એક જ ટેસ્ટ શ્રેણીમાં ૪૦૦ પ્લસ રન નોંધાવનારા પ્રથમ ભારતીય ઓપનર માધવ આપ્ટેનું નિધન

Tuesday 24th September 2019 14:15 EDT
 
 

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર માધવ આપ્ટેનું સોમવારે સવારે મુંબઇ ખાતે નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. નવેમ્બર ૧૯૫૨થી માર્ચ ૧૯૫૩ દરમિયાન માધવ આપ્ટેએ ભારત માટે ૭ ટેસ્ટની ૧૩ ઇનિંગ્સમાં ૪૯.૨૭ની એવરેજથી ૫૪૨ રન નોંધાવ્યા હતા, જેમાં ૧ સદી-૩ અડધી સદીનો સમાવેશ થતો હતો. ૧૯૫૧-૫૨માં પ્રથમ કક્ષાની કારકિર્દીની પ્રથમ મેચમાં જ મુંબઇ માટે તેમણે સદી ફટકારી દીધી હતી. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી વખતે પ્રથમ વાર ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી.
આ પછી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટેની ટીમમાં પણ તેમનો સમાવેશ કરાયો હતો. જેમાં સોન્ની રામાધિન, અલ્ફ વેલેન્ટાઇન, ફ્રેન્ક કિંગ જેવા ધરખમ કેરેબિયન ફાસ્ટ બોલર્સ સામે તેમણે પ્રથમ ટેસ્ટમાં ૬૪ અને ૫૨, બીજી ટેસ્ટમાં ૬૪, ત્રીજી ટેસ્ટમાં અણનમ ૧૬૩ રન ફટકાર્યા હતા. આ સાથે જ માધવ આપ્ટે એક જ ટેસ્ટ શ્રેણીમાં ૪૦૦થી વધુ રન કરનારા સૌપ્રથમ ઓપનર બની ગયા હતા.
આપ્ટેને ત્યારબાદ ૧૯૫૪માં બીસીસીઆઇના ૨૫ વર્ષ પૂરા થવા નિમિત્તે સિલ્વર જ્યુબિલી કોમનવેલ્થ ઇલેવન ટીમમાં સામેલ કરાયા હતા. જોકે, તેમાં તેમનો દેખાવ સાધારણ રહ્યો હતો અને ત્યારબાદ પસંદગી સમિતિ દ્વારા તેમને નજરઅંદાજ કરાયા હતા. માધવ આપ્ટેએ આ અંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘સારા દેખાવ છતાં મને વધુ તક શા માટે અપાઇ નહીં તે હું આજે પણ સમજી શક્યો નથી.’

૭૧ વર્ષની ઉંમર સુધી કાંગા લીગમાં રમ્યા!

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ માધવ આપ્ટે મલેશિયામાં નોકરી કરવા માટે ગયા હતા. જોકે મુંબઇમાં કાંગા લીગની સિઝન હોય ત્યારે તેમાં તેઓ અચૂક ભાગ લેતા. ૧૯૪૮થી ૨૦૦૨ સુધી તેમણે કાંગા લીગની ટીમ જોલી ક્રિકેટર્સ માટે ૫૦થી વધુ સિઝનમાં ૫ હજાર કરતા વધુ રન નોંધાવ્યા હતા. આપ્ટે કાંગા લીગમાં છેલ્લી મેચમાં રમ્યા ત્યારે તેમની ઉંમર ૭૧ વર્ષ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter