ઓસ્ટ્રેલિયામાં ગાબા ગઢ સર કરીને ઇતિહાસ રચ્યો ટીમ ઇંડિયાએ

Wednesday 20th January 2021 04:22 EST
 
 

બ્રિસબેનઃ છેલ્લાં ત્રણ દસકામાં કોઈ દેશે હાંસલ ન કરી હોય તેવી સિદ્ધિ ટીમ ઇંડિયાએ હાંસલ કરી છે. બ્રિસબેનના ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા છેલ્લે ૧૯૮૮માં હાર્યું હતું, ત્યારબાદ ત્યાં હાર્યું ન હતું, પરંતુ આજે - મંગળવારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને તેનો ૩૨ વર્ષ જૂનો રેકર્ડ તોડ્યો છે.
આ સાથે જ ભારતે ૨-૧થી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી જીતી છે. ભારતે બીજી ઇનિંગમાં સાત વિકેટે ૩૨૮ રનનો સ્કોર કરીને મેચ જીતી હતી. પાંચ વિકેટ પડ્યા પછી ઋષભ પંત અને વોશિંગટન સુંદરની ૫૦ રનની ભાગીદારીએ ભારતને રોમાંચક જીત અપાવી હતી. શુભમન ગિલે ૯૧ રન અને ચેતેશ્વર પુજારાએ ૫૬ રન કર્યા હતા. આ બંને ખેલાડીઓની ભાગીદારીએ ટીમને સારી સ્થિતિમાં મૂકી હતી. ત્યારબાદ પંત (અણનમ ૮૯) અને વોશિંગ્ટન સુંદર (૨૨) ટીમને વિજય પંથે દોરી ગયા હતા. શુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાની ધૈર્યપૂર્ણ અને જવાબદારી ભરેલી બેટિંગને લીધે ભારતે બ્રિસબેનમાં ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને સામે ધમાકેદાર જીત મેળવી હતી.
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમને અભિનંદન આપતા ટ્વિટ કર્યું હતુંઃ કરીને કહ્યું, ‘ધમાકેદાર જીત. ઓસ્ટ્રેલિયા જઈને તેમની સામે આવી રીતે જીતવું એ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં યાદગાર રહેશે. બીસીસીઆઈ બોનસ પેટે ખેલાડીઓને ૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરે છે. આ જીત આંકડાઓની ઉપર છે.’ આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યું હતું, ‘ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની જીત આપણા સૌ માટે ખૂબ આનંદજનક છે. તેમનો ઉત્સાહ અને જનૂન આખી રમતમાં દેખાઈ આવતું હતું.’

ઓસ્ટ્રેલિયાની વર્ષો બાદ હાર

બ્રિસ્બેનના ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સતત ૩૧ મેચ જીત્યું છે. ઓસ્ટ્રેલિયા છેલ્લે ૧૯૮૮માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યું હતું. ત્યારબાદ ભારત સામે હાર્યું છે. છેવટે ૨૦૧૨માં સાઉથ આફ્રિકા સામે મેચ ડ્રો થઈ હતી. હાલ સુધી સાત ટેસ્ટ સતત જીત્યું છે. ભારત સતત ત્રીજી વખત બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં વિજેતા બન્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને સતત બીજી વખત હરાવી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી છે.

અગાઉ શું-શું થયું?

બ્રિસબેનના ગાબા મેદાનમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ ૨૯૪ રન પર સમેટાઈ ગઈ. આ રીતે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે જીત માટે ૩૨૮ રનનું લક્ષ્ય મૂક્યું હતું. મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરની પ્રભાવશાળી બોલિંગના કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને ૨૯૪ રન પર ઓલઆઉટ કર્યું હતું. ભારતે પહેલી ઇનિંગમાં ૩૩૬ રન કર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૩૬૯ રન કર્યા હતા. આમ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગના આધારે ૩૩ રનની સરસાઈ મળી હતી.
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં પહેલી વખત પાંચ વિકેટ લીધી, જ્યારે શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ પોતાના નામે કરી. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં સ્ટીવ સ્મિથે સૌથી વધારે ૫૫ રન કર્યા, જ્યારે ડેવિડ વોર્નરે ૪૮ અને માર્કસ હેરિસે ૩૮ રન કર્યા હતા.

શાર્દુલ-વોશિંગ્ટનની જોડીએ કરી કમાલ

બ્રિસબેનમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ ૩૩૬ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં ૩૬૯ રન બનાવ્યા હતા. મતલબ કે ઓસ્ટ્રેલિયાને હવે ભારત સામે ૩૩ રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં રોહિત શર્મા, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, ગિલ, મયંક અગ્રવાલ, ઋષભ પંત જેવા ખેલાડીઓ આઉટ થઈ ગયા એ પછી શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની જોડી થકી ભારતે મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. શાર્દુલ ઠાકુર ૬૭ રન બનાવીને બોલ્ડ થયો હતો જ્યારે સુંદર સ્ટાર્કની ઓવરમાં કેચઆઉટ થયો હતો. રોહિત શર્માએ ૪૪ રન જ્યારે રહાણેએ ૩૭ અને પુજારાએ ૨૫ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં ૩૬૯ રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતના ઘણા ખેલાડી ઈજાને કારણે મેચમાંથી બહાર છે.

બ્રિસબેનનો ઇતિહાસ શું કહે છે?

માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની કોઈ પણ ટીમ માટે બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા સામે જીતવું ક્યારેય આસાન રહ્યું નથી. હકીકત તો એ છે કે ૧૯૮૮ના નવેમ્બરમાં એટલે કે ૩૨ વર્ષ અગાઉ બ્રિસબેનના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિયન રિચાર્ડ્સની આગેવાની હેઠળની કેરેબિયન ટીમે ટેસ્ટ જીતી હતી.
ગોર્ડન ગ્રિનીજ, ડેસમન્ડ હેઇન્સ, માલ્કમ માર્શલ અને કર્ટની વોલ્શ જેવા ધુરંધરોની મદદથી વેસ્ટ ઇન્ડિઝે નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. બસ, છેલ્લાં ૩૨ વર્ષમાં ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાનો આ એકમાત્ર પરાજય હતો. આ સિવાય ગાબા ખાતે ૧૯૮૯થી અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા ૩૧ ટેસ્ટ રમ્યું છે અને તેમાંથી ૨૪ મેચમાં તેનો વિજય થયો છે જ્યારે સાત મેચ ડ્રો રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter