ઓસ્ટ્રેલિયા ટી૨૦ વર્લ્ડ ચેમ્પિયનઃ ટીમે શૂઝમાં બિયર પીને ઉજવણી કરી!

Wednesday 17th November 2021 05:52 EST
 
 

દુબઇ: વન-ડે વર્લ્ડ કપમાં વિક્રમજનક પાંચ વખત ચેમ્પિયન બની ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમે રવિવારે આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવીને વધુ એક ટ્રોફી પોતાના નામે કરી હતી. શાનદાર વિજય બાદ ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ શૂઝની અંદર બિયર ભરીને તેને પીતા જોવા મળ્યા હતા. વિજયની આ ઊજવણીને આઈસીસીએ પોતાની ટ્વિટ ઉપર પોસ્ટ કરી હતી.
ઊજવણીનો આ અનોખો અંદાજ શા માટે છે તે જાણવું પણ રસપ્રદ બાબત છે. આ એક એવી પરંપરા છે જે તેની ઊજવણી કરનાર લોકોમાં ગૂડ લકનો સંકેત માનવામાં આવે છે અને આ પરંપરા આજે પણ ઓસ્ટ્રેલિયામાં અંત્યંત લોકપ્રિય છે અને તેને શૂઈ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે.
પ્રથમ વખત ટૂર્નામેન્ટ જીતી
દુબઇમાં રવિવારે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ૮ વિકેટે હરાવ્યું તે સાથે જ ઓસ્ટ્રેલિયા ટી૨૦ ઈન્ટરનેશનલ ફોર્મેટમાં પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૧૭૩ રન કરીને વિજયી લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. મિશેલ માર્શે અણનમ ૭૭ રનની ઈનિંગ્સ રમી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે ૪ વિકેટે ૧૭૨ રન કર્યા હતા. જ્યારે વિલિયમ્સન (૮૫) ટોપ સ્કોરર રહ્યો હતો. ૧૭૩ રનને ચેઝ કરતા ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર(૫૩)એ અડધી સદી ફટકારી હતી. તો ફિન્ચ માત્ર ૫ રન કરી શક્યો હતો. જ્યારે માર્શ (અણનમ ૭૭)એ મેક્લવેલ (અણનમ ૨૮) સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. આઈસીસી નોકઆઉટ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયાની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ સતત પાંચમી જીત છે.
૧૯૯૦ના દસકથી પરંપરા
ઉજવણી તરીકેની આ પરંપરામાં ઓસ્ટ્રેલિયન સહિત વિશ્વના ઘણા રમતવીરો માત્ર શૂઝમાં બિયર પીવા ઉપરાંત તેને ઝડપથી પીને શર્ટ ઉપર ઢોળાય તેવા પ્રયાસ પણ કરતા હોય છે. બિયરથી ભીના થયેલા શૂઝ કોઈ એક ખેલાડીએ પૂરી રાત પહેરીને રાખવો પડે છે. ઓસ્ટ્રેલિયામાં શૂઈ પરંપરાને વિજયની ઊજવણી તરીકે મનાવવાનું ચલણ ૨૦ વર્ષ પહેલાં શરૂ થયું હતું. ૧૯૯૦ના દશકામાં ઓસ્ટ્રેલિયન ફિશિંગ અને આઉટડોર બ્રાન્ડ્સ દ્વારા શૂઝમાં બિયર પીને ઊજવણી કરવાની પરંપરા શરૂ કરાઇ હતી.
શૂઝમાંથી ડ્રિંક સારું કે ખરાબ?
સીધો જ શૂઝમાં ભરેલો બિયર પીવો આસાન નથી. ઘણા લોકો શૂઈ પરંપરાને હેલ્થ માટે સારી માનતા નથી અને આ પરંપરાને પૂરી કરી શકતા નથી. ઓસ્ટ્રેલિયામાં પરંપરાને જાળવવી ફરજિયાત પણ નથી. જોકે પ્રશ્ન એ છે કે શૂઝમાં ભરેલો બિયર પીવો તે હેલ્થ માટે સારો છે કે નહીં? જવાબ છે શૂઈ પરંપરામાં હેલ્થને કોઈ નુકસાન થતું નથી. જે કોઈના પગ નોર્મલ અને સ્વસ્થ છે અને શૂઝ તેને સંપૂર્ણ ફીટ છે તો ઈન્ફેક્શનનું જોખમ નહિવત્ થઈ જાય છે.
ઊજવણીની આ પરંપરામાં તમે પોતાના શૂઝ કાઢીને તેમાં દારૂ કે બિયર ભરો છો અથવા પોતાના કોઈ મિત્રના શૂઝને નોમિનેટ કરી શકો છો, જે દારૂના પાત્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે તે શૂઝ વિશેષ બની જાય છે અને એક બિયરનું પૂરું કેન તેમાં ઠાલવી દેવાય છે. એક વ્યક્તિ શૂઝમાં ભરેલો બિયર પીવે છે અને બીજાનો નંબર આવે ત્યારે તેમાં ફરીથી ભરવામાં આવે છે અને આમ શૂઝ રાઉન્ડમાં આગળ વધતું જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter