ઓસ્ટ્રેલિયાને કચડી ટી૨૦ સિરીઝ જીતતું ભારત

Saturday 30th January 2016 06:07 EST
 
 

મેલબોર્નઃ ટીમ ઇંડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર અડધી સદીના સહારે ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી૨૦ મેચમાં પણ હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં ૨-૦થી સિરીઝ કબ્જે કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં રમાયેલી આ મેચ ટીમ ઇંડિયાએ ૨૭ રને જીતી હતી.
શુક્રવારે, ૨૯ જાન્યુઆરીએ રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપતા ભારતે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૮૪ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ આઠ વિકેટે ૧૫૭ રન બનાવી શકી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા વન-ડે અને ટી૨૦ સિરીઝમાં ફોર્મમાં રહેલા રોહિત શર્માએ ફરી એક વાર આકર્ષક શરૂઆત કરતાં ઓસ્ટ્રેલિયાના બોલરોને પ્રથમ ઓવરથી જ ફટકાર્યા હતા. બીજી તરફ શિખર ધવને પણ તેનો સાથ આપતા મેદાનમાં ફટકાબાજી ચાલુ રાખી હતી. રોહિત શર્માએ ૪૭ બોલમાં ૬૦ જ્યારે શિખર ધવને ૩૨ બોલમાં ૪૨ રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ બાદ શાનદાર બેટિંગ કરીને ફક્ત ૩૩ બોલમાં ૫૯ રનની અણનમ ઇનિંગ રમી હતી.
૧૮૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી ફિંચે આક્રમક શરૂઆત કરી હતી. યજમાન ટીમે પ્રથમ ૯.૫ ઓવરોમાં જ સ્કોર ૯૪ રને પહોંચાડી દીધો હતો. જોકે આ પછી સમયાંતરે અશ્વિન, હાર્દિક પંડયા, જાડેજા અને યુવરાજે વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલિયાની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૭ રન જ બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને જાડેજાએ ૨-૨ વિકેટ ઝડપી હતી જ્યારે અશ્વિન, હાર્દિક પંડયા અને યુવરાજે એક-એક વિકેટ ઝડપી હતી.

ધોનીનો નવો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયામાં ટી૨૦ સિરીઝ જીતવાની સાથે જ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઓસ્ટ્રેલિયામાં બે સિરીઝ જીતનારો પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. જ્યારે વિશ્વમાં સાતમો કેપ્ટન બન્યો છે.

ધવન-રોહિતે વિક્રમ તોડ્યો

ભારતના રોહિત શર્મા (૬૦) તથા શિખર ધવને (૪૨) ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી૨૦ મેચમાં પ્રથમ વિકેટ માટે ૯૭ રનની ભાગીદારી નોંધાવીને મેલબોર્નમાં નવો વિક્રમ નોંધાવ્યો છે. રોહિત-ધવનના નામે હવે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરનેશનલ ટી૨૦ મેચમાં પ્રથમ વિકેટ માટે હાઇએસ્ટ રનની ભાગીદારીનો રેકોર્ડ નોંધાયો છે.
ભારતીય ઓપનર્સે ઇંગ્લેન્ડના ઇયાન બેલ તથા સ્ટિવ ડેવિસ દ્વારા ૧૪ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ પ્રથમ વિકેટ માટે નોંધાયેલા ૬૦ રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. એમસીજી ખાતે પ્રથમ વિકેટ માટેની ત્રીજી સૌથી મોટી ભાગીદારી માઇકલ ક્લાર્ક તથા એડમ ગિલક્રિસ્ટના નામે નોંધાયેલી છે. આ બન્નેએ ૨૦૦૮ની પહેલી ફેબ્રુઆરીએ ભારત સામે ૫૭ રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજા ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ તથા કેમરુન વ્હાઇટે ઇંગ્લેન્ડ સામે ૨૦૧૪ની ૩૧મી જાન્યુઆરીએ ૪૮ રનની ભાગીદારી નોંધાવી હતી. 

એમસીજીમાં સૌથી મોટો સ્કોર

ભારતે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટે ૧૮૪ રન બનાવીને એમસીજીમાં ઓસ્ટ્રેલિયાના રેકોર્ડને તોડી નાખ્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાએ એમસીજીમાં ૨૦૦૯ની ૧૧મી જાન્યુઆરીએ સાઉથ આફ્રિકા સામે નવ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter