કોહલીની ‘વિરાટ’ સિદ્ધિઃ એક વર્ષમાં ત્રણ 'ડબલ' સદી

Tuesday 13th December 2016 14:11 EST
 

મુંબઈઃ ટીમ ઇંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેન તરીકેની કારકિર્દીના સુવર્ણ યુગને આગળ ધપાવતા ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વિક્રમજનક ૨૩૫ રન ફટકાર્યા હતા. આ સાથે તેણે એક જ વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનારા ભારતના પ્રથમ બેટ્સમેન અને પ્રથમ કેપ્ટન તરીકે રેકોર્ડ બુકમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
કોહલીએ ૩૪૦ બોલમાં ૨૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૩૫ રનની મેરેથોન ઈનિંગ રમીને વિક્રમોની વણઝાર સર્જી હતી. કોહલી વિશ્વનો ત્રીજો એવો કેપ્ટન બન્યો છે કે, જેણે એક જ કેલેન્ડર વર્ષમાં ત્રણ વખત બેવડી સદી નોંધાવી હતી.
કોહલીએ સળંગ ત્રીજી ટેસ્ટ શ્રેણીમાં બેવડી સદી ફટકારી છે. તેણે કારકિર્દીની સૌપ્રથમ બેવડી સદી જુલાઈ ૨૦૧૬માં વિન્ડિઝ પ્રવાસમાં એન્ટીગુઆ ટેસ્ટમાં નોંધાવી હતી. આ પછી સપ્ટેમ્બરમાં ઘરઆંગણે રમાયેલી ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ઈન્દોર ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. અને હવે તેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં બેવડી સદી એમ સળંગ ત્રણ શ્રેણીમાં ત્રીજી બેવડી સદી નોંધાવી છે. આ ઉપરાંત તેણે ભારતીય કેપ્ટન તરીકે હાઈએસ્ટ સ્કોરનો ધોનીનો ૨૨૪ રનનો રેકોર્ડ પણ તોડ્યો છે.
કોહલીએ કારકિર્દીની ૧૫મી સદી સાથે કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી છે અને તે પણ એક જ કેલેન્ડર વર્ષમાં. અગાઉ ઓસ્ટ્રેલિયાનો માઈકલ ક્લાર્ક ૨૦૧૨માં અને ન્યૂઝિલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ ૨૦૧૪માં કેપ્ટન તરીકે ત્રણ કે વધુ બેવડી સદી ફટકારી ચૂક્યા છે. મેક્કુલમે ત્રણ જ્યારે ક્લાર્કે ચાર બેવડી સદી ફટકારી છે.
મુંબઇ ટેસ્ટમાં કોહલીને સાથ આપતાં નવમા ક્રમના બેટ્સમેન જયંત યાદવે ૧૦૨ રનની ઈનિંગ રમી હતી. કોહલી-યાદવની જોડીએ આઠમી વિકેટમાં ૨૪૧ રન જોડતા ભારતે ઈંગ્લેન્ડ પર પ્રથમ ઈનિંગમાં ૨૩૧ રનની સરસાઈ મેળવી હતી.

૮૦ની સરેરાશથી ૧૨૦૦ રન

કેપ્ટન કોહલીએ ચાલુ વર્ષે વિસ્ફોટક બેટીંગ ચાલુ રાખતાં ૧૧ ટેસ્ટની ૧૭ ઈનિંગમાં બે વખત નોટઆઉટ રહેતા ૧૨૦૦ રન ફટકાર્યા છે. આ સાથે તેણે આ સિઝનમાં ૮૦ની સરેરાશથી રન ફટકાર્યા છે, અને તેના નામે ચાર સદી અને બે અડધી સદી સામેલ છે.

મેરેથોન ઈનિંગ રેકોર્ડ બુકમાં

•કોહલી એક જ કેલેન્ડર વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારનારો ભારતીય ટેસ્ટ ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન અને પ્રથમ કેપ્ટન બન્યો છે. જ્યારે દુનિયાના ત્રીજા કેપ્ટન તરીકે તેને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. આ રેકોર્ડ બુકમાં અગાઉ ક્લાર્ક (૨૦૧૨માં ચાર) અને બ્રેન્ડન મેક્કુલમ (૨૦૧૪માં ત્રણ) સ્થાન ધરાવે છે.

• કોહલી દુનિયાનો માત્ર પાંચમો એવો બેટ્સમેન બન્યો છે કે, જેણે એક કેલેન્ડર વર્ષમાં ત્રણ કે વધુ બેવડી સદી ફટકારી હોય. અગાઉ બ્રેડમેન, પોન્ટીંગ, ક્લાર્ક અને મેક્કુલમ આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
• કોહલીએ સળંગ ત્રીજી ટેસ્ટ શ્રેણીમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. વિન્ડિઝ સામે જુલાઈ-૧૬માં ૨૦૦ રન, ન્યૂઝિલેન્ડ સામે ઓક્ટોબર-૧૬માં ૨૧૧ રન અને ઈંગ્લેન્ડ સામે ડિસેમ્બર-૧૬માં ૨૩૫ રન.
• કોહલીએ શ્રેણીમાં ૬૪૦ રન ફટકારીને ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન ફટકારનારા ભારતીય બેટ્સમેન તરીકેનો દ્રવિડનો (વર્ષ ૨૦૦૨, ૪ ટેસ્ટમાં ૬૦૨ રન) રેકોર્ડ તોડયો છે.
• ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ ૨૨૪ રનના વ્યક્તિગત સ્કોર ધોનીના નામે ૨૦૧૩માં નોંધાયેલો હતો. આ રેકોર્ડ પણ કોહલીએ તોડી નાંખ્યો છે. ધોનીએ ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે આ રેકોર્ડ સર્જ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter