ઓવલ ટેસ્ટમાં ૫૦ વર્ષે ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું

Wednesday 08th September 2021 05:27 EDT
 
 

લંડન: ટીમ ઇંડિયાએ ૫૦ વર્ષ બાદ ઓવલમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે, અને આમાં બે ગુજરાતી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનું મહત્ત્વનું પ્રદાન છે. આ મેદાન પર ભારતીય ટીમે છેલ્લે ૧૯૭૧માં વિજય મેળવ્યો હતો. ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ૧૫૭ રનથી હરાવીને વિરાટ કોહલીની ટીમે ગયા સપ્તાહના પરાજયનો બદલો લેવાની સાથે સાથે જ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે.
પ્રવાસી ભારતે આપેલા ૩૬૮ રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૨૧૦ રનમાં સમેટાઇ ગયો હતો. યજમાન ટીમ તરફથી ઓપનર હસીબ હમીદે સર્વાધિક ૬૩ રન બનાવ્યા હતા. ૧૩૭ રન કરીને ભારતના વિજયનો પાયો નાંખનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારત માટે ઉમેશ યાદવે ૬૦ રનમાં ત્રણ તો જસપ્રીત બુમરાહે ૨૭ રનમાં બે, શાર્દુલ ઠાકુરે ૨૨ રનમાં બે અને રવીન્દ્ર જાડેજાએ ૫૦ રનમાં બે વિકેટ ખેરવી હતી.
ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભારતે માત્ર બીજી વખત એક જ શ્રેણીમાં બે ટેસ્ટ જીતી છે. આ પહેલાં ૧૯૮૬માં કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતે આ સિદ્ધિ મેળવી હતી. ૨૦૦૭ બાદ રમાયેલી ત્રણેય શ્રેણીમાં ભારતનો પરાજય થયો હતો. ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતે ૧-૦થી શ્રેણી જીતી હતી. ૨૦૧૮માં કોહલીની ટીમને પાંચ મેચની શ્રેણીમાં ૧-૪થી પરાજયનો સામનો કરવો પડયો હતો. કોહલીએ સુકાની તરીકે ઇંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટ જીતી છે, જે ભારતીય સુકાની તરીકે સર્વાધિક છે. ઇંગ્લેન્ડ સામે કેપ્ટન તરીકે કપિલે બે ટેસ્ટ જીતી હતી. ધોની, દ્રવિડ, ગાંગુલી અને વાડેકરે એક-એક ટેસ્ટ જીતી હતી. ભારતના અન્ય ૧૦ કેપ્ટન ઇંગ્લેન્ડમાં એક પણ ટેસ્ટ જીતી શક્યા નથી.
બુમરાહે કપિલનો રેકોર્ડ તોડયો
ભારતીય પેસ બોલર જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પાંચમા દિવસે ઓલી પોપને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ વિકેટ પૂરી કરી હતી. આ સાથે તેણે કપિલ દેવની ફાસ્ટેસ્ટ ૧૦૦ વિકેટના રેકોર્ડને બ્રેક કર્યો હતો. બુમરાહે માત્ર ૨૪ ટેસ્ટમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. કપિલે ૨૫ મેચમાં, ઇરફાન પઠાણે ૨૮ મેચમાં તથા મોહમ્મદ શમીએ ૨૯ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
રોહિતની સદી - ભારતનો ટેસ્ટ વિજય
ઓપનર રોહિતે ટેસ્ટ મેચમાં સદી ફટકારી હોય તેવી તમામ મેચમાં ભારતનો વિજય થયો છે. રોહિતે વિન્ડીઝ સામે ૧૭૭ અને અણનમ ૧૧૧, ૨૦૧૭માં શ્રીલંકા સામે અણનમ ૧૦૨, ૨૦૧૯માં સાઉથ આફ્રિકા સામે ૧૭૬, ૧૨૭ (બંને વિશાખાપટ્ટનમ) તથા ૨૧૨ (રાંચી) અને ઇંગ્લેન્ડ સામે ચાલુ વર્ષના જાન્યુઆરીમાં ચેન્નાઇ ખાતે ૧૬૧ રનની ઇનિંગ રમી હતી.
રોહિતે સર્જી સિદ્ધિની હારમાળા
રોહિતે આ ટેસ્ટમાં વિક્રમની વણઝાર સર્જી છે. સચિન તેંડુલકર બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૧૧ હજાર રન પૂરા કર્યા હતા. તેણે આ માટે ૨૪૬ ઇનિંગ્સનો સમય લીધો હતો. સચિને ૨૪૧ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ઓપનર તરીકે રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૧ હજાર રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન છે. ક્રિસ ગેઇલે હાઇએસ્ટ ૧૮૮૪૭, ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ૧૪૮૦૩ તથા બાંગ્લાદેશના તમીમ ઇકબાલે ૧૪૧૭૩ રન બનાવ્યા છે.
આ સાથે જ રોહિતે પ્રથમ વખત એક જ ટેસ્ટ શ્રેણીમાં ૭૦૦ કરતાં વધારે બોલ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સાથે વિદેશમાં પણ તેણે પ્રથમ વખત એક જ શ્રેણીમાં ૩૦૦ પ્લસ રન બનાવ્યા છે. રોહિતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓપનર તરીકે ૧૧ હજાર રન પૂરા કરનાર ચોથો ખેલાડી બન્યો છે. ઇનિંગનો ૮૦મો રન કરવાની સાથે ટેસ્ટમાં રોહિતના ૩૦૦૦ રન પૂરા થયા હતા.
ઇંગ્લેન્ડ સામે રોહિતની બીજી સદી છે. ઇંગ્લેન્ડમાં ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં રોહિતે વિક્રમજનક નવમી સદી નોંધાવી વિન્ડીઝના બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સના રેકોર્ડની બરોબરી કરી છે. રોહિત ઇંગ્લેન્ડમાં હાઇએસ્ટ સદી નોંધાવવાના મામલે પ્રથમ છે. તેણે રાહુલ દ્રવિડ (૮ સદી)નો રેકોર્ડ બ્રેક કર્યો છે. ઓવલમાં ઓપનર તરીકે સદી નોંધાવનાર રોહિત છઠ્ઠો ભારતીય છે. આ પહેલાં ઓવલમાં વિજય મર્ચન્ટ, ગાવસ્કર, રવિ શાસ્ત્રી, રાહુલ દ્રવિડ, લોકેશ રાહુલે ઓપનર તરીકે સદી નોંધાવી હતી.
૨૪૩૩ના ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વખત...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટમાં એક રસપ્રદ રેકોર્ડ નોંધાયો હતો. બંને ટીમના કુલ ચાર બેટ્સમેનો વિરાટ કોહલી, રોરી બર્ન્સ, ક્રિસ વોકિસ અને રિષભ પંત ૫૦-૫૦ રન બનાવીને આઉટ થયા હતા. અત્યાર સુધી રમાયેલી કુલ ૨૪૩૩ ટેસ્ટમાં પ્રથમ વખત એક જ મેચમાં ચાર બેટ્સમેનો એક સરખા સ્કોરે આઉટ થયા હોય તેવો આ પ્રથમ બનાવ બન્યો હતો.
રાહુલને ૧૫ ટકા મેચ ફીનો દંડ
ભારતના ઓપનિંગ બેટ્સમેન કે. એલ. રાહુલને ગયા શનિવારે અમ્પાયરના નિર્ણય સામે નારાજગી દર્શાવવા બદલ આઇસીસીએ મેચ ફીના ૧૫ ટકાનો દંડ ફટકાર્યો છે. આ ઘટના એ સમયની છે કે જ્યારે ભારત ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટના બીજા દાવમાં રોહિત અને રાહુલ વચ્ચે ૮૨ રનની પાર્ટનરશીપ થઈ હતી. આ સમયે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને રાહુલને ૪૬ના સ્કોર ઉપર આઉટ કર્યો હતો. વિકેટકિપર બેયરસ્ટોએ કેચ કર્યો હતો. અમ્પાયરે ઇંગ્લેન્ડના ખેલાડીઓની અપીલને નકારી રાહુલને નોટઆઉટ આપ્યો હતો. આ પછી ઇંગ્લેન્ડે રિવ્યૂ લીધો હતો અને થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. આ નિર્ણય સામે રાહુલે નાખુશી દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter