્લ્ડ કપ બાદ એશિઝ જીતવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્દેશ આપ્યા છે. રૂટે જણાવ્યું હતું કે અમે ભલે વર્લ્ડ ચેમ્પિયન બની ગયા હોઈએ પણ હવે એશિઝ પણ પ્રભાવશાળી રીતે જીતવા માંગીએ છીએ.

ન્યૂઝીલેન્ડની તક રોળાઇ

ફાઇનલ મેચ આખરી ઓવર સુધી ન્યૂઝીલેન્ડની તરફેણમાં હતી, તેનો જ વિજય નિશ્ચિત જણાતો હતો. વિશ્વવિજેતા બનવાનું તેનું સપનું સાકાર થવાની ઘડીઓ ગણાઇ રહી હતી, પરંતુ છેલ્લી ઓવરના ચોથા બોલે ઓવર થ્રોમાં બાઉન્ડ્રી જતાં મેચ સરકીને ઇંગ્લેન્ડના હાથમાં જતી રહી હતી. આ થ્રો ગપ્ટિલે કર્યો હતો. પોતાનો થ્રો ટીમના પરાજય માટે નીમિત્ત બન્યું હોવાની લાગણી અનુભવતા ગપ્ટિલે બાદમાં કેપ્ટનને મળીને દિલગીરી પણ વ્યક્ત કરી હતી. તેણે જાહેરમાં કહ્યું હતું કે આ થ્રો તેને જિંદગીભર યાદ રહેશે.
નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં હારી ગઇ છે. ૨૦૧૫માં તેને ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો.

કેનનો વિક્રમ,  ગપ્ટિલ ફ્લોપ

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયેલા કેન વિલિયમ્સને ૧૦ મેચમાં ૫૭૮ રન ફટકાર્યા છે. આ સાથે જ કેન વિલિયમ્સને કેપ્ટન તરીકે સર્વાધિક રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. વિલિયમ્સને વર્તમાન વર્લ્ડ કપમાં ૫૭૮ રન બનાવ્યા છે અને સર્વાધિક રન બનાવવાની યાદીમાં ચોથા ક્રમે છે. જોકે તેણે કેપ્ટન તરીકે સર્વાધિક રન બનાવ્યા છે. તેણે શ્રીલંકાના જયવર્દનેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જયવર્દનેએ ૨૦૦૭ના વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ૫૪૮ રન બનાવ્યા હતા.
જોકે ગત વર્લ્ડ કપમાં આક્રમક બેટિંગ કરીને છવાઇ જનાર ન્યૂઝીલેન્ડનો ઓપનર માર્ટિન ગપ્ટિલ આ વખતે સદંતર ફ્લોપ રહ્યો છે એમ કહી શકાય. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ગપ્ટિલે કુલ ૧૮૬ રન બનાવ્યા છે અને તેમાં એક જ વખત ૭૩ રનની મોટી ઇનિંગ સામેલ છે. તે આ વર્લ્ડ કપમાં બે વખત ગોલ્ડન ડકનો શિકાર થયો હતો. આ ઉપરાંત તે ત્રણ ઇનિંગ્સમાં બેવડાં આંકનો સ્કોર પણ કરી શક્યો નહોતો. ગપ્ટિલે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ૨૩૭ રનની શાનદાર ઇનિંગ સહિત કુલ ૫૪૭ રન બનાવ્યા હતા. ગુપ્ટિલે ફાઇનલ સહિતની ૧૦ મેચમાં ૨૦.૬૬ની સરેરાશથી ૧૮૬ રન બનાવ્યા છે, ૭૩ રનની ઇનિંગ્સને બાદ કરીએ તો તેની એવરેજ ૧૨.૫૫ની રહે છે.

સ્ટોક્સના પિતાને ગાળો

બેન સ્ટોક્સે ૯૮ બોલમાં અણનમ ૮૪ રન ફટકારીને ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તે મેન ઓફ ધ મેચ પણ બન્યો. સ્ટોક્સનો જન્મ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો અને તેના પિતા ન્યૂઝીલેન્ડની નેશનલ રગ્બી ટીમ તરફથી રમી ચૂક્યા છે. સ્ટોક્સ ૧૩ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ઇંગ્લેન્ડ શિફ્ટ થયો. જોકે તેના પિતા થોડાંક વર્ષ પહેલા ક્રાઇસ્ટચર્ચ પરત ફર્યા છે. ફાઇનલમાં તેઓ ન્યૂઝીલેન્ડને જ સપોર્ટ કરી રહ્યાં હતાં, પરંતુ ફાઇનલમાં બેન સ્ટોક્સના શાનદાર પ્રદર્શન બાદ ઘણા કિવી ફેન્સે ગેરાર્ડ સ્ટોક્સને નિશાન બનાવ્યા છે. તેઓ બેનના પિતા ગેરાર્ડને ફોન કરીને ગાળોનો વરસાદ વરસાવી રહ્યા છે. આ અંગે ગેરાર્ડે જણાવ્યું હતું કે, તેઓ દેશમાં મોસ્ટ હેટેડ ફાધર બની ગયા છે.

ગપ્ટિલનો થ્રોઃ હાર - જીત

ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલે ભારત સામેની સેમિ-ફાઇનલમાં શાનદાર થ્રો કરીને મહેન્દ્ર સિંહ ધોનીને રનઆઉટ કર્યો હતો. આ થ્રો મેચમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. આ એક જ થ્રોએ ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં પહોંચાડી દીધો હતો.
રવિવારની ફાઇનલમાં બોલ્ટની અંતિમ ઓવરમાં સ્ટોક્સ સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એ જ ગપ્ટિલના થ્રો પર ઇંગ્લેન્ડને છ રન મળ્યા હતા. સ્ટોક્સ અને વૂડ બે રન દોડી ગયા બાદ ગપ્ટિલે થ્રો કરતાં બોલ સ્ટોક્સના બેટને ટકરાઇને બાઉન્ડ્રી બહાર ચાલ્યો ગયો હતો, જેણે ન્યૂઝીલેન્ડના હાથમાં આવેલી બાજી આંચકી લીધી હતી અને મેચ ટાઇમાં પરિણમી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter