એક જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૮ મેડલ્સઃ ડ્રેસલ પહેલો સ્વિમર

Saturday 03rd August 2019 11:05 EDT
 

ટોક્યોઃ લ્યુક ગ્રીનબેન્ક (૫૩.૯૫), એડમ પેટી (૫૭.૨૦), જેમ્સ ગાય (૫૦.૮૧) અને ડંકન સ્કોટ (૪૬.૧૪)ની બ્રિટિશ ટીમે ૪ બાય ૧૦૦ મીટરની રિલેમાં અમેરિકાની હાઈપ્રોફાઈલ ટીમને માત્ર ૦.૩૫ સેકન્ડના અંતરથી હરાવતા અમેરિકાનો કેલેબ ડ્રેસલ ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વિક્રમજનક ૭મો ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. જોકે આમ છતાં ડ્રેસલે એક જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ આઠ મેડલ્સ જીતનારા વિશ્વના સૌપ્રથમ પુરુષ સ્વિમર તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે. ડ્રેસલે સાઉથ કોરિયામાં પૂરી થયેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ૬ ગોલ્ડ અને બે સિલ્વર એમ આઠ મેડલ્સ જીત્યા છે. કેલેબ ડ્રેસલ (અમેરિકા) અને જોસ્ટ્રોમ ફિના (સ્વિડન) વર્લ્ડ ચેમ્પિયનશીપ ૨૦૧૯ના બેસ્ટ સ્વિમર જાહેર થયા છે.
બ્રિટિશ ટીમે ૩ મિનિટ અને ૨૮.૧૦ સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. જ્યારે રાયન મર્ફી (૫૨.૯૨), એન્ડ્રુ વિલ્સન (૫૮.૬૫), કેલેબ ડ્રેસલ (૪૯.૨૮) અને નેથન એડ્રીન (૪૭.૬૦)ની ટીમને ૩ મિનિટ અને ૨૮.૪૫ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ મળ્યો હતો. આ સાથે ડ્રેસલ બે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૭-૭ ગોલ્ડ મેડલ જીતનારા સ્વિમર તરીકેનો રેકોર્ડ ચૂકી ગયો હતો. તેણે આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૬ ગોલ્ડ અને બે સિલ્વર એમ કુલ ૮ મેડલ્સ જીત્યા હતા. તેના વર્લ્ડ ચેમ્પિયનશીપના કુલ મેડલ્સની સંખ્યા ૧૩ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા ૨૦૧૭માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ડ્રેસલે સાત ગોલ્ડ મેડલ જીતીને લેજન્ડરી સ્વિમર માઈકલ ફેલ્પ્સના રેકોર્ડની બરાબરી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter