એકે હજારા ચેતેશ્વર પૂજારાઃ રાંચીમાં બેવડી સદી

Friday 24th March 2017 12:23 EDT
 
 

રાંચીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ભલે ડ્રોમાં પરિણમી, પરંતુ આ મેચ ચેતેશ્વર પૂજારાની બેવડી સદી માટે હંમેશા યાદ રહેશે. સૌરાષ્ટ્રના ધરખમ બેટ્સમેન પૂજારાએ ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં સૌથી લાંબી ઈનિંગ રમવાનો રેકોર્ડ સર્જતાં ૫૨૫ બોલમાં ૨૧ ચોગ્ગા સાથે ૨૦૨ રન ફટકાર્યા હતા. પૂજારાએ ટેસ્ટ ઈતિહાસની ઓલ ટાઈમ ક્લાસિક ઈનિંગમાં સ્થાન મેળવતા ૧૧ કલાક અને ૮ મિનિટ સુધી પીચ પર ટકી રહીને અનોખો કિર્તિમાન પણ સ્થાપિત કર્યો હતો, જે ભારતીય ટેસ્ટ ઈતિહાસની સમયની દૃષ્ટિએ પાંચમા ક્રમની ઈનિંગ હતી.

ચેતેશ્વર પૂજારાએ ૨૦૨ રનની મેરેથોન ઇનિંગ રમીને જ્યારે રિદ્ધિમાન સહાએ ૧૧૭ રનની ઇનિંગ રમીને ભારતની સ્થિતિ મજબૂત બનાવી હતી. મેન ઓફ ધ મેચ ચેતેશ્વર પૂજારાએ મેરેથોન ઇનિંગ રમીને ભારતને જંગી સ્કોર ઉભો કરવામાં તો મદદ કરી જ હતી, પરંતુ તેણે આ યાદગાર ઇનિંગ દ્વારા વિક્રમો પણ સર્જ્યા હતા.

ચેતેશ્વર પૂજારાએ ૨૦૨ રનની મેરેથોન ઇનિંગ રમીને જ્યારે રિદ્ધિમાન સહાએ ૧૧૭ રનની ઇનિંગ રમીને ભારતની સ્થિતિ મજબૂત બનાવી હતી. મેન ઓફ ધ મેચ ચેતેશ્વર પૂજારાએ મેરેથોન ઇનિંગ રમીને ભારતને જંગી સ્કોર ઉભો કરવામાં તો મદદ કરી જ હતી, પરંતુ તેણે આ યાદગાર ઇનિંગ દ્વારા વિક્રમો પણ સર્જ્યા હતા.

૬૬૮ મિનિટ, ૫૨૫ બોલ, ૨૦૨ રન

આંતરરાષ્ટ્રીય અને ઘરઆંગણાના ક્રિકેટમાં લાંબી ઈનિંગ્સ રમવા માટે જાણીતા પૂજારાને ઘણી વખત ભારતના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડની જેમ 'ધ વોલ'ની ઉપમા પણ આપવામાં આવતી રહી છે. પૂજારાએ ફરી એક વખત પોતાની પ્રતિભા દ્રવિડના સ્તરની છે, તેવી સાબિતી આપતાં ૬૬૮ મિનિટ બેટીંગ કરતાં ૫૨૫ બોલનો સામનો કર્યો હતો અને ૨૧ ચોગ્ગાની મદદથી ૨૦૨ રન ફટકાર્યા હતા.

૪૦૦ ડોટબોલ રમ્યો, બાઉન્ડ્રીથી ૮૪ રન

રાંચી ટેસ્ટમાં માઈલસ્ટોન ઈનિંગ રમનારા પૂજારાએ ટેસ્ટ ક્રિકેટ માટે એકદમ આદર્શ કહી શકાય તેવી બેટીંગ કરી હતી. પડકારજનક પીચ પર ખૂબ જ ધીરજપૂર્વક બેટીંગ કરતાં પૂજારાએ ૫૨૫ બોલનો સામનો કર્યો હતો. આમાંથી ૪૦૦ તો ડોટ બોલ હતા. જ્યારે તેણે ૯૧ રન સિંગલ-સિંગલ દોડીને લીધા હતા. તેણે બે-બે રન દોડીને કુલ ૨૪ રન પોતાની ઈનિંગમાં નોંધાવ્યા હતા. જ્યારે એક વખત તેણે ત્રણ રન દોડીને લીધા હતા. ચોગ્ગાની મદદથી તેણે ૮૪ રન ફટકાર્યા હતા.

પૂજારાએ વિજય મર્ચન્ટની બરોબરી કરી

સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામેની રાંચી ટેસ્ટમાં કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. જે તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની કુલ ૧૧મી બેવડી સદી હતી. તેણે ત્રણ બેવડી સદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને ૮ બેવડી સદી ઘરઆંગણાના ક્રિકેટમાં ફટકારી છે. આ સાથે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૧ બેવડી સદી ફટકારવાના વિજય મર્ચન્ટના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. જ્યારે આ યાદીમાં વિજય હઝારે, સુનિલ ગાવસ્કર અને રાહુલ દ્રવિડ ૧૦-૧૦ બેવડી સદીઓ સાથે તેમના પછી સ્થાન ધરાવે છે.

વિજય-પૂજારાએ સચિન-ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો

પૂજારા અને વિજયે ૧૦૨ રનની ભાગીદારી નોંધાવીને ભારત તરફથી ટેસ્ટ મેચમાં કોઈ પણ વિકેટ માટે સૌથી વધારે એવરેજથી બે હજારથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. બન્ને અત્યાર સુધી ૩૭ ઇનિંગ્સમાં ૬૬.૬ની એવરેજથી ૨૪૬૬ રન બનાવી ચૂક્યા છે. જોડીએ સચિન અને ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. ગાંગુલી-સચિનની જોડીએ ૭૧ ઇનિંગ્સમાં ૬૧.૪ની એવરેજથી ૪૧૭૩ રન બનાવ્યા હતા.

અને પૂજારા ‘બચી ગયો’

મેચના ચોથા દિવસે હેઝલવૂડ પોતાની ૩૩મી ઓવર નાખી રહ્યો હતો ત્યારે એક રમૂજી ઘટના બની હતી. હેઝલવૂડે જ્યારે પૂજારાને બાઉન્સર નાખ્યો તો બોલ પૂજારાનાં બેટને સ્પર્શ્યા વગર ઉપરથી પસાર થઈ ગયો હતો. આ દરમિયાન ફિલ્ડ એમ્પાયર ગુફી ગેફનીએ જાતે જ આઉટ કરાર આપવા આંગળી ઊંચી કરી. આ દરમિયાન તેમનું ધ્યાન ફિલ્ડિંગ કરતા ખેલાડીઓ અને બોલર હેઝલવૂડ તરફ ગયું હતું, જેમણે કોઈ અપીલ જ નહોતી કરી. આ ધ્યાને આવતાં જ ગુફીએ પોતાની આંગળી પોતાની ટોપી તરફ ફેરવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમને આ વાતનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

મેચમાં આવા રેકોર્ડ બન્યા

• પૂજારા અને સહાએ ઓસ્ટ્રેલિયા સામે સાતમી વિકેટની ૧૯૯ રનની ભાગીદારી કરીને ૬૯ વર્ષનો રેકોર્ડ તોડયો. • ઓસ્ટ્રેલિયા સામે પૂજારાએ બીજી બેવડી સદી ફટકારીને સચિન અને લક્ષ્મણની બરાબરી કરી હતી. • પૂજારા અને વિજય વચ્ચે એક જ સિઝનમાં દુનિયામાં બીજા ક્રમની શતકીય ભાગીદારી નોંધાવાઇ છે. તેમણે આ સિઝનમાં છ વખત શતકીય ભાગીદારી નોંધાવી છે. આ રેકોર્ડમાં ટોચનાં સ્થાને રહેલા હેડન અને પોન્ટિંગે સાત વખત ભાગીદારી કરી છે.

પૂજારા - સહા ભાગીદારીની બેવડી સદી ચૂક્યા

પૂજારા અને સહાએ ચોથા દિવસે ભારતની રમત આગળ વધારી હતી. પૂજારાએ ૨૦૨ રનની મેરેથોન ઇનિંગ રમી હતી. તેને સાથ આપતાં રિદ્ધિમાન સહાએ ૧૧૭ રનનું યોગદાન આપ્યું હતું. પૂજારા અને સહા વચ્ચે સાતમી વિકેટની ૧૯૯ રનની ભાગીદારી થઈ હતી. પૂજારા અને સહા આમ ભાગીદારીની બેવડી સદી ચૂક્યા હતા. પૂજારાએ વિજય સાથે બીજી વિકેટની સદીની ભાગીદારી નોંધાવી હતી. આ બંનેની વિકેટ બાદ જાડેજાએ અણનમ અડધી સદી ફટકારી હતી.

ડીઆરએસે સહાને બચાવ્યો

મેચ શરૂ થયાની બીજી જ ઓવરમાં કમિન્સે ઇનસ્વિંગર નાખ્યો હતો, જે સહાનાં પેડ પર વાગ્યો હતો. સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા વિકેટ માટે જોરદાર અપીલ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાની અપીલ બાદ ક્રિશ જૈફનીએ સહાને આઉટ આપ્યો હતો. સહાએ તરત જ પૂજારા સાથે ચર્ચા કરીને ડીઆરએસની માગ કરી. ટીવી એમ્પાયરે સહાને નોટઆઉટ જાહેર કર્યો હતો, તેને કારણે ટીમ ઇન્ડિયામાં ખુશીનું અને કાંગારુઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter