મુંબઇઃ વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટ્વેન્ટી૨૦માં ૮ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. ટી૨૦ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. ક્રિસ ગેઇલે આ સિદ્ધિ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં જમૈકા તાલાવહ તરફથી રમતાં મેળવી હતી.
વિવિધ દેશોમાં યોજાતી ટી૨૦ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ક્રિસ ગેઇલે ૨૧૭ ટી-૨૦ મેચમાં કુલ ૮૧૪૨ રન કર્યા છે, જેમાં ૧૬ સદી અને બાવન અર્ધી સદી સામેલ છે.
ક્રિસ ગેઇલ બાદ બીજો નંબર ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોજનો આવે છે. તેણે ટી૨૦ ક્રિકેટમાં કુલ ૬,૪૭૧ રન કર્યા છે. ક્રિસ ગેઇલના નામે સૌથી ઝડપી ૬,૦૦૦, ૭,૦૦૦ અને ૮,૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ છે. આ ઉપરાંત ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ ક્રિસ ગેઇલના નામે છે.


