લંડનઃ બ્રિટનની પુરુષ રિલે ટીમ (4x400 મીટર)ને લંડન ડાયમંડ લીગ દરમિયાન 1997 વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ સત્તાવાર રીતે અપાયો છે. આ સન્માન તેમને અમેરિકન ટીમના ડોપિંગમાં દોષિત ઠર્યા બાદ હવે અપાયો છે. એથેન્સમાં 28 વર્ષ અગાઉ જીતેલ અમેરિકન ટીમનું ટાઈટલ આંચકી લેવાયું. જ્યારે એથ્લિટ એન્ટોનિયો પેટિગ્રુએ 2008માં સ્વીકાર્યું હતું કે તે 1997 થી 2003 વચ્ચે ડોપિંગમાં સંડોવાયેલો હતો.
લાંબી તપાસ અને અપીલ પ્રક્રિયા બાદ ત્યારની સિલ્વર મેડલિસ્ટ બ્રિટનને ગોલ્ડ આપવાનો નિર્ણય લેવાયો હતો. 60 હજાર દર્શકોની હાજરીમાં લંડન સ્ટેડિયમમાં વર્લ્ડ એથ્લેટિક્સના અધ્યક્ષ સેબેસ્ટિયને રોજર બ્લેક, ઈવાન થોમસ, જેમી બાઉલ્ચ, માર્ક રિચર્ડસન અને માર્ક હિલ્ટન (હીટમાં દોડ્યા હતા)ને ગોલ્ડ મેડલ પહેરાવ્યો હતો. આ ખેલાડીઓની તે સમયે સરેરાશ વય 24.4 વર્ષ હતી અને હવે ગોલ્ડ લેતાં સમયે 52.4 વર્ષ. બ્રિટને આ સમયે 2029 વર્લ્ડ એથ્લેટિક્સની યજમાની માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી.