કોહલીએ ટી૨૦ અને આઇપીએલની કેપ્ટનશિપ છોડીઃ તીર એક, શિકાર અનેક

Sunday 26th September 2021 15:04 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલીએ આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ બાદ ક્રિકેટના સૌથી નાની ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડવાનીજાહેરાત કરી છે. આ જાહેરાતના ત્રણ દિવસ બાદ તેણે આ જ ફોર્મેટમાં રમાતી આઇપીએલની રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ ટીમનું નેતૃત્વ છોડવાની પણ જાહેરાત કરી છે. તેના આ નિર્ણયથી તમામ ચકિત થયા છે પરંતુ આઇપીએલ ૨૦૨૧ શરૂ થવાના ત્રણ દિવસ પૂર્વે અને ટી૨૦ વર્લ્ડ કપના મહિના પૂર્વે કોહલીએ ટી૨૦ની કેપ્ટનશિપને અલવિદા કરીને એક મોટી ચાલ રમી છે. તેણે આમ કરીને એક તીરથી ઘણા નિશાન તાક્યા છે.
ટી૨૦ ટીમની કેપ્ટનશિપ છોડીને કોહલીએ ૨૦૨૩ના વર્લ્ડ કપ સુધી વન-ડે ક્રિકેટમાં પોતાના કેપ્ટનશિપના તાજને એક રીતે સુરક્ષિત કરી લીધો છે. એક પણ આઇસીસી ટ્રોફી જીતી નહીં હોવાથી તેના પર સતત દબાણ રહેતું હતું અને આ કારણથી તેના નેતૃત્વની વારંવાર ટીકાઓ પણ થતી હતી. કોહલીના નેતૃત્વમાં ભારત ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તથા ૨૦૧૯ના વર્લ્ડ કપમાં રમ્યું હતું, પરંતુ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્યારબાદ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે તેને પરાજય આપ્યો હતો. આમ કોહલી પાંચ વર્ષમાં આઇસીસીની ત્રણ મેજર ટૂર્નામેન્ટમાં ભારતને ચેમ્પિયન બનાવી શક્યો નથી.
કોહલીનો સ્માર્ટ નિર્ણય
ટી૨૦ વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ પોતે છોડી દેશે તેવી જાહેરાત કરીને કોહલીએ હાલ પૂરતા ઘણા સવાલોનો અંત લાવી દીધો છે. આ ઉપરાંત કેટલાક અન્ય કામ તેણે ઘણી સ્માર્ટ રીતે પણ કરી લીધા છે. જેમ કે,
• કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપ બાદ કેપ્ટનશિપ છોડી દેશે તેવી જાહેરાત કરી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે સુકાની તરીકે ટી૨૦ વર્લ્ડ કપમાં રમ્યો નથી. હવે તે આ સિદ્ધિ પણ હાંસલ કરી લેશે. કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી અને વન-ડે વર્લ્ડ કપ તથા આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સુકાની તરીકે નેતૃત્વ કર્યું છે.
• જો કોહલી ટી૨૦ વર્લ્ડ કપ જીતાડી દેશે તો તે આઇસીસી ટ્રોફી નહીં જીતી શકવાના ડાઘને મિટાવી દેશે અને ભારત આઠ વર્ષના દુકાળનો અંત લાવશે. જો ભારત ચેમ્પિયન ના બની શક્યું તો પણ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી ચૂક્યો હોવાના કારણે તેની સામે કોઇ આંગળી ચીંધશે નહીં.
• ભારત ટી૨૦ વર્લ્ડ કપ જીતે કે ના જીતે, તેણે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કરી લીધો હોવાના કારણે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ સુધી કોહલીની વન-ડે કેપ્ટનશિપ અંગે કોઇ ચર્ચા થશે નહીં કારણ કે સંભવિત રોહિત શર્મા પણ એક ફોર્મેટનો સુકાની રહેશે અને રોહિતને કેપ્ટન બનાવવો જોઇએ તેવી ચર્ચા કરાશે નહીં. આ સાથે સ્પિલ્ટ કેપ્ટનશિપની માગણી કરનાર સમર્થકોની ઇચ્છા પણ પૂરી થઇ ગઇ હશે. બીજી તરફ કોહલી પાસે ૨૦૨૩ના વર્લ્ડ કપ સુધી તેની ક્ષમતા સાબિત કરવાનો રસ્તો પણ આસાન બની જશે.
• જો ૨૦૨૨ના ટી૨૦ના વર્લ્ડ કપમાં રોહિત કે કોઇ અન્યની કેપ્ટનશિપમાં ભારત ચેમ્પિયન ના બની શકે તો કોઇ વન-ડેમાં પણ સુકાની બદલવો જોઇએ તેવી ચર્ચા કરશે નહીં કારણ કે બાકીના સુકાની પણ કોહલીના જેવા જ હશે. ત્યારબાદ ૨૦૨૪માં ફરીથી ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે ત્યાં સુધીમાં રોહિતે પણ કેપ્ટનશિપ છોડી દીધી હોય તેવી પણ સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter