કોલકતા આઉટ, હૈદરાબાદ ક્વોલિફાયર-ટુમાં

Thursday 26th May 2016 04:39 EDT
 
 

નવી દિલ્હીઃ કોલકતા નાઇટ રાઇડર્સ આઇપીએલમાંથી આઉટ થઇ ગયું છે. ગુરુવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સને ૨૨ રને હરાવીને આઈપીએલ-૯ની ક્વોલિફાયર-ટુમાં સ્થાન પાક્કું કર્યું હતું. શુક્રવારે યોજાનારા આ મુકાબલામાં હૈદરાબાદ અને ગુજરાત લાયન્સ ટકરાશે.
પ્રથમ ક્વોલિફાયર મુકાબલામાં ગુજરાત લાયન્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે હારી ગઈ હતી. ગુજરાતે લીગ રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હોવાથી એલિમિનેટર મુકાબલામાં જીત મેળવનાર હૈદરાબાદ સામે ટકરાશે.
ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં યુવરાજ સિંહના ૪૪ રન અને હેનરિક્સના ૩૧ રનની મદદથી ૨૦ ઓવરના અંતે આઠ વિકેટના ભોગે ૧૬૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકતાની ટીમ ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને ૧૪૦ રન કરી શકી હતી.
૩૧ રન ફટકારવા ઉપરાંત ત્રણ ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ ઝડપનાર મોઇઝિસ હેનરિક્સ મેન ઓફ ધ મેચ થયો હતો.
૧૬૩ રનના ટાર્ગેટ સામે કોલકતાએ ૧૫ રનમાં ઓપનર ઉથપ્પાની વિકેટ ગુમાવ્યા બાદ ગંભીર અને કોલિન મુનરોએ ટીમને સંભાળતાં સ્કોર ૫૦ રનની પાર પહોંચાડયો હતો. બંને સેટ થઈ ગયા હતા ત્યારે મુનરો રનઆઉટ થયો હતો. બાવન રને બીજી વિકેટ ગુમાવ્યા બાદ ગંભીર ૨૮ રને અને યુસુફ પઠાણ બે રને આઉટ થતાં કોલકતાએ ૬૯ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવ અને મનીષ પાંડેએ સ્કોરબોર્ડ ફરતું રાખી સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો હતો. ૧૧૫ રનના સ્કોરે સૂર્યકુમાર યાદવ આઉટ થયો હતો. આ વખતે કોલકતાને જીત માટે ૨૫ બોલમાં ૪૮ રનની જરૂર હતી.
મનીષ પાંડે મેદાને હતો ત્યારે કોલકાતાને આશા હતી, પરંતુ ૧૨૫ રનના કુલ સ્કોરે મનીષ પાંડે આઉટ થયા બાદ કોલકતાની આશા પર પાણી ફરી વળ્યું હતું. કોલકતાએ અંતિમ ઓવરમાં જીત માટે ૨૫ રન કરવાના હતા. આની સામે તેણે બે વિકેટ ગુમાવી હતી અને માત્ર બે રન કરતાં ૨૨ રને પરાજય થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter