એશિયા કપમાં ભારતનો દબદબો યથાવત્ રહ્યાો

Tuesday 30th September 2025 06:46 EDT
 
 

દુબઇઃ ડાબેરી બેટર તિલક વર્માએ શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારતાં ભારતે એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામે જોરદાર લડત આપીને ભારતને પાંચ વિકેટે રોમાંચક વિજય અપાવ્યો હતો. ભારત એક સમયે નબળી સ્થિતિમાં આવી ગયું હતું પરંતુ તિલક વર્માએ છેક સુધી હિંમત હાર્યા વિના બેટિંગ કરી હતી.
આ સાથે એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે પોતાના આ કટ્ટર હરીફ સામે વર્ચસ્વ કાયમ રાખ્યું હતું. પાકિસ્તાનને આ ટુર્નામેન્ટમાં સળંગ ત્રીજા રવિવારે ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આમ આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતે વિજયની હેટ્રિક નોંધાવી હતી.
અહીંના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાન તેની 20 ઓવર પૂરી કરી શક્યું ન હતું અને 19.1 ઓવરમાં 146 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગયું હતું જેના જવાબમાં ભારતે 19.4 ઓવરમાં પાંચ વિકેટે 150 રન કર્યા હતા. તિલક વર્મા 53 બોલમાં ચાર સિક્સર સાથે 69 રન ફટકારીને અણનમ રહ્યો હતો.
મેચ જીતવા માટે 147 રનના ટારગેટ સામે રમતાં ભારતે પણ કંગાળ પ્રારંભ કર્યો હતો. જે રીતે પાકિસ્તાને અંતમાં વિકેટો ગુમાવી હતી તે રીતે ભારતે શરૂઆતમાં વિકેટો ગુમાવી હતી. ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ બેટર અભિષેક શર્માનું નુકસાન ભારતને ભારે પડ્યું હતું તે બીજી ઓવરના પહેલા બોલે ફહીમ અશરફના બોલે આઉટ થઈ ગયો હતો તો શુભમન ગિલ 12 અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે માત્ર એક રન કરીને આઉટ થઈ જતાં ભારતે ચોથી ઓવરના અંતે 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
તિલક વર્મા અને સંજુ સેમસને સ્કોર 77 સુદી પહોંચાડ્યો ત્યારે સેમસન મક્કમ રીતે રમી રહ્યો હતો પરંતુ પ્રતિભાશાળી સ્પિનર અબરાર અહેમદે તેને આઉટ કરી દીધો હતો. સંજુએ 21 બોલમાં 24 રન ફટકાર્યા હતા. આ પછી તિલક વર્મા અને શિવમ દૂબેએ શાનદાર લડત આપીને ટીમનો સ્કોર 77થી 137 સુધી પહોંચાડયો હતો. 19મી ઓવરના છેલ્લા બોલે શિવમ દૂબે 22 બોલમાં બે સિક્સર સાથે 33 રન ફટકારીને આઉટ થયો હતો. તે સમયે ભારતને જીતવા માટે દસ રનની જરૂર હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter