ક્રિકેટના મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ

Wednesday 07th April 2021 06:11 EDT
 
 

મુંબઇઃ ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવાર - ૯ એપ્રિલથી શરૂ થઇ રહેલી આ લીગમાં ભાગ લઇ રહેલી તમામ આઠ ટીમો પોતાની સ્ટ્રેટેજીને આખરી ઓપ આપી રહી છે. આઇપીએલની આ સિઝન છ શહેરો દિલ્હી, કોલકતા, બેંગલૂરુ, મુંબઇ, ચેન્નઇ અને અમદાવાદમાં રમાશે. જો કોઇ પાછલા ત્રણ વર્ષમાં આ મેદાનો પર રમાયેલી તમામ ટી-૨૦ મેચ પર નજર ફેરવશે તો જણાશે કે પહેલી બોલિંગ કરનાર ટીમને વધુ લાભ થયો છે. ગયા વર્ષે કોરોના વાઇરસના કારણે ટૂર્નામેન્ટ યુએઇમાં રમાઇ હતી. જ્યારે આ વખતે ટૂર્નામેન્ટનું ભારતમાં પુનરાગમન થયું છે. કોરોનાના કારણોસર આ વખતે લીગનું ફોર્મેટ એવું ઘડાયું છે કે કોઇ પણ ટીમને હોમ ગ્રાઉન્ડમાં રમવાનો લ્હાવો નહીં મળે. તમામ આઠેય ટીમોને અલગ અલગ મેદાનોમાં મેચ રમવા પડશે. આનાથી ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટનને પોતાની સ્ટ્રેટેજી બદલવાની ફરજ પડશે.
જોકે બધાની નજર મુંબઇ ઇંડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને રોયલ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પર હશે. આઇપીએલ ટૂર્નામેન્ટનો સૌથી સફળ કેપ્ટન છે રોહિત શર્મા. તેણે આ ટ્રોફી પાંચ-પાંચ વખત જીતી છે, અને હવે તે છઠ્ઠી વખત ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. અત્યારે મુંબઇ ઇંડિયન્સની ટીમ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ફેવરિટ ગણાય છે. બીજી તરફ, કોહલી અત્યાર સુધીમાં એક પણ વખત હજુ સુધી આ ટ્રોફી જીતી શક્યો નથી. સ્વાભાવિક છે કે ક્રિકેટના તમામ ફોર્મેટમાં વિજયપતાકા લહેરાવનાર કોહલી આ વર્ષે ટ્રોફી જીતવા માટેના પ્રયાસમાં કોઇ કસર નહીં છોડે.
પૂજારા આક્રમક અંદાજમાં રમતો જોવા મળી શકે
ચેન્નઈ સુપરકિંગ્સે આ વખતે ચેતેશ્વર પૂજારાનો નવા જ સ્વરૂપમાં ઉપયોગ કરે તેમ માનવામાં આવે છે. પૂજારા ૨૦૧૪ની આઇપીએલ પછી પ્રથમ વખત જ આઇપીએલમાં રમશે. પૂજારાને ચેન્નઈ સુપરકિંગ્સે ૫૦ લાખના બેઝ પ્રાઇસમાં ખરીદ્યો છે. પૂજારાની છાપ ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ તરીકેની છે. આ વખતે જો તેને આઇપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ વતી રમવાની તક મળે તો તે આ છાપ ભૂંસવાનો ઇરાદો ધરાવે છે. આનો પુરાવો તેણે ચેન્નઈ સુપરકિંગ્સના ટ્રેનિંગ સેશન દરમિયાન આપ્યો હતો. તે નેટ બોલરો સમક્ષ સતત મોટા શોટ ફટકારવાની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. તેમાં સૌથી મહત્ત્વની બાબત તેનું બદલાયેલું સ્ટાન્સ છે. ચેન્નાઈ સુપરકિંગ્સના કોચ બાલાજીએ જણાવ્યું હતું કે પૂજારા તાજેતરમાં ક્રિકેટ જે સમર્પણની ભાવનાથી રમ્યો તેને સીએસકે બિરદાવવા માંગે છે અને એટલે જ તેને ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયામાં તેણે તાજેતરમાં કરેલો દેખાવ જબરજસ્ત છે. તેનું સન્માન તેને મળવું જ જોઈએ. તેથી ચેન્નાઈ સુપરકિંગ્સમાં લઈને અમે ખુશ છીએ.
અક્ષર પટેલ કોરોનાના સકંજામાં
આઇપીએલ ૨૦૨૧ને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોનો પોઝિટીવ આવ્યો છે. ટીમ માટે આ એક મોટો ઝટકો છે. દિલ્હી કેપિટલ્સના ફ્રેન્ચાઇઝી સૂત્રોએ જણાવ્યું કે અક્ષર પટેલ કોવિડ-૧૯ ટેસ્ટમાં પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. હવે તેને સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું પડશે. દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૦ એપ્રિલે મુંબઇમાં રમવાની છે. ટીમના બેટ્સમેન અને સુકાની શ્રેયસ ઐયર ઈજાના કારણે હાલની સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ટીમ માટે આ મોટો બીજો ફટકો કહી શકાય. અક્ષર પટેલ આઇપીએલમાં અત્યાર સુધીમાં ૯૭ મેચમાં તેની સ્પિન બોલીંગ સાથે ૮૦ વિકેટ ઝડપી ચુક્યો છે. અને ૯૧૩ રન બનાવ્યા છે. અક્ષર આ સિઝનમાં આઈપીએલ પહેલા કોરોના પોઝિટિવ બનનારો બીજો ખેલાડી છે. તેના પહેલા કોલકત્તા નાઈટ રાઇડર્સના ખેલાડી નીતીશ રાણાને કોરોના થયો હતો.
રવિન્દ્ર જાડેજા ફિટ, પહેલી મેચ રમશે
ચેન્નઇ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ફીટ છે. તે દિલ્હી કેપિટલ્સ સામેની પહેલી મેચ રમવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાડેજા મુંબઇમાં ચેન્નઇની પ્લેઇંગ ઇલેવનનો ભાગ હશે. જાડેજા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તો ઋતુરાજ ગાયકવાડ ચેન્નઇ માટે ઓપનિંગ કરશે. તેણે ગત સિઝનમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. આ વચ્ચે ચેન્નઇની ટીમ ફાસ્ટ બોલર હેજલવુડના રિપ્લેસમેન્ટ હજુ શોધી નથી શકી. તો આરસીબીનો પડીકલ કોરોના પોઝિટિવ આવ્યો છે તે શરૂઆતની બે મેચ નહીં રમે.
મુંબઇ ઇન્ડિયન્સ પાસે દરેક ખેલાડીનો વિકલ્પ
આઇપીએલની પાંચ વખત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સિઝનની પ્રથમ મેચમાં શુક્રવારે - ૯ એપ્રિલના રોજ ચેન્નઇના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં બેંગલૂરુ સાથે ટકરાશે. મુંબઇને ટૂર્નામેન્ટની સૌથી કમ્પલીટ ટીમ મનાય છે. તેની પાસે દરેક ખેલાડીનો બેક-અપ છે. ક્રિસ લેનન જેવા ખેલાડીની છેલ્લી સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. તે કોઇ પણ ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સરળતાથી સ્થાન મેળવી શકે છે. ટીમ શ્રેષ્ઠ પ્લાન બનાવે છે અને એના કરતાં પણ વધુ સારી રીતે તેને અમલમાં મુકે છે. મુંબઇમાં ટ્રેનિગ દરમિયાન તેમણે દરરોજ ખેલાડીઓનો ટેસ્ટ કર્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા જ મુંબઇની પ્લેઇંગ ઇલેવન સેટલ છે. કેપ્ટન રોહિત શર્મા અને કિવન્ટન ડી-કોકની જોડી ઇનિંગ્સની શરૂઆત કરે છે. જોકે, આશા છે કે રોહિત યુવાન કિશનને ઓપનિંગ માટે ઉતારી શકે છે. જો આમ થાય છે તો તે નંબર-૪ પર રમશે. ત્રીજા નંબરે સૂર્યકુમાર યાદવ છે. ત્યાર પછી પોલાર્ડ, હાર્દિક અને કૃણાલ જેવા ખેલાડીની ત્રિપુટી છે. મેચની પરિસ્થિતિ અનુસાર તેમના ક્રમમાં ફેરફાર કરાય છે. આ ઉપરાંત જિમી નિશામ, સૌરભ તિવારી, આદિત્ય તારે પણ ટીમમાં છે. ટીમ પાસે દુનિયાભર સૌથી શ્રેષ્ઠ બોલરોમાં સામેલ બુમરાહ અને બોલ્ટની જોડી છે. બોલ્ટ નવા બોલથી તો બુમરાહ ડેથ ઓવરમાં ઘાતક સાબિત થાય છે. આ ઉપરાંત એડમ મિલ્ને, કુલ્ટર-નાઇલ,માર્કો જાનસેન જેવા વિદેશી ફાસ્ટ બોલકોને પણ વિકલ્પ છે.
કેકેઆર પાસે ત્રીજી વાર ચેમ્પિયન બનવા સજ્જ
કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) આઈપીએલમાં પોતાના ગૌરવના દિવસો ફરી પાછા લાવવા માટે ઉત્સુક છે. ટીમની કમાન વર્લ્ડ ચેમ્પિયન સુકાની ઇયોન મોર્ગનના હાથમાં છે. જેમણે ૨૦૧૯માં ઇંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું. તે જાણે છે કે ચેમ્પિયનશિપ જીતવા માટે શું કરવું પડે છે. મોર્ગન સિઝનની શરૂઆતથી જ ટીમની કપ્તાની કરી કરશે. તેનાથી ફ્રેન્ચાઇઝીને ઘણો બુસ્ટ મળશે. ગત સિઝનમાં દિનેશ કાર્તિક સારું પ્રદર્શન કરવા છતાં તેની પાસેથી સુકાનીપદ છોડી દીધું હતું. ત્યારે મોર્ગને ખાસ કંઇ કરી શક્યો ન હતો કારણ કે ટૂર્નામેન્ટમાં અધવચ્ચે સુકાની પદ મળતા પોતાની યોજનાઓને સફળ બનાવી શક્યો ન હતો. આ વખતે મોર્ગન પર વધુ અપેક્ષાઓ રખાઈ છે.
દિલ્હીને પ્લે-ઓફમાં પહોંચવાની આશા
દિલ્હી કેપિટલ્સ ૧૦ એપ્રિલે ચેન્નઇ સામે વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલ ૨૦૨૧માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગયા વર્ષે ફાઇનલિસ્ટ રહેલી દિલ્હીને ક્યારેય નસીબનો સાથ મળ્યો નથી. પ્રથમ ત્રણ સિઝનમાં તેમની ટીમ શ્રેષ્ઠ હતી. પરંતુ મેનેજમેન્ટે બધાને હાંકી કાઢ્યા. ત્યાર પછી સતત નવા-નવા ખેલાડી ખરીદ્યા પરંતુ સફળતા મળી નહીં. ૨૦૧૫ પછી ટીમ અય્યર, પંત, શો જેવા યુવાનોને લીધા. પોન્ટિંગના હેડ કોચ બનતા ટીમનું પ્લે-ઓફમાં પહોંચવાનું પાકું દેખાઇ રહ્યું છે. જોકે ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં કેપ્ટન શ્રેયસ અય્યરનું ઇજાગ્રસ્ત બનવું ટીમ મોટ મોટો ઝટકો છે. તે મધ્યમ ક્રમનો મુખ્ય બેટ્સમેન હતો. તેને ૨૦૧૮માં કેપ્ટનશિપ મળ્યાં પછી પ્લે-ઓફમાં પહોંચી. તેના સ્થાને પંતને કેપ્ટન બનાવાયો છે. શિખર ધવન અને પૃથ્વી શોની જોડી ઇનિંગ્સની શરૂઆત કરશે. બંને શાનદાર ફોર્મમાં છે. ત્યાર પછી અજિંક્ય રહાણે, રિષભ પંત, માર્કસ સ્ટોઇનિસ અને હેટમાયરનો નંબર આવ્યો. ઇંગ્લેન્ડનો સેમ બિલિંગ્સ પણ છે. સ્મિથને શરૂઆતમાં ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે. હરાજીમાં પણ તેને બેઝ પ્રાઇઝથી માત્ર ૨૦ લાખ વધુ મળ્યા હતા.
રિષભ પંત આઇપીએલનો પાંચમો યંગેસ્ટ કેપ્ટન
ભારતીય વિકેટકીપર રિષભ પંત આઇપીએલની ૧૪મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે તે સાથે જ આઇપીએલના ઇતિહાસનો પાંચમો યંગેસ્ટ સુકાની બની જશે. ૨૩ વર્ષીય પંત ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ, વિરાટ કોહલી (આરસીબી), સુરેશ રૈના (સીએસકે) તથા શ્રેયસ ઐય્યર (ડીસી)ની ઇલિટ ક્લબમાં સામેલ થઇ જશે.
પેસ બોલિંગમાં પંજાબ કિંગ્સ મજબૂત
નવા નામ અને એક મજબૂત ટીમ સાથે પંજાબ કિંગ્સ આઇપીએલની ૧૪મી સિઝનમાં પોતાનું નસીબ બદલાશે તેવી આશા રાખી રહ્યું છે. જેના માટે ફ્રેન્ચાઈઝીએ ડેથ ઓવર્સમાં બોલિંગની ચિંતાને દૂર કરવાની સાથે મિડલ ઓર્ડરને પણ વધારે મજબૂત કર્યો છે. પંજાબની ટીમ ૨૦૨૦ની સિઝનમાં છઠ્ઠા ક્રમે રહી હતી. યુએઈ ખાતે રમાયેલી આઈપીએલના પ્રારંભિક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામેના વિવાદસ્પદ શોર્ટ રનની તેણે મોટી કિંમત ચૂકવી હતી. આ નિર્ણય પંજાબની ટીમની તરફેણમાં આવ્યો હોત તો તેણે ટોપ-૪માં સ્થાન મેળવ્યું હોત. આ દરમિયાન પેસ બોલર મોહમ્મદ શમીને બીજા છેડે કોઈ સમર્થન મળ્યું નહોતું અને લોંગ શોટ્સ રમનાર ગ્લેન મેક્સવેલ સંદતર ફ્લોપ રહ્યો હતો. જોકે ફ્રેન્ચાઇઝીએ ૧૪મી સિઝનમાં આ ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
૯૦ મિનિટમાં જ ઇનિંગ પૂરી કરવી પડશે
ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલ ૨૦૨૧ની સિઝનમાં ઇનિંગ્સના ટાઇમિંગ અંગે વધારે સખત પગલાં ભરી રહ્યું છે અને નવી પ્લેઇંગ કન્ડિશન અંગે બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી છે કે ૨૦મી ઓવર ૯૦મી મિનિટમાં પૂરી થઇ જવી જોઇએ. પહેલાં ૨૦મી ઓવર ૯૦મી મિનિટે શરૂ થઇ જવી જરૂરી હતી. બીસીસીઆઇએ આ નવી ગાઇડ લાઇન તમામ ફ્રેન્ચાઇઝીઓને મોકલી આપી છે. ફ્રેન્ચાઇઝીને મોકલવામાં આવેલા ઇ-મેલમાં બીસીસીઆઇએ જણાવ્યું છે કે મેચના ટાઇમિંગને નિયંત્રણમાં રાખવા માટે પ્રત્યેક ઇનિંગની ૨૦મી ઓવર ૯૦મી મિનિટે પૂરી થઇ જવી જોઇએ. આ નિયમ અંગે બોર્ડે એવી પણ સ્પષ્ટતા કરી છે કે આઇપીએલની મેચમાં પ્રત્યેક કલાકમાં સરેરાશ ૧૪.૧૧ ઓવર ફેંકવાની રહેશે અને તેમાં ટાઇમ આઉટ સામેલ કરાશે નહીં. કોઇ પણ અંતરાય વિના મેચની એક ઇનિંગ ૯૦ મિનિટમાં પૂરી થવી જરૂરી છે. બોર્ડના નિયમ મુજબ હવે ૯૦ મિનિટમાંથી ૮૫ મિનિટ રમતની અને પાંચ મિનિટ ટાઇમ આઉટની રહેશે. વિલંબવાળી મેચ અથવા વિઘ્નવાળી મેચમાં જ્યાં નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી ના થાય તો તેવી મેચોમાં ચાર મિનિટ અને ૧૫ સેકન્ડના સમય સાથે એક ઓવર ઓછી કરવામાં આવશે.

પૃથ્વી શોએ પ્રેક્ટિસનો ઇનકાર કર્યો હતો
યુવા બેટ્સમેન પૃથ્વી શોને પ્રતિભાશાળી માનવામાં આવે છે, પરંતુ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો હતો કે આઈપીએલની છેલ્લી સિઝનમાં જ્યારે પૃથ્વી આઉટ ઓફ ફોર્મ હતો ત્યારે તેણે નેટ્સમાં બેટિંગ કરવાનો ઇનકાર કરી દીધો હતો. પોન્ટિંગે આશા વ્યક્ત કરી છે કે આઇપીએલની ૧૪મી સિઝન પહેલા તેણે પોતાની ટ્રેનિંગની આદતોને સુધારી દીધી હશે. પોન્ટિંગે જણાવ્યું હતું કે ગયા વર્ષે તેણે નક્કી કર્યું હતું કે જો તે રન નહીં બનાવે તો નેટ્સમાં બેટિંગ કરવાનું ચાલુ રાખશે નહીં. પોન્ટિંગે જણાવ્યું હતું કે પૃથ્વીએ ચારથી પાંચ મેચમાં ૧૦ કરતાં ઓછો સ્કોર નોંધાવ્યો હતો અને હું તેને હંમેશાં કહેતો હતો કે નેટ્સમાં જવું જ જોઈએ અને સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ તેણે મને સ્પષ્ટ શબ્દોમાં બેટિંગ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કદાચ આગામી સિઝનમાં તે વધારે તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરશે તેવી મને આશા છે.
હેઝલવૂડે આઇપીએલ પડતી મૂકી, ચેન્નઇને ફટકો
ચેન્નાઈઃ આઇપીએલની ૧૪મી સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને તે પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદની જેમ ચેન્નઇ સુપર કિંગ્સને પણ મોટો ફટકો પડયો છે. હૈદરાબાદના મિચેલ માર્શે આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને હવે ઓસ્ટ્રેલિયાના અન્ય ખેલાડી જોશ હેઝલવૂડે પણ બાયો-બબલનું કારણ દર્શાવીને આઇપીએલને પડતી મૂકી છે. ચેન્નઇ સુપર કિંગ્સે હેઝલવૂડને ૨૦૨૧ની હરાજી પહેલાં રિટેન કર્યો હતો. હેઝલવૂડના સ્થાને ઇંગ્લેન્ડના પેસ બોલર માર્ક વૂડને સીએસકેમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. હેઝલવૂડે જણાવ્યું હતું કે આગામી એશિઝ તથા ભારતની યજમાનીમાં ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ માટે હું મારી જાતને વધારે સ્વસ્થ તથા ફિટ રાખવા માગતો હોવાના કારણે મેંઆઇપીએલમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. હું ચુસ્ત બાયો-બબલમાં તથા ક્વોરન્ટાઇનમાં લગભગ ૧૦ મહિના રહી ચૂક્યો છું અને હવે મારે મારા પરિવાર સાથે સમય ગાળવો છે. હું લગભગ બે મહિના મારા પરિવાર સાથે રહીશ. આ કારણથી મેં ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
ફોર્થ અમ્પાયરને વધારે જવાબદારી સોંપાઈ
આઇપીએલની મેચોના ટાઇમિંગને લઇને બીસીસીઆઇએ હવે ફોર્થ અમ્પાયરની જવાબદારી પણ વધારી દીધી છે. જો કોઇ બેટિંગ કરતી ટીમ જાણીજોઇને સમય વેડફતી હશે તો ફોર્થ અમ્પાયર તેને ચેતવણી આપી શકે તેવી પણ બોર્ડે સત્તા આપી છે. જો બેટિંગ ટીમના કારણે કોઇ બોલિંગ કરનારી ટીમ નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી ના કરી શકે તો બેટિંગ કરનાર ટીમના સમયમાં કાપ મૂકવામાં આવશે. આ સ્થિતિમાં ચોથો અમ્પાયર બેટિંગ કરનાર ટીમના સુકાની અને ટીમ મેનેજર બંનેને આ ચેતવણી બાબતે માહિતી આપશે. જો બેટિંગ કરનાર ટીમનો સુકાની ક્રિઝ ઉપર હશે તો ટીમ મેનેજરને ચેતવણી અંગે જાણ કરવામાં આવશે.
શોર્ટ રન અંગે પણ થર્ડ અમ્પાયર નિર્ણય લેશે
૨૦૧૯ની આઇપીએલમાં પંજાબ અને દિલ્હી વચ્ચેની એક મેચમાં શોર્ટ રન અંગે વિવાદ સર્જાયો હતો. બિનજરૂરી વિવાદ ટાળવા માટે આઇપીએલમાં હવે થર્ડ અમ્પાયરે આ પ્રકારના શંકાસ્પદ રનની ચકાસણી કરવાની રહેશે અને ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને રદ કરીને પોતાનો નિર્ણય જાહેર કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter