લંડનઃ ટીમ ઈન્ડિયાના સુકાની શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય સુકાનીએ પાંચ મેચમાં 754 રન કર્યા છે. ગિલ પાસે ગાવસ્કરનો એક સિરીઝમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તોડવાની તક હતી પરંતુ તે છેલ્લી મેચમાં સસ્તામાં આઉટ થઇ જતા રેકોર્ડ ચૂકી ગયો હતો. ગાવસ્કરે 1971ની સિરીઝમાં વિન્ડીઝ સામે 774 રન કર્યા હતા. ભારતના પૂર્વ સુકાની ગાવસ્કર ગિલના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત છે. ગાવસ્કરે મેચના ત્રીજા દિવસે ગિલને પોતાની સહી સાથેની એક કેપ અને શર્ટ ગિફ્ટ કર્યો હતો. ગાવસ્કરે ગિલના રેકોર્ડતોડ પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે શુભમનનું પ્રદર્શન મારા વિન્ડીઝ સામેના પ્રદર્શન કરતા સારૂ છે કારણ કે તેણે ટીમનું નેતૃત્વ કરતા આ સિદ્ધિ મેળવી છે.